અમારી વિઝિટ વખતે દુબઈ નાં અમુક પર્યટનસ્થળો જાહેર જનતા ખુલ્યાં નહોતાં. કોવિડકાળ પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે પણ સંપૂર્ણપણે સામાન્ય થવાની બાકી છે. અમે દુબઈમાં પગ મૂક્યો હતો એ દિવસે સરકારે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ હટાવ્યો હતો. એથી અમે માસ્ક પહેરવાથી છૂટ્યાં પણ એવા ઘણા હતા જેમની માસ્ક પહેરવાની આદત અકબંધ હતી.


મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર
શહેરના મરીના વિસ્તારના બ્લ્યુવોટર્સ આઇલેન્ડ સ્થિત ઐન દુબઈ ફેરીસ વ્હીલ ખુલ્યું નહોતું. ગ્લોબલ વિલેજ અને મિરેકલ ગાર્ડન પણ બંધ હતાં. લેગોલેન્ડ ખુલેલું પણ બાળકો સાથે હોય તો એ માણી શકાય. અબુધાબીનું બુકિંગ હતું પણ આગલા દિવસે એજન્ટનો ફોન આવ્યો કે શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક (મસ્જિદ) અને એમિરેટ્સ પેલેસમાં પ્રવેશ નથી. કોવિડના નિયમોથી લોચો પડ્યો. મુલાકત રદ કરી. એક ચીજ અમે જાતે જતી કરી, ધાઉ ક્રૂઝ. ફરી ક્યારેક જશું તો માણી લેશું. જૂન મહિનામાં જ ખુલેલી મહમ્મદ બિન રાશીદ લાઇબ્રેરી ફેસ્ટિવલ સિટી મૉલ પાસે હતી. એની ઇમારત જાણે એક પુસ્તક! એના વિશે ઇન્ટરનેટ પણ વાંચી ત્યાં જવા તલપાપડ હતો. 30 સપ્ટેમ્બરે વિશ્વ ભાષાંતર દિવસે ઇવેન્ટ પણ હતી. એ દિવસનો અમારો કાર્યક્રમ આગોતરો નક્કી હોવાથી યોગ ના થયો. દુબઈના નેક્સ્ટ પ્રવાસમાં આખો દિવસ લાઇબ્રેરીને નામ થશે. ત્યાંની ભવ્ય મસ્જિદો માટે પણ પાકું આયોજન થશે.
માણેલી એક નોંધપાત્ર જગ્યા મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર હતી. શેખ ઝાયેદ રોડ સ્થિત ટ્રેડ સેન્ટર ટુ પાસે એ સ્થિત છે. ફેબ્રુઆરીમાં એ ખુલ્લું મુકાયું છે. એની ઇમારત સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. 77 મીટર ઊંચી ઇમારતનો કુલ વિસ્તાર 30,0000 ચોરસ મીટર છે. એમાં પિલર નથી. નિર્માણમાં નવેક વરસનો સમય લાગ્યો છે. વિશ્વની એ સૌથી ધ્યાનાકર્ષક ઇમારત ગણાઈ રહી છે. ડિઝાઇન છે કિલ્લા ડિઝાઇન આર્કિટેક્ચર સ્ટુડિયોના નિષ્ણાતોની. ઇમારતના મોખરાના એટલે બહારના ભાગ પર દુબઈના શાસકે લખેલી અરેબિક કવિતાની કેલિગ્રાફી છે.
મ્યુઝિયમ મુખ્યત્વે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં થતી પ્રગતિને દર્શાવે છે. શહેરી જીવન સારું બનાવવા ભવિષ્યમાં શું થઈ શકે એ માટે એ થિન્કિંગ સેન્ટરની ગરજ પણ સારશે. એના પર કંડારાયેલા શેખ મહમ્મદ બિન રાશીદ અલ મખ્તોમના શબ્દોનો સાર આ પ્રમાણે છેઃ
“આપણે ભલે સો વરસ ના જીવીએ પણ એવું કશુંક જરૂર સર્જી શકીએ છીએ જે સેંકડો વરસ ટકે.”
“ભવિષ્ય એમનું છે જેઓ વિચાર, ડિઝાઇન અને નિર્માણ કરી શકે છે. ભવિષ્ય પ્રતીક્ષા કરતું નથી. એને આજે ડિઝાઇન કરીને ઘડવાનું હોય છે.”
“જીવનના નૂતનીકરણ, સમાજની પ્રગતિ અને માનવતાના વિકાસને એકતાંતણે બાંધતો શબ્દ છેઃ આવિષ્કાર.”


એની ઇમારત વટેમાર્ગુઓને પણ છક્ક કરનારી છે. એમાં સાત માળ છે. અમારી મુલાકાત બપોરે હતી. અમે સ્પેસશિપ જેવી લિફ્ટથી ત્રીજા માળે પહોંચ્યાં. અમારે 2071ની સાલનું બાહ્ય વિશ્વદર્શન કરવાનું હતું. મુલાકાતીઓને સમજવામાં અનુકૂળતા રહે એ માટે અનાઉન્સર હતા. પૃથ્વીથી આગળની દુનિયાનો આ અનુભવ આહ્લાદક હતો. અમુક ગેજેટ્સ થકી ફોટો લઈ પોતાને સ્પેસ ટ્રાવેલર તરીકે જોવાની પણ મજા પડી.
આગળના વિભાગ રસપ્રદ હતા. પર્યાવરણ, પંચતત્ત્વો વગેરે સાંકળતી બાબતો મુખ્ય હતી. ટેક્નોલોજી થકી તમામ ચીજો સાકાર થઈ રહી હતી. એક વિભાગ હતો લાઇબ્રેરી ઓફ લાઇફ જેમાં અસંખ્ય જીવોના (કાલ્પનિક) ડીએનએ કાચની બરણીઓમાં હતાં. અંઘારા વચ્ચે વિવિધરંગી રોશનીથી એ વિભાગ અનોખો લાગી રહ્યો હતો. એક વિભાગમાં ઇન્દ્રિયોની શક્તિની વાતો ઉજાગર કરાઈ છે. અનેક લોકોનો ઓમ્ જેવો ઉચ્ચાર ભેગો થાય તો ધ્વનિશક્તિના વિલીનીકરણથી શું થાય એ દર્શાવાયું હતું. મ્યુઝિયમની ખાસિયતોનું શાબ્દિક વર્ણન અઘરું છે કેમ કે એ અનુભૂતિની ચીજો હતી.
વળતા પ્રવાસમાં, નીચેના માળે એક વિભાગમાં ટેક્નોલોજીથી ભવિષ્ય કેવુંક બદલાશે, કેવાં સાધનો હશે, કેવાં પરિવર્તનો આવશે વગેરે ઝલક હતી. એક વિભાગ એક્સક્લુઝિવલી બાળકો માટે હતો. મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર નામને સાર્થક કરે છે. એને માણવા બેથી ત્રણ કલાક લાગી શકે.
મળીએ નેક્સ્ટ અને મોટાભાગે છેલ્લા એપિસોડમાં, એક બ્રેક પછી.
ટૂંકમાં…
- મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચરની પ્રવેશ ફી 145 દિરહામ છે. બુકિંગ માટે ધસારો રહેતો હોવાથી એડવાન્સ બુકિંગ કરવું. અન્યથા, “દુબઈ જઈને જોશું,” એમ ધારીને આળસ કરી તો ટિકિટ ના મળે એવું બની શકે છે.
- દુબઈનાં પ્રવાસસ્થળોની ટિકિટ અલગ અલગ અથવા કોમ્બોમાં ખરીદી શકાય છે. મલ્ટીપલ જગ્યાનો પાસ લઈ શકાય જેમાં થોડો ઓછો ખર્ચ થશે.
- સ્થાનિકોનો પરંપરાગત પોષાક માત્ર સ્થાનિકો પહેરી શકે છે. જાહેરમાં એ પહેરવો અન્યો માટે વર્જ્ય છે. ડેઝર્ટ સફારી જેવા સ્થળે ફોટોગ્રાફ માટે જોકે પહેલી શકાય છે.
- શરીર ઉઘાડું દેખાય એવાં વસ્ત્રો ત્યાં પહેરવાં નહીં. જોકે સત્તાધીશો થોડો હળવાશભર્યો અભિગમ રાખતા હોવાથી ફેશનેબલ વસ્ત્રોમાં લોકો હરેફરે છે. નિયમ એવો છે ખભા અને ઘૂંટણ ઢંકાય એવાં વસ્ત્રો પહેરવાં પણ ઘણા નિયમ ચાતરનારાં વસ્ત્રો પહેરે છે.
- આપણે ત્યાં ચલણમાં છે એવી વોલેટ સિસ્ટમ દુબઈમાં નથી. બિલ ચૂકવવા સૌથી વધુ કેશ અને કાર્ડ્સનો ઉપયોગ થાય છે. (ક્રમશ:)


Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment