એકસાથે આખા દેશને મૂર્ખ બનાવવો અઘરો છે. વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મે કાશ્મીર મુદ્દે એ દ્રષ્ટિકોણ આપણી સમક્ષ મૂક્યો છે જે અનેક બાબતો ઉજાગર કરે છે. આપણા સર્જકો આવી ફિલ્મો દેશના વિવિધ મુદ્દે બનાવે એ સારી વાત જ ગણાશે, કેમ કે પુસ્તકોની જેમ ફિલ્મો પણ ઇતિહાસના આલેખનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
એક ફિલ્મ આખા દેશને એકતાંતણે બાંધે અને રાજકારણીઓને વેરવિખેર કરી નાખે એવું ભાગ્યે જ બનતું હોય છે. ફિલ્મ છેવટે શું? મનોરંજનનું એક માધ્યમ. એની શી વિસાત કે એ બૌદ્ધિક સ્તરે ધરતીકંપ સર્જી શકે. તેમ છતાં, આ કાશ્મીર નામની ફિલ્મે અસાધારણ ચર્ચાને જન્મ આપ્યો છે. એના સર્જક વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતે નહીં વિચાર્યું હોય કે એમની ફિલ્મ આ હદે ચર્ચામાં રહેતી ચીજ બનશે અને આ હદે બૉક્સ ઓફિસ પર વાવંટોળ સર્જશે. અક્ષય કુમારની ફિલ્મને કાચેકાચી ખાઈ જવી એ ખાવાનાં કામ નથી. તો, પ્રશ્ન થાય કે સામાન્ય ભારતીયોને આ ફિલ્મમાં એવું તે શું દેખાયું કે એમણે એને પોતીકી કરી? વરસોમાં એકાદવાર સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોનારા નાકચઢ્યા લોકો પણ કેમ આ ફિલ્મ જોવા થિયેટર સુધી ખેંચાયા? પાઇરસીને પરમેશ્વર ગણનારા, પૈસા બચાવ માનસિકતાવાળા માણસો પણ કેમ પાઇરસી પડતી મૂકી પૈસા ખર્ચીને આ ફિલ્મ જોનારા થયા? કરીએ વાત.
સૌપ્રથમ ફિલ્મની થોડીઘણી અને ફાસ્ટ ફાસ્ટ સમીક્ષા. જેની રજૂઆતને આટલા બધા દિવસો થયા એ ફિલ્મની વિગતવાર સમીક્ષા અસ્થાને જ ગણાય.
ઇન્ટરવલ સુધી ધ કાશ્મીર ફાઇલ્સ એકદમ ચુસ્ત ફિલ્મ છે. ઇતિહાસ કે વાસ્તવિકતાની વાત ભૂલી જાવ, માત્ર દર્શકના માનસ પર પડતી એની અસર વિચારો તો ખરેખર એ જકડી રાખે છે. ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સતત આવજા કરતી વાર્તા માંડવાની રીત ફિલ્મને માફક આવે છે. ઇન્ટરવલ પછી ફિલ્મ કંઈક અંશે મોળી પડવા છતાં પીટાઈ જતી નથી. યુવાનાયક કૃષ્ણા (દર્શન કુમાર)ને મળેલો કાશ્મીરના ઇતિહાસ અને તવારીખનો સંવાદ મધ્યાંતર પછીની નબળાઈઓ ઢાંકી દેવામાં પ્રમુખ કારણ બને છે. અગ્નિહોત્રી પાસે ફિલ્મને ક્યાં પૂરી કરવી એ વિશે સ્પષ્ટતા નહીં જ રહી હોય એટલે છેવટે પંડિતોની સામૂહિક હત્યા સાથે શ્રી પૂર્ણાય નમઃ થઈ જાય છે. અનુપમ ખેર ફિલ્મની જાન છે તો બ્રહ્મ દત્ત તરીકે મિથુન ચક્રવર્તી ઠીક રહે છે. શારદા પંડિત તરીકે ભાષા સુંબલી સચોટ અને દર્શન કુમાર કૃષ્ણા તરીકે પાત્રોચિત્ત છે. ટેક્નિકલી ફિલ્મમાં કશું નોંધનીય નથી. નબળું ઘણું છે. કદાચ આ બાબતો ફિલ્મની વિરુદ્ધ જવાની બદલે અને શક્તિ પુરવાર થઈ છે. કેવી રીતે, એની વાત કરવા સાથે આપણે આવીએ મૂળ મુદ્દા પર.
ફિલ્મ, ફરીવાર જણાવી દઈએ, મનોરંજનનું માધ્યમ છે. ધ કાશ્મીર ફાઇલ્સ મનોરંજનના દ્રષ્ટિકોણ કરતાં ઇતિહાસની અને રાષ્ટ્રપ્રેમની દ્રષ્ટિએ ઉપાડો લેનારી ફિલ્મ લેખાઈ રહી છે. વાત સદંતર સાચી કે ખોટી નથી. આ ફિલ્મ એટલે પણ સફળ થઈ છે કે એના હેતુમાં એ સાંગોપાંગ ઉત્તીર્ણ થાય છે. શિન્ડલર્સ લિસ્ટ, જેનો ઉલ્લેખ આ ફિલ્મની તરફેણ અને વિરુદ્ધમાં વાતો કરતી વખતે વારંવાર થાય છે એની જેમ આ ફિલ્મ પણ નર્યા મનોરંજન માટે નથી. શિન્ડલર્સ લિસ્ટ ડિસ્ટર્બ કરનારી હતી. ખૂબ લાંબી (195 મિનિટ) હતી અને 1982માં રજૂઆત પછી અપેક્ષા કરતાં ઓછી સફળ રહી હતી. ધ કાશ્મીર ફાઇલ્સ ટંકશાળ બની છે. હજી તો એ બૉક્સ ઓફિસ સિવાયનાં માધ્યમોમાં પણ નાણાંનું ઘોડાપૂર સર્જશે. ભારતીયો આ ફિલ્મને કેમ આટલી ચાહી રહ્યા છે?
એક, કાશ્મીર સૌના હૃદયને સ્પર્શતો મુદ્દો છે. આતંકવાદે (હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યએ નહીં) કાશ્મીરને દોજખ બનાવ્યું એના સાક્ષી કરોડો ભારતીયો છે. બાકી 1970ના દાયકા સુધી પણ ત્યારના યશ ચોપરાઝ શૂટિંગ માટે સ્વિત્ઝર્લેન્ડ નહીં, કાશ્મીર જ જતા હતા.
બે, આઝાદી વખતે શું થયું, ભારત અને કાશ્મીરનું વિલીનીકરણ કઈ રીતે થયું એ જવા દો. કાશ્મીરને કલમ 370 હેઠળ મળેલા વિશેષાધિકાર પણ સમજ્યા. અગત્યની વાત એ છે કે વિશેષાધિકાર સાથે કાશ્મીર ભારતનો અંતરંગ હિસ્સો રહ્યું છે. એને સળગાવવાનું કામ પાકિસ્તાન અને એની સાથે કુલડીમાં ગોળ ભાંગનારા અન્ય દેશોએ આતંકવાદ થકી કર્યું. અન્યથા, કાશ્મીર આટલી પીડાઓની ભૂમિ બનત નહીં.
ત્રણ, રાજકારણના પાપે ઘણી સચ્ચાઈઓ વિકૃત રૂપે લોકો સમક્ષ આવતી હોય છે. આ ફિલ્મ એ મુદ્દાને નથી 1990ના સમયકાળમાં વણદેખી કરતી કે નથી કરતી એના વર્તમાનમાં. લોકોને સચ્ચાઈ જાણવાનો અધિકાર છે. ઇતિહાસની દૃષ્ટિએ ફિલ્મ કેટલી સાચી કે ખોટી એ નક્કી થઈ શકે નહીં. પહેલીવાર એવું છે કે ઇતિહાસને પંડિતોના દૃષ્ટિકોણથી વત્તા, પીડાયેલા દરેક કાશ્મીરીના દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ થયો છે. ફિલ્મના પાયામાં પુસ્તકો સહિત સમાચાર અને લોકોની આપવીતીની વાતો છે. રાજકારણે કાશ્મીરનું ધનોતપનોત કાઢવામાં કસર રાખી નહોતી એ સચ્ચાઈ માત્ર કાશ્મીરને નહીં, આખા દેશ અને મોટાભાગની દુનિયાને પણ લાગુ પડે છે. ફિલ્મની સફળતામાં આ ગર્ભિત રોષ પણ કામ કરી ગયો છે.
ચાર, પંડિતો કાશ્મીરમાં બહુમતીમાં નહોતા. લઘુમતી સાથે ત્યાંની બહુમતી પ્રજાના નામે આતંકવાદે જે કાળો કેર વર્તાવ્યો એ માત્ર કાશ્મીરી પંડિતોને થયેલો અન્યાય નહોતો. એ દેશ અને માનવતાને થયેલો અન્યાય હતો. એ અન્યાયને ખાળવામાં રાજકારણ નાપાસ થયું હતું. પંડિતોને નિરાક્ષિતોના કેમ્પમાં ઘાલી દેનારા રાજકારણીઓ કેવા નકામા હશે એ વિચાર કંપારી કરાવનારો છે. બાંગલાદેશમાં થયેલા અન્યાય માટે ફોજ મોકલાય અને કાશ્મીરમાં થતા અન્યાય માટે કેમ્પ ઊભા કરાય, આ છે રાજકારણ.
પાંચ, 1990માં બગડેલી બાજી 2022 સુધી પૂરેપૂરી જીતી શકાઈ નથી એ આપણી રાષ્ટ્ર તરીકેની નિષ્ફળતા છે. એક ઘા ને બે કટકા જેને કરવા હોય એ કરી શકે છે. આપણે એ ઈંટનો જવાબ પથ્થરથી આપીને, ઇઝરાયલની જેમ, કરી શક્યા હોત. આપણે એવું કર્યું નથી. આપણે પંડિતોને મરવા દીધા. આપણે તેમને વિસ્થાપિત થવા દીધા. આપણે ત્રણ દાયકા પાણીમાં પધરાવી દીધા. એની વચ્ચે કાશ્મીરીઓની પીડાને દર્શાવવાના નામે બે-ચાર મોળી કે મસાલેદાર ફિલ્મો પણ આવી. એમાંથી એક પણ એવી નહોતી જેણે ઇતિહાસનો આટલો જબરદસ્ત આધાર લીધો. ધ કાશ્મીર ફાઇલ્સ એટલે જ અલગ તરી આવી અને વેપારમાં તરી પણ ગઈ.
હવે વાત કરીએ શા માટે આ ફિલ્મ દેશના ઇતિહાસની દૃષ્ટિએ અગત્યની થઈ શકે છે એની.
ભારતનાં નસીબ બહુ નબળાં છે કે એનો ઇતિહાસ પેઢી દર પેઢી અને સદી દર સદી વિદેશીઓનાં વિચાર, સમજણ અને ભારતને મૂલવવાની રીતથી નોંધાયો છે. આ લખનાર સ્કૂલમાં હ્યુ એન ત્સંગનો પાઠ ભણતો ત્યારે, મુગ્ધાવસ્થાના માર્યા, ખુશ થતો કે જુઓ, ચીનાએ પણ મારા દેશ વિશે લખવું પડે છે. આજે ખબર પડી કે મારા દેશ વિશે તો ચીનાઓએ, અંગ્રેજોએ, મુસ્લિમોએ, પર્શિયનોએ… બધાંએ થોકબંધ લખ્યું છે, સિવાય મારા પોતાના ભારતીઓએ. ભારતને સમજવામાં આપણે એટલે ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ. આપણી પાસે ધર્મગ્રંથો છે પણ સ્વદેશી ઇતિહાસગ્રંથોનો અભાવ છે. ભારતને સમજવા આપણે વિદેશીઓના ઓશિયાળા થવું પડે એ વાટકીમાં ડૂબી મરવા જેવું છે.
આપણે નવેસરથી ઇતિહાસ લખી શકતા નથી કેમ કે એવું કરવા માટે પણ આધાર તો અન્યોએ સર્જેલા ઇતિહાસનો લેવો પડશે. આપણે જોકે આપણી આંખ સામેથી પસાર થયેલા નજીકના સારા-નરસા સમયને તો બિલકુલ ભારતીયોની દૃષ્ટિથી સમજી, મૂલવી અને લખી શકીએ છીએ. એ બહુ જરૂરી કામ છે. આગામી પેઢીઓને ભારત કેવો દેશ છે એ ભારતીયોની બુદ્ધિ પ્રમાણે સમજાય એ માટે જરૂરી છે. પછી જે થવું હોય એ થાય પણ કાશ્મીર હોય કે દેશનો અન્ય કોઈ પણ મુદ્દો, દરેક મુદ્દા પર ફિલ્મથી માંડીને પુસ્તકો સુધી જે પણ સાહિત્ય સર્જાય એ સ્વદેશી સર્જકોનું હોય એ આપણી મોટી જીત ગણાશે.
વિવેક રંજન અગ્નિહોત્રી ઇતિહાસકાર નથી. તેઓ એક સામાન્ય ફિલ્મસર્જક છે. ધ કાશ્મીર ફાઇલ્સ પહેલાં એમને ભાગ્યે જ કોઈએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધા હશે. આ ફિલ્મે વાત બદલી નાખી છે. કાશ્મીરની વરવી વાસ્તવિકતાઓની આટલી નજીક જનારી ફિલ્મ બનાવીને એમણે પોતાનું નામ તવારીખમાં નોંધાવી દીધું છે.
ઇતિહાસ લખાવો જ જોઈએ. ઇતિહાસ પડદે જીવંત થવો જ જોઈએ. જેમને આ ફિલ્મ સામે વાંધો હોય એમને પોતાના દ્રષ્ટિકોણથી કાશ્મીરની સમસ્યા પર ફિલ્મ બનાવતા કોઈ રોકતું નથી. બનાવો ફિલ્મ અને પછી દર્શકોને નક્કી કરવા દો કે વાતમાં કેટલું મોણ છે.
ભારત હિંદુઓનો દેશ કેમ મુસ્લિમોનો એવો સ્ટુપિડ પ્રશ્ન જેઓ કરતા હોય એમણે મોઢું બંધ કરી દેવું. ભારત એક ધર્મના લોકોનો દેશ સદીઓથી નથી. ધર્મ પરિવર્તને આ સ્થિતિ સર્જી એવો બકવાસ પણ નહીં જોઈએ. એવું આખી દુનિયામાં થતું રહ્યું છે અને થતું રહેવાનું છે. જોવાનું એ રહે છે કે બદલાતી તકદીર સાથે એક દેશ કેવી રીતે સંતુલન, સાયુજ્ય અને સમજણ રાખીને આગળ વધે છે. આઝાદી પછી પાકિસ્તાન માત્ર કાગળ પર ધર્મનિરપેક્ષ દેશ રહ્યો છે. બાંગ્લાદેશની સ્થિતિ પણ પોરસાવા જેવી નથી. ભારતમાં એ બેઉ દેશ કરતાં વધારે મુસ્લિમો છે. ભારતમાં દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધારે મસ્જિદો છે. ભારત, ભારતીયો અને રાજકારણીઓ જો સમજદારી સાથે વર્તશે તો આ દેશ કોમી તકલીફોથી મુક્ત રહી શકશે. થાપ ખાઈ ગયા તો કોઈ પણ પ્રજાની બહુમતી પછી પણ છેવટે બધું રેવડી દાણાદાણ થશે.
કાશ્મીરની સમસ્યા મુસ્લિમ વર્સીસ પંડિતોની નહોતી. એ હતી ભારતીયો વિરુદ્ધ આતંકવાદીઓની. એ સમસ્યા હતી પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાન પછી ઉપડેલી અસહ્ય ચૂંકની. એ સમસ્યા હતી આપણી રાજકીય ઉદાસીનતાની. એ સમસ્યા હતી દૂધનું દૂધ અને પાણીનું પાણી નહીં કરવાની આપણી આદતની. આજે પણ એમાં ખાસ ફરક પડ્યો નથી. આજે પણ આપણે ઘણું સુધરવાનું બાકી છે. આજે પણ આપણે ઇતિહાસની મહત્તા સમજીને એને જાતે રચવાની આદત પાડવાની બાકી છે. વિદેશી મીડિયા જેવું ચીતરે એવું ભારત સૌ જાણે અને જુએ એ આપણા સ્વાતંત્ર્ય પર તરાપ અને લાંછન છે.
ધ કાશ્મીર ફાઇલ્સ વિશે ચર્ચા અને વિવાદો ભલે થાય. થવા જ જોઈએ. ફિલ્મ બનાવવાનો અધિકાર અગ્નિહોત્રીએ માણ્યો, એને જોઈને વખાણવાનો આનંદ પ્રજાએ માણ્યો. હવે દેશની બીજી સમસ્યાઓ પર પણ આવું થવા દો. એનાથી થશે એટલું કે આપણા પૉઇ્ન્ટ ઓફ વ્યુથી આપણે આપણા દેશને વધુ સમજતા થશું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ કહ્યું છે કે ગાંધીજી જેવા આપણા મહાનાયક રાષ્ટ્રપિતાના જીવન આધારિત ફિલ્મ વિદેશી બનાવે કેવું? બિલકુલ, આ કામ સર્વોત્તમ રીતે કોઈક ભારતીયે કર્યું હોત તો વધુ સારું થાત. ખેર, હવે પછી આપણે આપણા રિચર્ડ એટનબરોઝની નજરે આપણા ઇતિહાસને પડદો જોઈએ એવી અપેક્ષા રાખો. બાકી મનોરંજન અને ઇતિહાસ બેઉ માટે વિદેશીઓના ઓશિયાળા થવું એ આપણા માટે શર્મનાક વાત હતી, છે અને રહેશે.
(સ્વામી સહજાનંદ મેગેઝિનની કૉલમ ઇન્ટરવલમાં માર્ચં 2022 એ પ્રસિદ્ધ થયેલો લેખ)



Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment