નાથદ્વારા બદલાઈ રહ્યું છે.

ઠાકોરજીના નગરમાં 369 ફૂટની શિવજીની વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમા અનાવરિત થઈ એટલે આવું નથી લખ્યું. એ બેશક સોનામાં સુગંધ ભળવા જેવું  છે. મુકેશભાઈએ દેશમાં ફાઇવ-જી ટેક્નોલોજી સૌપ્રથમ નાથદ્વારામાં લૉન્ચ કરી એટલે પણ આવું નથી લખ્યું. નાથદ્વારા ધીમી પણ મક્કમ ગતિએ નવો અવતાર લઈ રહ્યું છે. ઘણું બઘું હજી ઠેરનું ઠેર છતાં ઘણાં પરિવર્તન અને સુધારા દેખીતાં છે.

નાથદ્વારા…

વૈષ્ણવોના સૌથી લાડલા શ્રીનાથજી. કૃષ્ણ ભગવાનનું સાત વરસનું સોણલું સ્વરૂપ શ્રીનાથજી. બનાસ નદીના કાંઠે આવેલા નાથદ્વારાનું નામ ક્યારેક, મુદ્દે સત્તરમી સદીમાં સિંહદ હતું. સિંહદ ગામે શ્રીનાથજી વસ્યા અને એ નાથદ્વારા બન્યું.

નાથદ્વારા જવું મનને પ્રફુલ્લિત કરે છે. એની હવામાં કંઈક તો છે જે નિરાંત કરાવે અને નિરાશા દૂર ભગાવે છે. જીવન રિચાર્જ કરવા જ્યાં પરમાત્મા, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વ સાથે નિકટતા અનુભવાય એવા નાથદ્વારા જેવા સ્થળે જવાની આપણી વૃત્તિ પોકળ થઈ રહી છે. થેન્કફુલી, હું એ પેઢીનો પ્રતિનિધિ છું જેને મન શહેરની ભૌતિકતાભરી લહેર સર્વસ્વ નથી. ગામડું, પર્યાવરણ, સરળતા, સમતા જેવી બાબતો મને 2022માં પણ સાચી મિરાત લાગે છે. 

આ વખતની નાથદ્વારાની જાત્રા પણ ખાસ રહી. રાજસમંદ જિલ્લાના આ નાનકડા નગરમાં જાત્રાળુઓ માટે બહેતર સુવિધાઓ ઊભી કરવા ફાઇનલી કમર કસવામાં આવી છે એ જણાઈ આવે છે. દર્શન કરવામાં પડતી હડિયાપટ્ટી ઓછી થયાનું સાનંદાશ્ચર્ય અને ખુશી પણ થઈ. છેલ્લા થોડા સમયથી જોકે એવાં ધર્મસ્થળોએ જવાનું માંડી વાળવાનો સ્વભાવ કેળવ્યો છે જ્યાં દર્શન ઓછાં અને હડિયાપટ્ટી ઝાઝી હોય. ત્યાં વસતા ભગવાનને મનોમન ભજી લઉં અને સમજું કે જાત્રા થઈ ગઈ. ભગવાને એવું ક્યાંય ફરમાવ્યું નથી કે દર્શન કરવા ત્રાસ સહન કરવાનો. કણકણમાં ભગવાનની સંસ્કૃતિવાળા દેશમાં કોણે કહ્યું કે ચોક્કસ જગ્યાએ જ ભગવાન બિરાજે છે? 

નાથદ્વારામાં હવે ધક્કામુક્કી વિના (અથવા ઓછી ધક્કામુક્કીમાં) દર્શન થઈ શકે છે. એ બહુ મોટી રાહત છે. વડીલો અને શારીરિક પડકારોનો સામનો કરનારા માટે દર્શનની ખાસ સુવિધા થાય તો ઔર ઉત્તમ. જેટલી શાંતિથી ભગવાનનાં દર્શન થઈ શકશે એટલો ધર્મ વધુ ટકશે, ખાસ કરીને નવી પેઢીમાં. મને ગુરુદ્વારામાં ઈશ્વર સમીપ હોવાની લાગણી થાય છે. મુંબઈમાં ચાર બંગલા ગુરુદ્વારા, દિલ્હી સીસગંજ સાહિબ ગુરુદ્વારા, અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, મૈસૂર શ્રી ગુરુ સિંઘ સભા, નાંદેડ તખત સાહિબ… ઉપરાંત, રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત પાવનધામ, પારસધામ, પવિત્રધામમાં પણ ઈશ્વરની નિકટતા અનુભવાઈ છે. અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠમાં પણ…  

નાથદ્વારામાં દર્શન વખતે ગિરદી તો થાય જ છે. હજી સંઘર્ષ છે જ પણ એ પહેલાં કરતાં સહ્ય છે. આ વખતે એવા નિયમને અનુસર્યો કે ઉઘડતાં દર્શનને બદલે દર્શન બંધ થવાની થોડી મિનિટો પહેલાં જવાનું. આ વિચાર ફળ્યો. મંદિરની આંતરિક રચનામાં થયેલા ફેરફારથી પણ દર્શનની સુગમતા વધી છે. બહાર પણ અવ્યવસ્થા ઓછી થઈ છે. હજી ઓછી થઈ શકે છે. 

ઘણી બાબતો કઠે એવી પણ છે. ઠાકોરજીને ચડાવાતો ભોગ વેચતી દુકાનો સ્વચ્છતા કેમ ના અનુસરી શકે? ચંપલ અને મોબાઇલ રાખવા માટેની વ્યવસ્થા કાચી છે. એમ લાગે જાણે પરાણે સુવિધા આપવામાં આવી છે. ભાવિકો પણ બેદરકાર છે. જ્યાંત્યાં ચંપલ ઉતારી-ફગાવીને હાલી પડવાની આદત લોકોમાં ઘર કરી ગઈ છે. ગુરુદ્વારા જેવી વ્યવસ્થા નાથદ્વારામાં થઈ શકે છે. કર્મચારીઓ મૃદુભાષી હોઈ શકે છે. એમનો અભિગમ બહુ વખાણવા જેવો નથી હોતો. 

માણેક ચોકમાં એક ભોજનશાળા છે. એનું સંચાલન મંદિરનું ટ્રસ્ટ કરે છે. ત્યાં ભોજન 35 રૂપિયામાં મળે છે. એના વિશે ક્યાંક ક્યાંક બોર્ડ છે ખરાં પણ ધ્યાન ભાગ્યે જ ખેંચે. આ વખતે નજર પડી એટલે એત સાંજે થયું કે ચાલો જોઈએ, કેવુંક ભોજન પીરસાય છે. ભોજન માણીને સંતોષ થયો. ગુરુદ્વારાના લંગરમાં પ્રસાદ લેવા જેવી ખુશી થઈ. ટ્રસ્ટે આ ભોજનશાળા વિશે લોકો સહેલાઈથી જાણી શકે એવું કંઈક કરવું રહ્યું. વૈષ્ણવો ભલે મોંઘી ગુજરાતી થાળી, ચોપાટીની વાનગીઓ માણે, પણ ભોજનશાળામાં પ્રસાદ તરીકે ભોજન આરોગવું એમને ગમશે. ઘણા એવા પણ હશે જેમને સોંઘું ભોજન ખિસ્સાની દ્રષ્ટિએ વધુ માફક આવતું હોય. 

ગંદકીના મામલે નાથદ્વારા સુધર્યું છે પણ ડિસ્ટિન્ક્શન માર્કસ મળે એટલું નહીં. એનું કારણ પ્રશાસન નથી. એનું કારણ ભાવિકો અને દુકાનદારોમાં સ્વચ્છતા પ્રત્યેના સંનિષ્ઠ પ્રયાસોનો અભાવ છે. કેટલીયે દુકાનો એવી છે જ્યાં કચરાપેટી જ નથી. લોકો જ્યાં ખાય ત્યાં છાંદે, પેકેટ, રેપર ફગાવીને ચાલતી પકડે છે. 

એક ચેન્જ એવો આવ્યો છે કે હવે રસ્તે પસાર થાવ ત્યારે અહીંતહીંથી આરતી, ભજન અને ગીતોના નામે ઘોંઘાટ નથી રેલાતો. મ્યુઝિક હવે કેસેટ અને સીડીના સ્વરૂપમાં ભાગ્યે જ વેચાય છે. એટલે સંગીત વેચતી દુકાનોએ વેપાર બદલી નાખ્યા છે.

મંદિરના ઉપક્રમે ચાલતાં નિવાસધામોમાં ઓનલાઇન રૂમ બુક કરાવવી હવે જાણીતી વાત છે. લગભગ હોટેલના ભાવમાં અપાતી રૂમ સાથે વધુ સગવડો પૂરી પાડી શકાય છે. ઉતારાના બે દિવસમાં અમને એક ટિચ્ચુક સાબુ મળ્યો, એ પણ પહેલા દિવસે. બાકી ના પાણી મળ્યું, ના ટુવાલ બદલાયો, ના સિક્યોરિટીના મામલે સજાગતા વર્તાઈ કે ના રૂમની સાફસફાઈ થઈ. રૂમમાં તકિયાં પણ કવર વિનાનાં અને સાવ ગંદાં. અમારું બુકિંગ ભૂલમાં સાંજે સાડાછએ પૂરું થતું હતું. બુકિંગ વખતે સવાર અને સાંજ (એએમ અને પીએમ)ની ગરબડ થઈ હશે. એ વિશે કાઉન્ટર પર જણાવ્યું તો તરત જ અમને રાહત આપતી વાત થઈ, “વાંધો નહીં. સવારે નવ સુધી રૂમ ખાલી કરજો. એ પછી બુકિંગ છે.” થેન્ક, યુ. 

વૈષ્ણવ નાથદ્વારા આવશે જ. તેઓ તકલીફને હસતા મોઢે એમ કહીને પણ ઝીલશે કે વગર તકલીફે ઠાકોરજીનાં દર્શન ના થાય. એનો અર્થ એવો નથી કે જે તકલીફો નિવારી શકાય એ નિવારવામાં ના આવે. સુધારાનો અવકાશ હોય ત્યાં સુધારો થવો રહ્યો. નાથદ્વારા જેવાં ધર્મસ્થળો આદર્શ બને તો ધર્મ અને સંસ્કૃતિની ગરિમા વધશે. 

  • ન્યુ કૉટેજ અને દામોદરધામની બહાર, આમ તો એના પ્રાંગણમાં જ, એક નવું યાત્રિકધામ બની રહ્યું છે. એના માટે હસ્તગત કરાયેલી જમીનમાં પાયા માટે ખોદકામ થઈ ચૂક્યું છે. 
  • શિયાળાની ચમક શરૂ થઈ છે ત્યારે અને પૂરેપૂરો શિયાળો બેસી જાય એ પહેલાં સુધી નાથદ્વારામાં સવારથી રાત સુધીનો માહોલ ખુશનુમા છે.
  • મંદિર પરિસરમાં મુકાયેલી મોટી સ્ક્રીન પર ઠાકોરજીનાં દર્શનનું જીવંત પ્રસારણ શા માટે નહીં કરવામાં આવતું હોય એ સમજાતું નથી. એ માટે તો છેક બહારના ચોક સુધી ઠેરઠેર સ્ક્રીન્સ મુકાવી જોઈએ. 
  • જેમણે દર્શન ઉપરાંત નાથદ્વારામાં એકાદ બાવાશ્રી સાથે મંદિરની તલસ્પર્શી મુલાકાત લીધી હશે તેઓ મંદિરની અનેક ખૂબીઓથી વાકેફ હશે. એવી તલસ્પર્શી મુલાકાત અથવા ગાઇડેડ ટૂર માટે અનેક યાત્રિકો ઉમંગભેર તૈયાર થઈ શકે છે. એ માટે ગોઠવણ ઊભી કરાવામાં આવે તો એ શક્ય બને.
  • વ્રજરાજનો ચાંદીનો ગજરાજ અને સોનાચાંદીની ઘંટીઓ, જેમાં અનુક્રમે કસ્તૂરી અને ચંદન પીસવામાં આવે છે, એ પણ વરસોથી એક રૂમમાં કેદ છે. મંદિરના નવપલ્લવના કાર્યમાં આ પાવન અને ભવ્ય ચીજોને વધુ યથાયોગ્ય સ્થાન મળે તો એમને નિહાળવાનો આનંદ બેવડાઈ જાય. 
  • વૃદ્ધો અને શારીરિક પડકારોનો સામનો કરનારા માટે હવે ઘણી વ્હીલચેર નાથદ્વારામાં દેખાય છે. જોકે એ મંદિરના ઉપક્રમે નહીં ચાલતી હોય. વ્હીલચેર ભાડે લેવા એનો કોઈક ચાલક મળી જાય તો મેળ પડે એવું છે. 

  જય શ્રીકૃષ્ણ.

 

નાથદ્વારાની વધુ તસવીરોની લિન્કઃ

Share: