નિર્માતાઓ, સ્ટાર્સ જેવી તેવી ફિલ્મો ઓટીટીને પધરાવી શકે પહેલો દોર સમાપ્ત થવાને છે. વાહિયાત સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મો પાણીમાં બેસી ગઈ એ પછી સમજદારીનું રાઉન્ડ શરૂ થવાને છે. એટલે જ ઓટીટીઝે ઠરાવ્યું છે કે ફિલ્મો સૌપ્રથમ મોટા પડદે જ, પછી ખરીદવાની વાત. 

ફિલ્મો મોટા પડદે જ પીટાઈ રહી છે એવું કોણે કહ્યું? એકવાર આપણે વાત કરી હતી કે સીધી ઓટીટી પર આવતી ફિલ્મો પણ પીટાય છે. એની જાણ ઓટીટીવાળા થવા દેતા નથી. જોકે સત્ય છેવટે પ્રકાશે જ છે. સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોના મામલામાં એવો પ્રકાશ દિવાળી આસપાસ પથરાયો. એ પ્રકાશમાં ઉજળું દેખીને ઓટીટીઝે ઠરાવ્યું છે કે જ્યાં સુધી ફિલ્મ થિયેટરમાં ના આવે ત્યાં સુધી ખરીદવાની નહીં. આ નિર્ણય સાથે જાણે એક  અગત્યનું ચક્ર લગભગ અઢી વરસે પતવાને છે. ચાલો, આ ચક્ર ભેદીએ.

બાવીસ માર્ચ 2020 તો યાદ હશે જ. વડા પ્રધાન મોદીએ એ દિવસે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવા સાથે બધું થંભી ગયું. બોલિવુડ પણ. એ સ્તબ્ધતા, ભય અને અનિશ્ચિતતામાં બોલિવુડની વલે થઈ. પડદે જવા થનગનતી કેટલીયે ફિલ્મોનાં મિસકેરેજ થવાને હતાં. ત્યારે એમની વહારે ઓટીટી આવ્યાં. એમણે રેડી ફિલ્મો ઊંચી કિંમતો આપીને ગજવે કરી અને રિલીઝ કરવા માંડી. સીધી ઓટીટી પર આવનારી પહેલી મોટી ફિલ્મ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ‘ગુલાબો સીતાબો’ હતી. પછી લાંબી કતાર અને એ વધુ લાંબી થતી જ ગઈ. ફિલ્મોને જાણે મોટો પડદો ગમતો ના હોય એમ નિર્માતાઓ ઓટીટીની દાઢીમાં હાથ નાખવા માંડ્યા.

એ સમયગાળામાં કાગનું બેસવું અને ડાળનું પડવું જેઓ ઘાટ પણ થયો. એ દુઃખદ ઘટના સાથે સંકળાયેલો હતો. સુશાંત સિંઘ રાજપુતના અકાળ અવસાન પછી એમની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ સીધી ઓટીટી પર આવી. એણે વ્યુઅરશિપના રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરી દીધા. લૉકડાઉન જારી હતો. સિનેમાઘરો ક્યારે ખુલશે કોઈ જાણતું નહોતું. એમાં ઇન્ડસ્ટ્રી અને ઓટીટીએ લવ મેરેજ કરી લીધાં.

પછી તો નાણાકીય ભીંસમાં અને પાકી ગણતરી સાથે નિર્માતાઓએ ઓટીટીને ફિલ્મો વેચવા માંડી. એમને તો આવક થઈ અને અદ્ધરતાલ રિલીઝથી મુક્તિ મળી. પ્રમોશનના પૈસા બચવા માંડ્યા એ અલગ. ભેરવાઈ જવાનો વારો ઓટીટીનો આવવા માંડ્યો.

પ્રારંભિક ઉછળકૂદ અને ઉન્માદ પછી સીધી ઓટીટીએ આવતી ફિલ્મોથી દર્શકો ધરાવા માંડ્યા. મફતમાં હોય તો શું, ખરાબ ફિલ્મ જોવામાં સમય શું બગાડવાનો, એ સમજણ દર્શકોમાં વિકસતી ગઈ. પરિણામ અપેક્ષા મુજબનું રહ્યું. નબળી ફિલ્મો નાના પડદે પણ પીટાવા માંડી. એના ઓફિશિયલ આંકડાઓ નથી તો શું. કોમન સેન્સ પણ કોઈક ચીજ છે. 2022ના પસાર થયેલા મહિના યાદ કરો. એમાં ઘણી ફિલ્મો સીધી ઓટીટી પર આવી. કેટલી જોઈ? કેટલી યાદ રહી? કેટલી માટે કોઈને ભલામણ કરી કે આ ફિલ્મ જરૂર જોજો? બહુ ઓછાં નામ યાદ આવશે.

દર્શકોને મતલબ એન્ટરટેઇનમેન્ટથી છે. સારી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ ગમે ત્યાંથી રસ્તો બનાવી લે છે. વગર પ્રચાર અને બિગ સ્ટારની ‘કૌન પ્રવીણ તાંબે’ અને ‘અ થર્સ્ડે’ દર્શકોની પરસ્પર ભલામણથી હિટ થઈ જાય છે. ફિલ્મ અપેક્ષાનુસાર ના હોય તો કાર્તિક આર્યની ‘ધમાકા’ની જેમ સૂરસૂરિયું થઈ જાય છે. કોરોનાકાળમાં ઘણા નિર્માતાઓએ એમની સૂરસૂરિયાંછાપ ફિલ્મો ઓટીટીને આંબલીપીપળી બતાવીને પધારવી હતી. ઓટીટીઝ પણ જાણે હું રહી ગયો એક ધડાધડ શૉપિંગ કરવામાં ઊતરી પડ્યાં હતાં.કોના બાપની દિવાળી?

હવે ઓટીટીના સંચાલકોને થોડું જ્ઞાન લાધ્યું છે કે આ તો સાપે છછુંદર ગળ્યો. પૈસા આપણા અને ફ્લોપ પણ આપણે. ફિલ્મ મોટા પડદે આવે તો એની સફળતા કે નિષ્ફળતાથી સર્જકો અને કલાકારોને લાભ કે નુકસાન થાય છે, સ્ટ્રેઇટ ટુ ઓટીટી મામલે એમની વિના પરીક્ષા જાન છૂટી જાય છે. ફિલ્મ મોટા પડદે રિલીઝ કરવા સર્જક તગડો ખર્ચ અને તનતોડ મહેનત બેઉ કરતા પ્રમોશન કરવું પડે છે. સ્ટ્રેઇટ ટુ ઓટીટીમાં પ્રમોશનનો ભાર પણ કન્યાની કેડે ઝીંકાય. નિષ્ફળતા માટે સર્જકના માથે માછલાં પણ ભાગ્યે જ ધોવાય. જાણીતા નિર્માતાઓ પોતાના નામનો લાભ લઈ અલગ અલગ ઓટીટી સાથે કરાર કરી મલ્ટીપલ ફિલ્મો બનાવવાનો ખેલ પાડી શકે. એમાં મરો ઓટીટીનો અને દર્શકોનો થાય. અક્ષય કુમારની આ વરસની લગભગ ફિલ્મો નિષ્ફળ રહી. એના પર સૌની નજર ગઈ પણ સીધી ઓટીટી પર આવેલી ‘લક્ષ્મી’ વાહિયાત હતી એની કેટલાએ ચિંતા કે ચર્ચા કરી? બિલકુલ એટલી નબળી ‘કટપુતલી’ પણ ઓટીટીના ગળાનું હાડકું બનાવી દેવાઈ. એને પણ માત્ર અભાગિયા લોકોએ જોઈ હશે. આવી નિર્માતાઓએ આવી ઘણી નબળી ફિલ્મો ઊંચા દામે ઓટીટીને પધરાવવા માંડી હતી. મોટા પડદે રિલીઝ નહીં થનારી ફિલ્મનું મૂલ્ય સ્ટાર અને મેકર પાવર આઘારે નક્કી થઈ શકે. મોટા પડદે રિલીઝ થયેલી ફિલ્મનો દમ એના બોક્સ ઓફિસ કલેક્શનમાં દેખાઈ જાય. ‘લાલ સિઘ ચઢ્ઢા’ યાદ કરો. ક્યાં એની પહેલી (આશરે 150 કરોડ) અને છેલ્લી (આશરે 80-90 કરોડ) ઓટીટી પ્રાઇસ? એ પણ આમિરની, “મારી ફિલ્મ છ મહિના પછી જ ઓટીટી પર આવવી જોઈએ,” એવા ઉધામાં પડતા મૂકવાની શરતે.

ઊંટ પહાડ કે નીચે આયા હૈ. લેવલ પ્લેયિંગ ફિલ્ડ હો રહા હૈ. ઓટીટીઝે ચીપિયો પછાડી દીધો છેઃ પહેલાં ફિલ્મ મોટા પડદે લાવીને દર્શકો પાસે એનું પાણી મપાવો, પછી બીજી વાત. પ્રકાશ ઝાએ હાલમાં એક ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું. એ હતી ‘મટ્ટો કી સાઇકિલ.’ નાના બજેટની એ ફિલ્મના દિગ્દર્શક એમ. ગની હતા. કોઈ ઓટીટી એને ખરીદવા તૈયાર ના થયું. નાછુટકે ફિલ્મ મોટા પડદે લાવવી પડી. ત્યાં એ ટાંય ટાંય ફિસ્સ થઈ ગઈ. લાઇફટાઇમ કલેક્શન માત્ર દસ લાખ રહ્યું. કંગના રાણાવતની ‘ધાકડ’ને પોણાચાર કમાતા મોંમાં ફીણ આવી ગયા. બીજા ઘણા દાખલા છે. કેટલા આપવા?

કહો કે બોલિવુડે ઓટીટીને જન્કયાર્ડ બનાવવાની તજવીજ કરી લીધી હતી. ઓટીટી સંચાલકો સફાળા બેઠા થઈ ગયા એ સારું થયું છે. અન્યથા, દર્શકો જેમ સિનેમાઘરોથી વિમુખ થયા એમ ઓટીટી સાથે પણ કિટ્ટા કરી નાખત. ઓટીટીમાં કટ્ટર સ્પર્ધા છે. અનેક પ્લેટફોર્મ્સ સબસ્ક્રાઇબર્સ માટે એવી હુંસાતુસી કરી રહ્યા છે મુંબઈગરો ભીડથી સાવ પેક લોકલ ટ્રેનમાં પેસવા મરણિયો થયો હોય. અનેક ઇન્ડસ્ટ્રીઝની જેમ ઓટીટીમાં પણ એ દિવસ અચૂક આવશે જ્યારે નબળાં અને વિઝન વગરનાં પ્લેટફોર્મ્સનો એકડો ભુંસાઈ જશે. જેમ નબળાં ઇમેઇલ પ્રોવાઇડર્સને જીમેઇલે પછાડ્યાં અને જેમ નબળાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફેસબુકે પતાવી નાખ્યાં એમ. ઓટીટીમાં પણ બળિયાના બે ભાગ અને બાકીના ચલ ભાગ થઈને રહેશે. નિર્ણય આવશે ગુણવત્તાના આધારે જ.

ઓટીટીઝ પ્લેટફોર્મ્સ ફિલ્મોનાં ગુલામ નથી. એમની પાસે વેબ સિરીઝ, સ્પોર્ટ્સ, ડોક્યુમેન્ટરીઝ… ઘણું છે. ફિલ્મોના મેકિંગ કરતાં વેબ સિરીઝ પર એમનો વધારે કન્ટ્રોલ રહે છે. એટલે બોલિવુડના હાથનું રમકડું બનવું ઓટીટી માટે યોગ્ય નથી. એણે બોલિવુડની જીહજૂરી કરવાની નથી પણ એની ખામીઓ પોતાને સ્પર્શે નહીં એની તકેદારી રાખવાની છે. એણે બોલિવુડને મુશ્કેરાટ બાંધી રાખી દર્શકોને સારી ફિલ્મો મળે એ માટેની ભૂમિકા ભજવવાની છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની વાત સાથે બોલિવુડને ઓલ ધ બેસ્ટ કહેતા મુદ્દાને વિરામ આપીએ. નવાઝુદ્દીનની સાતેક ફિલ્મો નથી ઓટીટીની રહી કે નથી રહી મોટા પડદાની. એમાં ‘અદભુત,’ ,ટીકુ વેડ્સ શેરુ’, ‘બોલે ચુડિયાં,’ ‘નૂરાની ચેહરા’ વગેરે સામેલ છે. આ ફિલ્મોની મોટા પડદે પધરામણી કર્યે હવે નિર્માતાઓનો ઉદ્ધાર થશે એમ લાગે છે. એ માટે પ્રમોશનમાં કરોડો ખર્ચવા પણ પડશે. ઓટીટી આ ફિલ્મોને સીધી બથ ભરવા તૈયાર નથી. હવે કેમનું થશે એ જોવું રહ્યું. ભવિષ્યમાં આવી અવદશા ઘણા કલાકારોની અને નિર્માતાઓ થઈ શકે છે. બોલિવુડે, ઇન શોર્ટ, માત્ર દક્ષિણની ફિલ્મો સામે નહીં પણ ઓટીટી પર પણ પોતાને સિદ્ધ કરવાનો સમય હવે પાકી ગયો છે, બાકી પછી કાબે અર્જુન લુટિયો…

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 04 નવેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/04-11-2022/2 

 

 

Share: