હજી તો મે મહિનામાં એક બ્રિટિશ ટેલિવિઝન સિરીઝ નામે ‘ધ ગેમ’ આવી હતી. આપણે ત્યાં જોકે કદાચ એ જોઈ શકાતી નથી. આ તરફ આપણે ત્યાં નેટફ્લિક્સમાં બીજી ઓક્ટોબરે આ નામે જ એક તામિલ સિરીઝ આવી. એના દિગ્દર્શક રાજેશ એમ. સેલ્વા છે, જેઓ સિરીઝના સહલેખક પણ ખરા. આ ક્રાઇમ થ્રિલર સિરીઝમાં વાત છે એક એવી મહિલા પ્રોફેશનલની જેના જીવન સામે ખરતો ઝળુંબવા માંડે છે એના કામ અને એના સ્પષ્ટવક્તાપણાને લીધે. સાત એપિસોડની આ સિરીઝ હિન્દીમાં પણ અવેલેબલ છે. શું છે સિરીઝમાં?
કાવ્યા રાજારામ (શ્રદ્ધા શ્રીનાથ) મૂનબોલ્ટ નામની ગેમિંગ કંપનીમાં કામ કરે છે. એનો પતિ અનુપ (સંતોષ પ્રતાપ) પણ એ કંપનીમાં જ છે, જેણે બનાવેલી એક ગેમ માર્કેટમાં ધમાલ મચાવી રહી છે. એ ગેમનું નામ ‘માસ મેહેમ.’ કાવ્યા જે સિરીઝ બનાવી રહી છે એનું નામ ‘ગ્લાસ સિલિંગ’ છે અને એમાં રમત એવી છે કે મુસીબતમાં પડેલી મહિલા કેવી રીતે પુરુષોથી બચે છે. એવામાં એક એવોર્ડ જીત્યા પછી કાવ્યા એક પબમાં જાય છે અને એના પર જીવલેણ હુમલો થાય છે. એ બચી તો જાય છે પણ અનેક શંકાકુશંકાઓ આકાર લે છે. કાવ્યા સાથે કોઈએ શારીરિક છેડતી તો નથી કરી? એક ગેમર પર કોઈ શાને આવો હુમલો કરે? અને તપાસ શરૂ થાય છે.
મહિલા પોલીસ અધિકારી ભાનુમતી (ચાંદની તામિલરાસન) એના ઉપરીના આદેશને ચાતરીને આ કેસની તપાસમાં ઊંડો રસ લે છે. એને શંકા છે કે મામલો જેટલો દેખાય છે એના કરતાં ક્યાંય વધુ પેચીદો છે. બીજી તરફ કાવ્યાની ભત્રીજી તારા (હેમા) અને માનો ટ્રેક પણ છે. તારા ટીનએજર છે. ઓનલાઇન વિશ્વમાં ચૅટિંગ કરતાં એ દેવ નામના યુવાનની જાળમાં ફસાઈને મોબાઇલ પર દેહ પ્રદર્શન કરી બેસે છે. એના આધારે દેવ તારાને બ્લેકમેઇલ કરે છે. એનું પરિણામ વરવું આવે છે અનવે તારા આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. ભાનુમતીની તપાસ એને કાવ્યાના સહકર્મચારીઓ સુધી પણ દોરી જાય છે. વાર્તામાં એ સાથે એની (શ્યામા હરિણી), ડેની (મુકુંદ કે. રાજેશ) વગેરે પાત્રો પણ ઉમેરાય છે. ભાનુમતીએ જાણવાનું એ છે કે આખરે કાવ્યા પર આવો ઘાતક હુમલો કોણે કર્યો.
2109ના મે ‘લે જેઉ પરથી બનેલો આ તામિલ શો લખ્યો છે દીપ્તિ ગોવિંદરાજને. સહલેખક દિગ્દર્શક ઉપરાંત કાર્તિક બાલા પણ છે. સાત એપિસોડના સિરીઝના પ્રવાહમાં શરૂઆત રસપ્રદ છે પણ પછી સિરીઝ ધીમેધીમે કંટાળાજનક બનતી જાય છે. ખાસ તો એટલે કે એની મોટાભાગની ઘટનાઓ બહુ અપેક્ષિત રીતે આકાર લે છે. મેકિંગનો માહોલ પણ બહુ સરેરાશ છે. કલાકારો અને સેટઅપ પણ બહુ સાધારણ છે. મૂળે કલાકારોના અભિનયમાં સાતત્યનો અભાવ છે. એનાં કારણ લેખન અને દિગ્દર્શન બેઉે છે.
હા, શ્રદ્ધા શ્રીનાથ કંઈક હદે પોતાના પાત્રને ન્યાય આપે છે ખરી પણ કંઈક હદે જ. આ અભિનેત્રી હિન્દી દર્શકો માટે સાવ અજાણી નથી. એણે આ પહેલાં ‘મિલન ટોકિઝ’માં કામ કર્યું હતું. સાઉથની ભાષાઓમાં એણે ખાસ્સું કામ કર્યું છે. જેઓએ એને કોઈક શો કે ફિલ્મની ડબ્ડ વર્ઝનમાં જોઈ હશે તેઓ એનાથી ઠીકઠીક પરિચિત હશે. આ સિરીઝ ગેમિંગની દુનિયા વિશે દર્શકોને સારા એવા પરિચિત કરે છે. મોબાઇલ અને ટેક્નોલોજીના વિસ્ફોટ પછી ગેમિંગની દુનિયા બહુ ગાજી રહી છે. એક ફિલ્મ કે સિરીઝ વગેરે બનાવવા કરતાં પણ ઘણીવાર એક ઉત્તમ મોબાઇલ ગેમ બનાવી વધુ અઘરી હોય છે. એનો આછેરો ખ્યાલ આ સિરીઝ થકી મળી રહે છે.
‘ધ ગેમ’ સરવાળે એવી સિરીઝ છે જે પહેલેથી છેલ્લે જોવા માટે થોડા ધેર્યની જરૂર પડે છે. કાવ્યા ઉપરાંતના એના ટ્રેક જો દમદાર હોત તો વાત અલગ થઈ જાત. દાખલા તરીકે તારાનો ટ્રેક થયો છે એના કરતાં બહુ મજેદાર અને દર્શકોને જકડી રાખનારો બની શકત. પાછું શું છે કે કોઈક નિર્દાષ, ભોળી ટીનએજર કોઈક યુવાનની જાળમાં ઓનલાઇન ફસાઈ જાય એ મામલો મનોરંજનની દુનિયામાં ઘણો વપરાયો છે. એની રજૂઆત આ સિરીઝ કરતાં ક્યાંય સારી રીતે થઈ ચૂકી છે.
એક સમસ્યા કલાકારોના ફ્લેટ અભિનયની છે. સંતોષ પ્રતાપ હોય કે ચાંદની તામિલરાસન કે અન્ય કલાકારો, સૌના અભિનયમાં એકવિધતા છે. એસીપીના આદેશને વળોટીને ભાનુમતી પોતાની રીતે તપાસ કરતી રહે છે, ક્યાંક એ સાવ અકારણ સાડીમાં શોભે છે (આપણને એમાં આડકતરો ઇશારો એ કરાય છે કે છેવટે એ પણ મહિલા તરીકે પારિવારિક મર્યાદાઓ સહન કરે છે પણ એ વાત આપણા સુધી પહોંચતી જ નથી) એ બધી બાબતો બહુ વિચિત્ર છે. એવી જ રીતે, તારા સ્વિમિંગ પૂલમાં રેગિંગનો ભોગ બને છે એ પણ કૃત્રિમ છે.
ખેર, સમયની મોકળાશ હોય અને બીજું કશું મજેદાર જોવા જેવું યાદ ના આવે તો એકવાર આ સિરીઝ જોવા માટે પ્રયાસ કરી શકાય.
નવું શું છે
- 2019માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘વોર’ની સિક્વલ, વાયઆરએફ સ્પાય યુનિવર્સની એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર 2’ ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. જેમાં ઋત્વિક રોશન, એનટી રામા રાવ જુનિયર, આશુતોષ રાણા અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
- જયંત દિગંબર સોમલકરની પ્રથમ મરાઠી ડ્રામા ફિલ્મ ‘સ્થળ’, જેણે ભારત અને વિદેશના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે, આજથી એ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં નંદિની ચિક્તેએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
- ડિરેકટર રોહન સિપ્પીની કોંકણા સેન શર્મા સ્ટારર ક્રાઇમ થ્રિલર વેબસિરીઝ ‘સર્ચ: ધ નૈના મર્ડર કેસ’ આજથી જિયોહોટસ્ટાર પર આવી છે. આ સિરીઝમાં કુલ છ એપિસોડ છે.
- હૈદરાબાદની પૃષ્ઠભૂમિ પર આધારિત અને ગંભીર હત્યા કેસ પર કેન્દ્રિત તેલુગુ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘લીગલી વીર’ આજે લાયન્સગેટ પર રિલીઝ થઈ છે. રેડ્ડી વીર, તનુજા પુટ્ટસ્વામી, વૈદેહી અને પ્રિયંકા રેવરી અભિનિત આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/10-10-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment