પાંચ વરસે થયેલી ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં કેવી રહી? એના ભપકા અને ગુજરાતમાં રોકાણો વિશે ઘણું છપાયું. 2019માં ઇવેન્ટમાં જઈને એનાથી બેહદ પ્રભાવિત થાય પછી આ વરસે ખૂબ ઉત્સાહ હતો. આશા હતી કે કોવિડ છી અને અમૃતકાળમાં યોજાનારી ઇવેન્ટ ક્યાંય વધુ સારી અને લાભકારી રહેશે. બેશક, રાજ્યમાં રોકાણની દ્રષ્ટિએ કદાચ એવું પરિણામ આવ્યું છે. એ સિવાયનાં નિરીક્ષણો આ રહ્યાંઃ

- સુપર વીઆઈપીઝથી માંડીને સામાન્ય માણસ સુધી સૌ માટે ખુલ્લી ઇવેન્ટમાં સામાન્ય વિઝિટર્સ અને નાના વેપારી હેરાન થયા. ખાસ તો પહેલા દિવસે, જ્યારે સિલ્વર અને બ્લ્યુ રંગના બેજ સાથે પ્રવેશ મેળવતા એમના નાકે દમ આવી ગયો. દેશમાં સો ટકા વીજળી પુરવઠો કરવા સુધીની સિદ્ધિ મેળવવા સુધી પહોંચી ગયેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈના હોમ સ્ટેટમાં બેજ જારી કરનારાં કાઉન્ટર્સ પર વીજળી ગૂલ હતી. એના લીધે થયેલી સખત ભીડ, ત્રાસ અને અવ્યવસ્થાએ
દાટ વાળ્યો. - સિલ્વર અને બ્લ્યુ કાર્ડધારકોને શુભારંભ ઇવેન્ટમાં પ્રવેશ નહીં છતાં એવી જાણ કરાી નહોત. એટલે સૌ વહેલી સવારથી પહોંચવામાં માંડ્યા. પછી એવા ગોસમોટાળા કે ના પુછો વાત. એક તો પ્રવેશ માટે કાર્ડ લેવામાં અને પછી બપોરે બે વાગ્યા સુધી શું કરવું એની મથામણમાં.
- અસંખ્ય વીવીઆઈપીઝ, દેશ અને વિદેશના સત્તાધીશો હાજર હોવાથી ગાંધીનગરના રસ્તા અત્રતત્રસર્વત્ર કોર્ડન કરી દેવાયા હતા. એનાથી ગાંધીનગર પોલીસ અને આયોજકોએ સામાન્ય લોકો માટે ઇવેન્ટના મુખ્ય પ્રાંગણ સુધી પહોંચવું દુષ્કર કરી નાખ્યું હતું. બસની ફેરી સર્વિસ હતી પણ પહેલા દિવસે એની જાણ થાય એની સચોટ વ્યવસ્થા નહોતી.
- બપોરે બ્લ્યુ-સિલ્વરધારીઓને પ્રવેશ શરૂ થયો કે પ્રવેશદ્વાર ધાંધલ જેવ સ્થિતિ થઈ. સિક્યોરિટી ચેકમાં ખાલી હાથે પસાર થવું થોડું સહેલું હતું પણ નાનકડી પણ બેગ હોય તો કામથી ગયા જેવી સ્થિતિ હતી.
- 2019ની તુલનામાં 2024ની મિસમેનેજમેન્ટ વધ્યું હતું. ગુજરાતની ગરિમા અને તાકાત માટે એ યોગ્ય નહોતું.
- વિવિધ સેમિનાર્સ અને કાર્યક્રમો હાઉસફુલ રહ્યા પણ નબળા આયોજનને લીધે એ પૂરા માણી શકાય તેવો માહોલ નહોતો.
- આ વખતે બ્લ્યુ-સિલ્વર કાર્ડધારકોને ભોજનના પાસ નહોતા અપાયા. ગયા વખતે અપાયા હતા. ભોજન નહીં મળે એની જાણ નહોતી કરાઈ. રસ્તાનાં નિયંત્રણો વચ્ચે ઇવેન્ટથી બે-ત્રણ કિલોમીટર દૂર જઈ ખાવું શક્ય નહોતું. હા, પેઇડ ફૂડ કોર્ટમાં મળતી વાનગીઓ વાજબી દામે ઉપલબ્ધ હતી ખરી.
- વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઇવેન્ટ એન્ટરટેઇનમેન્ટ જેવી હતી. મોટી સંખ્યામાં તેઓ ઉમટ્યા હતા. નેટવર્કિંગ માટે આવેલા વેપારીઓનો જોકે ખો નીકળી ગયો હતો.
- બી-ટુ-જી એટલે બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનાં સરકારી કાઉન્ટર્સ પર અધિકારીઓની હાજરી અને ગેરહાજરી મનમરજી મુજબની હતી. પહેલાં આવું નથી જોયું. મીટિંગ્સ કરનારા ઘણાનો મત આવો હતો, “મજા નહીં આવી…”
- પાણી, ચા-કૉફી અને બિસ્કિટ, ત્રણ ચીજો સહેલાઈથી અને ઘણી જગ્યાએ વિનામૂલ્યે ઉપલબ્ધ હતી.
- મૂળ ઉત્તર પ્રદેશના અને દેશ તથા અમેરિકા વચ્ચે આવજા કરતા એક યુવાન વેપારીનું નિરીક્ષણ આ હતું, “તમારે નેટવર્કિંગની સરખી ગોઠવણ કરવી નહોતી તો મોટા ઉપાડે બોલાવ્યા શા માટે?”
- આગલા દિવસ સુધી રાજકોટમાં પાટીદાર સંમેલનમાં હાજરી આપીને આવેલા બીજા એક વેપારીએ કહ્યું, “આના કરતાં સારી વ્યવસ્થા તો ત્યાં હતી.”
- 2019માં ઇવેન્ટની એપ સરસ કામ કરતી હતી. એનાથી નેટવર્કિંગની આગોતરી મીટિંગ્સ સરસ ગોઠવી શકાતી હતી. આ વખતે લોચો હતો. મીટિંગ ફિક્સ કરવા મોકલેલા મેસેજના પ્રત્યુત્તર મળતા નહોતા. છોગામાં, સર્ચમાં સૌથી આયોજક સાથે સંકળાયેલી કંપનીઓના લોકો જ દેખાતા હતા.
- વાઇબ્રન્ટને લીધે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જોવાની તક મળી. એનાં વખાણનાં બહુ પોટલાં મીડિયામાં ખોલાયાં હતાં. મનમાં હતું કે કમાલનું સ્ટેશન હશે. ઉત્સાહ વચ્ચે રાતના સાડાઅગિયાર આસપાસની ટ્રેન માટે સાડાઆઠ વાગ્યામાં પહોંચી ગયા. જોયું તો કાંઈ કરતાં કાંઈ ના મળે. પાણી પણ નહીં. ખાવાનું ભૂલી જ જાવ. માથે ઝળુંબતી લીલા હોટેલના કેફેમાં જવાનું વિચાર્યું તો ત્યાં પહોંચાડતી લિફ્ટ બંધ હતી. આ સ્ટેશને ટ્રેન્સ જૂજ હોવાથી બની શકે આખો દિવસ સગવડો ધમધમતી રાખી ના શકાય પણ વાઇબ્રન્ટ વખતે, એ દિવસોમાં પસાર થતી ટ્રેન્સના સમય વખતે પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિની તસદી લઈ શકાઈ હોત. અમે હોંશીલા ભૂખ્યા પેટે, સામાન ઢસડતાં સ્ટેશને પહોંચી તો ગયા પણ પાછા સામાન ઢસડતાં ફૂડ કોર્ટે જવું પડ્યું જેથી પેટમાં કાંઈક તો જાય.
- અમે સમાપન સમારોહ માટે રોકાયા નહીં. એમાં શું થયું એ કહેવું અઘરું છે. પણ એટલું નક્કી કે વાઇબ્રન્ટના બે દિવસ ગયા વખતની તુલનામાં ઓછા ફળદાયી રહ્યા.
- ત્રણ દિવસમાં કથિત રૂ. 26.33 લાખ કરોડના રોકાણને આકર્ષનારી ઇવેન્ટ બેશક સરકારી દ્રષ્ટિકોણથી, રાજ્યના ઉજળા ભવિષ્યના દ્રષ્ટિકોણથી બેહદ સફળ ગણાય. એ માટે રાજ્ય સરકાર અને મોદી બેઉ અભિનંદનને પાત્ર છે પણ, હજારો વેપારીઓ જેમાં વેપારમાં લાભકારક નેટવર્કિંગ અને જ્ઞાનોપાર્જનની આશાએ આવે એ ઇવેન્ટમાં એમને વધુ સારી સગવડ આપી જ શકાય. આશા રાખીએ આવતી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં એ થશે.


Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!