હજી તો નવું વરસ શરૂ થયું છે ત્યાં મનોરંજનની દુનિયાની અમુક રોચક વાતો સામે આવી છે. ઓનલાઇન ક્ષેત્રમાં તેજી અને ટેલિવિઝનના ક્ષેત્રમાં વળતાં પાણી એ એનો સાર છે. હજી પાંચ-સાત વરસ પહેલાં કદાચ જેની કલ્પના કરવી અઘરી હતી એવી આ બાબત છે.
દેશમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા સો કરોડને પાર કરી ગઈ છે. મોબાઇલમાં ઉપલબ્ધ ઇન્ટરનેટનાં કનેક્શન્સ અલગ. 140 કરોડની વસ્તીવવાળો આપણો દેશ ગણીએ અને ઘરદીઠ પાંચ માથાં હોય એવું ધારીએ તો બ્રોડબેન્ડ કનેક્શન્સની આ સંખ્યા છપ્પરફાડ ગણાય. મતલબ એવો થાય કે ભારતમાં સો માણસે 71 બ્રોડબેન્ડ કનેકશન્સ છે. અથવા કહો કે દર 1.40 માણસે એક બ્રોડબેન્ડ કનેક્શન. એમાં ઉમેરી દો મોબાઇલ કનેક્શન્સ, જેની સંખ્યાં 117 કરોડે પહોંચી ગઈ છે. એમાં પણ ઇન્ટરનેટ હોય. એટલે વાત ક્યાં પહોંચી?
દુનિયાના બીજા દેશોમાં જોકે આના કરતાંય આગળ વાત પહોંચી છે. ઇસ્ટોનિયામાં દર માણસે 2,09 કનેક્શન્સ છે. જાપાનમાં દર માણસે, 1,86, અમેરિકામાં 1.77, ઇફિનલેન્ડમાં 1.62, ઇઝરાયલમાં 1.53, ડેન્માર્કમાં 1.44 અને સ્વીડનમાં આપણી જેમ દર માણસે 1.40 બ્રોડબેન્ડ કનેક્શન છે. આંકડાઓ સૂચવે છે કે આપણે ભલે માનીએ કે હદ થઈ ગઈ પણ ભારતમાં બ્રોડબેન્ડ કનેક્શન્સની સંખ્યા વધવાનો હજી ખાસ્સો અવકાશ છે. એટલે જ ઓનલાઇન મનોરંજનની બજાર હજી ફાટવાને પણ ભરપૂર અવકાશ છે.
ઓટીટીની વાત પર આવીએ એ પહેલાં ટેલિવિઝનની વાત કરી લઈએ. હાલમાં જ સમાચાર આવ્યા કે વિવિધ કંપનીઓએ હાલમાં જ એમની ચાલતી (ખોડંગાતી) અથવા પ્રસ્તાવિત એવી પચાસેક સેટેલાઇટ ચેનલ્સનાં પરવાના સરકારને સપ્રેમ અર્પણ કરી દીધા છે. આવું કરનારી કંપનીઓમાં ઝી, એનાડુ, ટીવી ટુડે, એનડીટીવી, એબીપી નેટવર્ક, વગેરે છે. ઉપરાંત કલવર મેક્સ એન્ટરટેઇનમેન્ટે (જે દેશમાં સોની પિક્ચર્સ નેટવર્ક ચલાવે છે) એની ઘણી ચેનલ્સની ડાઉનલિંન્કિંગ પરમેશન્સ જતી કરી છે.
સેટેલાઇટ ચેનલ માટેના લાઇસન્સ વિશે થોડી વાત કરી લઈએ. એ માટે અરજી ફી, અપલિન્કિંગ અને ડાઉનલિન્કિંગ વગેરે જેવી સરકારી મંજૂરીઓ માટે રૂપિયા સાત લાખથી,(વિદેશમાં અપલિન્ક્ડ થયેલી ચેનલ દેશમાં અરલિન્ક થઈ હોય તો, રૂ. 15 લાખ દર વરસે ચુકવવાના રહે છે. રૂપિયા એક કરોડની બેન્ક ગેરન્ટી, કંપનીની ઓછામાં ઓછી રૂપિયા પાંચ કરોડની નેટ વર્થ અને અન્ય ખર્ચ અલગ. આટઆટલા ખર્ચ કરીને માંડ ઊભી થતી એક સેટેલાઇટ ચેનલ હવે બહુ મજાનો વેપાર નથી રહી, કારણ ટીવીને મળતી જાહેરાતોમાં અને એના દર્શકવર્ગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
એક તરફ વાઈફાઈ અને ઇન્ટરનેટની રેમલછેલ છે. બીજી તરફ ડીટીએચના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી રહી છે. 2019ના નાણાકીય વરસમાં જે સંખ્યા 7.20 કરોડ હતી એ 2024ના નાણાકીય વરસમાં 6.20 કરોડ થઈ ગઈ. અત્યારે સંખ્યા હજી ઘટી હશે. પણ જ્યાં બધું મનોરંજન ડિજિટલી અને સહેલાઈથી મળી રહે (મોટાભાગની ટીવી ચેનલ્સ ઓનલાઇન જોઈ જ શકાય છે) ત્યાં કોઈ શા માટે ડીટીએચને અલગથી રૂપિયા ઓરે?





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!