ગયા વખતે આપણે વાત કરી હતી રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી ફિલ્મોની અને એમને ઓટીટી પર ક્યાં માણી શકાય એની. આ વખતે એની થોડી વધુ ચર્ચા કરીએ. જાણીએ બીજી પણ એવી ફિલ્મો વિશે જેની સરાહના થઈ છે અને જે ઓટીટી પર જોઈ શકાય છે

 

દેશની ફિલ્મોને અપાતા રાષ્ટ્રીય પુરસ્કારના મામલે એક વાત સારી છે. એમાં કોઈ એક ભાષાને પ્રાધાન્ય અપાતું નથી. તમામ ભાષાઓને એકસમાન ધોરણે મહત્ત્વ મળે છે. બીજું કે ખાનગી એવોર્ડ્સની તુલનામાં આ એવોર્ડ્સ વિશે ઓછા વિવાદો થાય છે. સરકારી સંચાલન હોવાથી કોઈ કહી શકે કે એમાં ઘાલમેલ થતી હશે, પણ વરસોની લાંબી યાદી જુઓ તો એ ખ્યાલ પણ આવે છે કે બહુધા આ એવોર્ડ્સ યોગ્ય ફિલ્મોને મળ્યા છે. ગયા વખતે આપણે ‘હેલ્લારો’, ‘મિર્ઝા ગાલિબ’, ‘દો આંખેં બારહ હાથ’, ‘અનુરાધા’, ‘શહર ઔર સપના’, ‘તીસરી કસમ’, ‘ભુવન શોમ’, ‘મૃગયા’ની વાત કરી હતી. આ ફિલ્મો આજે પણ દર્શકોના માનસપટ પર છે. એમાંની ઘણી આજે પણ માણવા જેવી છે. સમયના પ્રવાહમાં પણ એમની મનોરંજક કે સામાજિક સંદેશ આપવાની ગુણવત્તા ખાસ્સી ટકી રહી છે.

 આજે વાત કરીએ એવી બીજી થોડી ફિલ્મોની જેમણે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે.

શ્વાસઃ ૨૦૦૩માં આવેલી આ મરાઠી ફિલ્મ જો ના જોઈ હોય તો અવશ્ય જોજો. એના ડિરેક્ટર અરુણ નલાવડે છે, જેઓ દિગ્દર્શક બન્યા તે પહેલાં મુંબઈની બેસ્ટ બસનું સંચાલન કરતા ઉપક્રમમાં નોકરી કરતા હતા. ‘શ્વાસ’ એમની પહેલી ફિલ્મ હતી અને અત્યંત સફળ હતી. ફિલ્મ બનાવવા પૈસા નહોતા છતાં એમણે સાહસ ખેડયું હતું. નિર્માણ માટે અનેક જણનો સાથ મેળવીને તેમણે પડદા પર સરસ વાર્તા  કહેવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. વાર્તા એવી છે કે એક દાદા પોતાના ગામથી દીકરાને મુંબઈ લાવે છે અને તેઓ પૌત્રની આંખનો ઇલાજ કરાવવા માગે છે. વાર્તા હૃદયસ્પર્શી છે અને મનોરંજક પણ. ફિલ્મ પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે.

પેજ થ્રીઃ દિગ્દર્શક મધુર ભંડારકરનો સર્જનાત્મક સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે, ૨૦૦૪માં, આવી હતી આ ફિલ્મ. આજે પણ એને માણો તો ખ્યાલ આવે કે એ કેટલી સરસ હતી. મુંબઈ આવેલી નવોદિત પત્રકાર માધવીને સેલિબ્રિટીઝના રિપોટગની જવાબદારી મળે પછી શું થાય એની વાર્તા છે. ફિલ્મની ટ્રીટમેન્ટથી લઈને કલાકારોનો અભિનય અને અન્ય પાસાં પણ દમદાર છે. સ્વાભાવિક છે કે કમશયલ ફિલ્મ હોવા છતાં એ રાષ્ટ્રીય એવોર્ડ જીતી તો એનાં કારણો છે. એને માણી શકો છો એમએક્સ પ્લેયર, પ્રાઇમ વિડિયો કે યુટયુબ પર.

પાન સિંઘ તોમારઃ સૈન્યના અધિકારી અને સ્ટિપલચેસના ખેલાડી પાન સિંઘ તોમારના જીવન પર આધારિત આ ફિલ્મે ઇરફાન ખાનની કમાલ વધુ એકવાર સાબિત કરી હતી. તિગ્માંશુ ધુલિયા એના દિગ્દર્શક હતા. ફિલ્મ શરૂ થાય છે એ પોઇન્ટ પર જ્યાં એક પત્રકાર પાન સિંઘનો બાગી તરીકે ઇન્ટરવ્યુ લે છે. સતત જકડી રાખતી આ ફિલ્મને માણવા નેટફ્લિક્સ એક વિકલ્પ છે. બીજો યુટયુબ પણ છે જેમાં ફિલ્મ સો રૂપિયા ચૂકવીને જોઈ શકાય છે.

શિપ ઓફ થિસિયસઃ ગુજરાતી મેકર આનંદ ગાંધીની આ ફિલ્મ પડદા પર છવાઈ જાય છે અને દર્શકોના હૈયામાં પણ. ઇજિપ્શિયન ફોટોગ્રાફર આલિયા અંધ છે. ઇલાજ પછી એને દ્રષ્ટિ તો પાછી મળે છે પણ પોતાની ફોટોગ્રાફીના પરિણામથી એ ખુશ નથી. બીજી તરફ એક જૈન સાધુ મૈત્રેય છે જેઓ ભારતમાં પશુઓ પર થતાં પરીક્ષણો પર પ્રતિબંધ મૂકવાની એક પિટિશનમાં સહભાગી છે. તેઓ માંદા પડે છે. લિવરની તકલીફ છે અને ચુસ્ત જૈન તરીકે તેઓ એ દવાઓ લેવા નથી ચાહતા જેના ઉત્પાદન માટે પશુઓ પર પરીક્ષણો થયાં હોય. ત્રીજી તરફ શેરદલાલ નવીન છે જેનું હાલમાં જ કિડની પ્રત્યારોપણ થયું છે. આ સહિતનાં પાત્રોને આવરી લેતી ફિલ્માં અનેક આયામ છે. સિનેમેટોગ્રાફી કમાલ છે. યુટયુબ અને ફેન્ડોર (જેનું સબસ્ક્રિપ્શન પ્રાઇમ વિડિયો મારફત લઈ શકાય છે) બેઉમાં એ ઉપલબ્ધ છે.

કાંચીવરમઃ ઝી ફાઇવ પર ઉપલબ્ધ આ ફિલ્મ મૂળ તામિલ છે. ૨૦૦૮માં એ આવી હતી. પ્રિયદર્શન એના દિગ્દર્શક છે. પ્રકાશ રાજ એમાં મુખ્ય પાત્રમાં છે જે છે. પાત્રનું નામ છે વેંદાગમ. ૧૯૪૮નો સમય છે અને વેંદાગમ જેલમાંથી આઝાદ થઈ પોતાના ગામ કાંચીપુરમ આવે છે. કાંજીવરમ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ સાડીનું નિર્માણ કરતા એના ગામની વાતો વેંદાગમને યાદ આવે છે. વાર્તાનો પનો મોટો અને ટ્રીટમેન્ટ બહુ અસરકારક છે. ફિલ્મમાં શ્રિયા રેડ્ડી પણ મહત્ત્વના પાત્રમાં છે. ધીમી ગતિની પણ અનેક બાબતોને એકતાંતણે બાંધીને વશ કરતી આ ફિલ્મ અવશ્ય જોવાય.

હવે વાત પોપ્યુલર ફિલ્મોની. નેશનલ એવોર્ડમાં એક કેટેગરી પોપ્યુલર ફિલ્મોની છે. આ એવોર્ડની શરૂઆત ૧૯૭૫માં થઈ હતી. આ શ્રેણીમાં હિન્દી ફિલ્મો ૨૯ વખત જીતી છે, તેલુગુ ફિલ્મો છ વખત જીતી છે, તામિલ ફિલ્મો ચાર વખત, મલયાલમ ફિલ્મો ત્રણ વખત, બંગાળી ફિલ્મ બે અને કન્નડ ફિલ્મ એક વખત જીતી છે. યશરાજ ફિલ્મ્સે આ શ્રેણીમાં છ એવોર્ડ્સ જીત્યા છે. શાહરુખ ખાન આ એવોર્ડ જીતનારી સાતેક ફિલ્મોમાં કલાકાર તરીકે હતા. માધુરી દીક્ષિત અને કાજોલ ત્રણ-ત્રણ વખત આ શ્રેણીની વિજેતા ફિલ્મોમાં ઝળક્યાં છે. સૌથી વધુ વખત જે ડિરેક્ટરની ફિલ્મોમાં જીતી છે એ યશ ચોપરા છે, જેમના ખાતામાં આવી ચાર ફિલ્મો છે. તો માણો, જાતજાતની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મો ઓટીટી પર.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.15 સપ્ટેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/view_article/chitralok/15-09-2023/6/151420

Share: