આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો

બંધિયાર બાબત ક્યારેય સારી હોતી નથી. એકના એક ઠામમાં પડયું પાણી ગંધાવા માંડે છે. બંધ ઓરડાની હવા અજંપો સર્જે છે. બંધિયાર જિંદગી માણસને નબળું પાડે છે. પરિવર્તન, અનિશ્ચિતતા અને અકળતા જીવનને રોચક બનાવે છે. અણધારી ઘટના કાયમ અણગમતી કે નુકસાનદાયી હોતી નથી. ટૂંકા અથવા લાંબા ગાળે પણ એમાંથી કશુંક ઉપજે અને એ લાભદાયી હોઈ પણ શકે છે. બોસ ક્યારેક ટપારે એમાં પણ ફાયદો હોઈ શકે છે.

ક્યારેક ભાવતું ભોજન ના મળે એ પણ સારો સંકેત હોઈ શકે છે. અનિશ્ચિતતાની ઉત્તેજના જીવનનું મેેઘધનુષ છે. બધું લયબદ્ધ અને ગણતરીપૂર્વક ચાલે એમાં મજા નથી. ઈશ્વર માપસર ઠંડી, ગરમી કે વરસાદ આપતો નથી. માપસર જીવવા મળે તો જીવન વાસ્તવમાં જીવન નહીં, નરી ફોર્મ્યુલા બની જાય. ખુશી એ માણો કે બધું અપેક્ષા પ્રમાણે નથી ચાલતું. આવનારી ક્ષણ ચકિત કરી દે તો રાજી રહો. નિશ્ચિત રિધમ એટલે બંધિયારપણું. એ જાય તો જાદુ થાય. એક નહીં, સો વખત થાય. થવા દો જાદુ અને માણો જીવન.

– સંજય વિ. શાહ

Share: