બીજા કોઈ પણ એવોર્ડ્સ કરતાં નેશનલ એવોર્ડ્સ થોડા વધુ વિશ્વસનીય છે. હાલમાં આપણી ફિલ્મો માટે આ એવોર્ડ્સ જાહેર થયા છે. કયા ઓટીટી પ્લેટફોર્મ પર અગાઉની કઈ એવોર્ડ વિજેતા ફિલ્મ જોઈ શકાય એની વાત કરીએ…

૧૯૫૪માં ભારતમાં ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ હતી. ભારત સરકારનું ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ ૧૯૭૩થી એનું સંચાલન કરે છે. પહેલાં સંચાલન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન પેનોરમા કરતું હતું.

ફિલ્મોના નેશનલ એવોર્ડ્સ માટે કેન્દ્ર સરકાર પેનલ રચે છે. દિલ્હીમાં એવોર્ડ એનાયત થાય છે રાષ્ટ્રપતિના હાથે. એમાં દેશની બધી ભાષામાં પાછલા વરસમાં બનેલી ફિલ્મો સામેલ કરવામાં આવે છે. ફીચર ફિલ્મો ઉપરાંત નોન-ફીચર ફિલ્મોને પણ સ્પર્ધામાં હોય છે. દર વરસે સોથી વધુ ફિલ્મો એવોર્ડ્સ માટે મેદાનમાં હોય છે. કઈ ફિલ્મો ધ્યાનમાં લેવામાં આવશે એના નિયમો છે. એક નિયમ કે દિગ્દર્શક ભારતીય અને નિર્માણ પણ ભારતમાં થયું હોવું જોઈએ. પાછલા કેલેન્ડર વરસમાં જે ફિલ્મોએ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવ્યું હોય એ સામેલ થઈ શકે છે. લેખકો માટે પણ એમાં ઇનામ છે. વિજેતાને પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામ આપવામાં આવે છે.

મનોરંજન સાથે ફિલ્મનું ભારતીય પરિપ્રેક્ષ્યમાં સામાજિક, રાષ્ટ્રીય મહત્ત્વ પણ ચકાસવામાં આવે છે. ફિલ્મ મનોરંજનના કે સામાજિક કે દેશપ્રેમના દ્રષ્ટિકોણથી વિજેતા થઈ શકે છે. ૧૯૫૩માં શ્રેષ્ઠ ફિલ્મનો પહેલો એવોર્ડ મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઈ’ને એનાયત થયો હતો. હાલમાં જાહેર થનારા ૬૯મા એવોર્ડ્સમાં સન્માનની હકદાર તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ થઈ છે. ૧૯૭૮માં એવોર્ડ જાહેર અપાયા નહોતા. જે ભાષાની ફિલ્મોએ સૌથી વધુ વખત આ એવોર્ડ જીત્યો છે એ હિન્દી નહીં, બંગાળી છે. બાવીસ વખત બંગાળી ફિલ્મોએ મેદાન માર્યું છે. સૌથી વધુ વખત શ્રેષ્ઠ દિગ્દર્શક થનારા સર્જક પણ બંગાળી સત્યજીત રાય છે. એમણે છ વખત આ સન્માન મેળવ્યું હતું. બંગાળી પછી સૌથી વધુ વખત શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતનારી ભાષા આ રહીઃ મલયાલમ (૧૩), હિન્દી (૧૨), કન્નડ (છ) મરાઠી (પાંચ), તામિલ (ત્રણ), અને બે-બે વખત સંસ્કૃત, આસામીઝ અને તેલુગુ. પહેલીવાર આ એવોર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ ૨૦૧૮ની ‘હેલ્લારો’ હતી. ૨૦૧૪માં મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ વિજેતા હતી અને એ ગુજરાતી સહિતની ચાર ભાષામાં બની હતી. ૨૦૧૩માં આપણા સર્જક આનંદ ગાંધીની ‘શિપ ઓફ થિસિયસ’ને આ એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મ ઇંગ્લિશ અને હિન્દીમાં હતી. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો ઓનલાઇન જોવા ક્યાં પહોંચી જવું એની વાત બે ભાગમાં કરીશું.

હેલ્લારોઃ અભિષેક શાહ દિગ્દશત આ ફિલ્મ એમએક્સ પ્લેયર પર છે. ૧૯૭૫માં કચ્છના રણમાં એની વાર્તા આકાર લે છે. વરસાદવિહોણા ગામમાં, ભૂતકાળના એક શાપને લીધે સ્ત્રીઓના ગરબા રમવા પર પ્રતિબંધ છે. એવામાં પાણી ભરવા જતી ગામની મહિલાઓને નજર પડે છે એક પરદેશી ઢોલી. ‘હેલ્લારો’માં આપણા ઉત્કૃષ્ટ કલાકારોનો શંભુમેળો છે. એની અભિનેત્રીઓને ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ પણ અપાયો હતો.

મિર્ઝા ગાલિબઃ ૧૯૫૪માં આ સન્માન મેળવનારી પહેલી હિન્દી ફિલ્મ આ હતી. એ ઉપલબ્ધ છે ઇરોસ નાઉ પર. ખાં સર્જક સોહરાબ મોદી નિર્માતા-દિગ્દર્શક હતા. ભારત ભૂષણ અને સુરૈયા જેવાં સુપર કલાકારોની ફિલ્મનાં ગીતો પણ અમર છે. સ્વાભાવિક છે વાત મિર્ઝા ગાલિબની હોય તો ગીતો અવ્વલ હોવાનાં જ. ‘દિલ એ નાદાં તુઝે હુઆ ક્યા હૈ’, ‘આહ કો ચાહિયે’, ‘નુક્તા ચીન હૈ’… માણવા પહોંચી જાવ ઓટીટી પર, માણો નોસ્ટાલજિક ફીલિંગ.

દો આંખેં બારહ હાથઃ વી શાંતારામની આ અમર ફિલ્મ વિશે શું કહેવું? એક જેલર કેદીઓને સુધારવાના મિશન પર છે. પેરોલ પર છુટેલા કેદીઓ સ્વભાવે ખુંખાર અને અળવીતરા છે અને પછી… ફિલ્મે આઠમા બલન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલ્વર બેઅર અને સેમ્યુઅલ ગોલ્ડવિન ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા હતા. એનું ગીત ‘એય માલિક તેરે બંદે હમ’ ગીત ન રહેતા પ્રાર્થના બન્યું છે. ફિલ્મ જોઈ શકાય છે યુટયુબ, શેમારૂ મી અને બીજા પ્લેટફોર્મ્સ પર.

અનુરાધાઃ ૧૯૬૦ની હૃષિકેશ મુખર્જી નિમત-દિગ્દશત ફિલ્મમાં બલરાજ સાહની અને લીલા નાયડુનો જાનદાર અભિનય છે. સંગીત પંડિત રવિ શંકરનું છે. જાણીતી ગાયિકા-નૃત્યાંગના અનુરાધા પિતાની ઇચ્છા વિરુદ્ધ આદર્શવાદી ડોક્ટર નિર્મલ ચૌધરીને પરણે પછી શું થાય છે એની એમાં વાત છે. ફિલ્મ યુટયુબ પર છે.

 શહર ઔર સપનાઃ ખ્વાજા અહમદ અબ્બાસ દિગ્દશત ફિલ્મમાં દિલીપ રાજ, સુરેખા, ડેવિડ, નાના પળશીકર જેવાં કલાકારો હતાં. એને ઓનલાઇન માણવી અઘરી છે. ૧૯૬૩માં એ શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત થઈ હતી.

તીસરી કસમઃ બાસુ ભટ્ટાચાર્ય દિગ્દશત અને રાજ કપૂર સાથે વહિદા રહેમાનના અવ્વલ અભિનયથી યાદગાર બનેલી ફિલ્મનાં ગીતો આજે પણ લોકજીભે છે. બિહારનો ગામડિયો હીરામન બળદગાડી હાંકનારો છે. જીવનના અનુભવો આધારે એણે બે સોગન ખાધા છે. એની મુલાકાત નૌટંકીની કલાકાર હીરાબાઈ સાથે થાય છે. ફિલ્મના અંતે એ ખાય છે ત્રીજા સોગન. ફિલ્મ યુટયુબ પર ઉપલબ્ધ છે.

ભુવન શોમઃ ૧૯૬૯ની મૃણાલ સેન દિગ્દશત ફિલ્મમાં અમિતાભ બચ્ચન સૂત્રધાર છે. ઉત્પલ દત્ત અને સુહાસિની મૂળે પ્રમુખ કલાકારો છે. વિધુર ભુવન શોમ રેલવે અધિકારી છે. ગુજરાતની સફરે જતા એની મુલાકાત યુવાન ગૌરી સાથે થાય એની આસપાસ વાર્તા ફરે છે. ફિલ્મ એરટેલ એક્સ્ટ્રીમ, જિયો સિનેમા, હંગામા પ્લે, ઇરોસ નાઉ, મુબી વગેરે પર ઉપલબ્ધ છે.

મૃગયાઃ મિથુન ચક્રવર્તીને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ જીતાવનારી ફિલ્મના દિગ્દર્શક મૃણાલ સેન જ હતા. વાર્તા ૧૯૩૦ના દાયકાની છે. ઓડિશાના આદિવાસીઓ રાની પશુઓ ઉપરાંત નાણાં ધીરનારા અમીરો અને પોલીસના દમનને સહી જીવન વિતાવે છે. એમાં ગામમાં આવે છે નવો અંગ્રેજ અધિકારી જેને ઘરોબો થાય છે આદિવાસી ઘિનુઆ સાથે. મિથુન સાથે ફિલ્મમાં મમતા શંકર, રોબર્ટ રાઇટ, સાધુ મેહેર જેવાં કલાકારો છે. માણી શકાય છે યુટયુબ પર.
આવતા અઠવાડિયે આ સિવાયની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હિન્દી ફિલ્મો ઉપરાંત એવોર્ડ સાથે સંકળાયેલી બીજી વાતો પણ મમળાવીશું.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.01 સપ્ટેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/01-09-2023/6

Share: