ધ આર્ચીઝ માટે બેએક કલાક સ્વાહા કરવા કે કેમ એ ઘણા વિચારતા હશે. આ રહ્યા એના જવાબ…

તમે સ્ટાર કિડ્સ અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, સુહાના ખાન અને અન્ય નવોદિતો વેદાંગ રૈના, મિહિર આહુજા અને યુવરાજ મેન્ડા કેવુંક પદાર્પણ કરે છે એ જોવા આતુર છો? આ યુવાનોએ સરર્સ શરૂઆત કરી છે. એમાં મને જે સૌથી ઇમ્પ્રેસિવ લાગ્યો એ અભિનેતા અગસ્ત્ય છે. પ્રભાવશાળી. અન્ય કલાકારોમાં, સુહાસ આહુજા, અલી ખાન અને વિનય પાઠક અસરકારક છે.

દિગ્દર્શક ઝોયા અખ્તરની 2019ની ગલી બોય પછીની ફિલ લેન્થ ફિલ્મ કેવીક છે એ તમારે જાણવું છે? જવાબ એવો કે એ સમાન જાદુ સર્જી શકી નથી. ગ્લોસ, સેટ, લુક, કોસ્ચ્યુમ વગેરે બધું ફિલ્મમાં છે, માન્ય, પણ કથામાં દમ ક્યાં છે? આ મુદ્દે દર્શક તરીકે માથું ખંજવાળવા સિવાય કશું કરવાનું રહેતું નથી આપણે.

નિરાશા કરાવે છે વધુ પડતું સંગીત અને ગીતોથી આવતો સતત વિક્ષેપ. ખબર નહીં શું કામ આટલાં બધાં ગીતો ફિલ્મમાં ઠઠાર્યાં છે. ધ આર્ચીઝ થોડાં અનિચ્છનીય ગીતો વિના વધુ મજાની અને માણવાસમ થઈ શકી હોત. અને હા, ગીતો રસપ્રદ નથી, નોંધી લો.

ઘણાં બધાં પાત્રો અને લક્ષ્ય વિનાના સબપ્લોટ પણ એટલો જ મોટો માઇનસ પોઇન્ટ છે. હકીકતમાં, એ દર્શકો જેઓને આર્ચીઝ સાથે સંબંધ નથી કે એનાથી ખાસ પરિચિત નથી એમને તો પડદે શું શું ચાલી રહ્યું છે એની સાથે તાલમેળ મેળવવામાં ખાસ્સો સમય લાગવાનો.

ફિલ્મનો મુખ્ય મુદ્દો ગ્રીન પાર્ક છે, એને વેપારીના હાથમાં સરી જતા અટકાવવાની યુવાનોની લડાઈ છે. ખેદની વાત કે આ મુદ્દો ક્યાંય કરતાં ક્યાંય અસરકારક રીતે વપરાતો નથી. સમગ્ર ફિલ્મમાં એવી ક્ષણ સુધ્ધાં આવતી નથી જ્યારે પેટમાં ફટાકડા ફૂટે.

આર્ચીઝ રજૂઆત સાથએ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે તો એવાં કારણોસર જે મનોરંજન સિવાયનાં છે. એ કારણો એટલે ધૂમ પ્રચાર, સ્ટાર કિડ્સ હાજરી અને નેટફ્લિક્સની પહોંચ છે. એની શરૂઆત સારી રહેશે એમાં બેમત નથી જ. છતાં, બહુ જલદી એ ફિસ્સ થઈ જવાની એ પાકું છે.

ટૂંકમાં કહીએ તો, ધ આર્ચીઝ સરેરાશ ફિલ્મ છે. એ પણી આવી ટોચની ટીમ, મોટા રોકાણ સાથે. આ રિઝલ્ટ દમદાર ના કહેવાય, ઝોયા.

Share: