રાજકુમાર હીરાનીએ દર્શકોને સતત જીત્યા છે. ડંકી દિગ્દર્શક તરીકે એમની છઠ્ઠી અને શાહરુખ સાથેની પહેલી ફિલ્મ છે. વિદાય લેતા વરસની એ છેલ્લી બે મોટી ફિલ્મોમાંની (બીજી સાલાર) એક છે. કેવીક છે ડંકી?
- લંડનમાં શરૂ થઈ કથા 1995ની સાલના ફ્લેશબેકમાં પંજાબ પહોંચે છે. પઠાનકોટથી સૈનિક હાર્ડી સિંઘ ધિલ્લોન (શાહરુખ) એનો જીવ બચાવનારા યુવાનનો આભાર માનવા લાલ્ટુ ગામે પહોંચે છે. યુવાન મૃત્યુ પામ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ બદલવા એની બહેન મનુ (તાપસી) લંડન જઈ પાઉન્ડમાં આવક રળવા ચાહે છે. મિત્રો બગ્ગુ (વિક્રમ કોચર) અને બલ્લી (અનિલ ગ્રોવર) પણ ઇંગ્લેન્ડ જવા છટપટિયાં મારી રહ્યા છે. હાર્ડી એમની ઇચ્છા સાકાર કરવાનું બીડું ઝડપે છે. શિક્ષણ, સંપન્નતા અને અંગ્રેજીનો એ સુધ્ધાં જેમને નથી આવડતો એવાં ત્રણને સીધે રસ્તે ઇંગ્લેન્ડના વિઝા મળતા નથી. અપવાદરૂપ બલ્લીને સ્ટુડન્ટ વિઝાથી લંડન જવા મળે છે. સુખી (વિકી) નામનો યુવાન પણ અનિવાર્ય સંજોગોને લીધે ઇંગ્લેન્ડ જવા પ્રયાસરત છે. એ આત્મહત્યા કરે છે. પછી હાર્ડી બીડું ઝડપે છે મનુ અને બગ્ગુને ડંકી મતલબ ગેરકાનૂની રીતે, (કે ડોન્કી એટલે ગર્દભની જેમ અથડાતા, કુટાતા) સરહદો વટાવવા જીવ દાવ પર લગાડીને પણ ઇંગ્લેન્ડ પહોંચાડવાનું.
- એમનો લંડનનો જોખમી પ્રવાસ, એક પછી એક દેશની સરહદ ગેરકાનૂની રીતે વટાવવાનું કષ્ટ, સાથે જોડાયેલા અન્ય ત્રણનાં મોત જેવી ઘટનાઓ થકી વાર્તા આગળ વધે છે. ફાઇનલી તેઓ લંડન પહોંચે છે અને…
- હીરાનીની દિગ્દર્શક તરીકેની, પહેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસને બાદ કરતાં, પહેલાંની ચાર ફિલ્મોમાં શરૂઆત ગજબ હતી. દર્શકને ખ્યાલ સુધ્ધાં ના રહેતો કે ફિલ્મ ક્યારે શરૂ થઈ અને જામી પણ ગઈ. અહીં એવી જમાવટ નથી. માહોલ ધીમેધીમે બને છે. ઇંગ્લેન્ડ જવા માટેના યત્નો દર્શાવતા ગીતુ ગુલાટી (બમન ઇરાની)ના ઇંગ્લિશ શીખવતા ક્લાસ, ગીતો વગેરે ફિલ્મને પ્રગતિશીલ રાખવામાં મદદરૂપ થાય છે. છતાં, લગે રહો મુન્નાભાઈ, થ્રી ઇડિયટ્સ, પીકે અને સંજુના સ્તરે ફિલ્મની શરૂઆત કે એનો પહેલો અંક પહોંચતાં નથી.
- ઇન્ટરવલ પછી ફિલ્મ બહેતર છે. ઉત્તરાર્ધ શરૂ થાય છે ડંકી તરીકે પાત્રોની જોખમી, ગેરકાનૂની વિદેશ સફર સાથે. ભારતથી પાકસ્તાન, અફઘાનિસ્તાન… કરતાં કરતાં, ત્રણ જણ ઇંગ્લેન્ડ પહોંચે છે. ફિલ્મનો આ ભાગ સારો છે પણ હીરાની-શાહરુખના કોમ્બિનેશન પાસેથી અપેક્ષિત ઊંચાઈ આંબતો નથી.
- દેશભક્ત હાર્ડી ઇંગ્લેન્ડમાં શરણું મેળવવા સિદ્ધાંત સાથે બાંધછોડ કરતો નથી. એનાથી કથામાં ટ્વિસ્ટ આવે છે. ઉત્તરાર્ધની ઘટનાઓ વધુ રોચક, ક્યાંક ક્યાંક ઇમોશનલ હોવાથી ક્લાઇમેક્સ સુધી રહે છે.
- ફિલ્મનું એક નબળું પાસું સંગીત છે. હીરાનીની ફિલ્મોમાં (અગેઇન, એમની પહેલી ફિલ્મને બાદ કરતાં) ગીતોને વાર્તા સાથે એકરસ થતાં આપણે જોયાં છે. શબ્દો અને વિચારના ઉત્કૃષ્ટ ચયનથી એમની ફિલ્મોનાં ગીતો સદાબહાર બન્યાં છે. ડંકીનાં ગીતો એ મુકામે પહોંચતાં નથી, કદાચ એકમાત્ર ગીત ચલ વે વતનને બાદ કરતાં. ફિલ્મથી હીરાનીએ પ્રીતમ સાથે કરેલું જોડાણ ફળદાયી રહ્યું નથી.
- ફિલ્મની જાન શાહરુખ ખાન છે. એ પછી રંગ રાખે છે તાપસી. નાના પાત્રમાં બમન પરફેક્ટ છે. વિકી મહેમાન કલાકાર તરીકે દમદાર છે. દેવેન ભોજાણી નોંધ લેવડાવે છે. અન્ય કલાકારો પાત્રોચિત છે.
- હીરાનીની ફિલ્મો ડિટેઇલિંગ માટે અલગ તરી આવતી હોય છે. પાત્રો, દ્રશ્યનું બેકડ્રોપ, વસ્ત્રો, રંગો, વસ્તુઓ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક… બધું સહિયારા જુદી આભા સર્જતાં હોય છે. એમનો પ્રબળ પરસ્પર સંબંધ હોય છે. આ તાકાતનો ડંકીમાં અભાવ છે. ડંકીના લખાણમાં જરૂરી ઊંડાણ નથી, દિગ્દર્શકે પોતે, એમના કાયમી સહલેખક અભિજીત જોષી સહિત આ વખતે લેખનકાર્યમાં કનિકા ધિલ્લોનને ઉમેરી છે. છતાં, વિષયની મૌલિકતાને, જબરદસ્ત સેટઅપને મળવો જોઈએ એવો ન્યાય સ્ક્રિપ્ટ નથી આપી શકી.
- આવું વાંચીને રખે એમ ઠરાવતા કે ડંકી જોવાય નહીં. ડંકી બેશક જોવાય અને જોવી જોઈએ. એ સાફસુથરી ફિલ્મ છે. અમુક જગ્યાએ લાગણીના તેજ તરંગો પણ સર્જે છે.
- ડંકી એટલે પણ જોવાય કે એ વિદેશ વસવાનો મોહ રાખનારાની સામે લાલ બત્તી ધરે છે. એ સ્વદેશનો મહિમા જણાવે છે. દેશ-દેશ વચ્ચે બનેલી સરહદોને લીધે ગરીબો અને અશિક્ષિતો માટે પરદેશ વસવાટનું શમણું કેવું દુષ્કર અને જીવલેણ બન્યું છે એ વરવી વાસ્તવિકતાને ફિલ્મ ઉજાગર કરે છે.
- ફિલ્મમાં આ મુદ્દો ઘણી વધારે સારી રીતે રજૂ થઈ શક્યો હોત. એવું થાત તો ડંકી વધારે મનોરંજક અને અફલાતૂન બની જાત.
- મેકિંગના મામલે ક્યાંય કચાશ નથી. એડિટિંગ અસ્ખલિત છે. બેકગ્રાઉન્ડ સ્કોર હાવી થાય એવો પાવરફુલ નથી.
- ડંકી, ઇન શોર્ટ, સેક્સ, ગાળો, વ્યસનો, અનૈતિક સંબંધોથી દૂર એવી સોશિયલ ફિલ્મ છે. શાહરુખ મેનિયા અને હીરાની મેજિકથી બોક્સ ઓફિસ પર પહેલા રાઉન્ડમાં એ નિશ્ચિતપણે ડંકો વગાડશે. કેટલા સ્ટાર્સ? ત્રણ તો પાકા, ઓછા વધારે તમે જોઈને નક્કી કરો.



Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment