ઇન્ડિયન પોલીસ ફોર્સઃ પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મો આપણે ત્યાં બહુ જોવાય છે. કોઈકમાં પોલીસ હીરો તો કોઈકમાં સમાજનો દુશ્મન. રોહિત શેટ્ટીનું સર્જન અને એમની સાથે સુશ્વાંત પ્રકાશે દિગ્દર્શિત કરેલી નવી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વરસની પહેલી સૌથી આશાસ્પદ સિરીઝ છે. એ એક્શન થ્રિલર છે, મોટ્ટા સ્ટાર્સ ધરાવે છે અને ખર્ચાળ પણ છે. સિરીઝ પ્રાઇમ વિડિયો પર 19 જાન્યુઆરીએ સ્ટ્રીમ થવાનું શરૂ કરશે. સાત એપિસોડ્સ છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી, નિકિતિન ધીર, શરદ કેળકર, મુકેશ રિશી વગેરે ફાંકડા રોલમાં જોવા મળશે.
આશ્રમઃ ભગવાન હૂં મૈં… એવો દાવો કરતા પાખંડી બાબા નિરાલા તરીકે બોબી દેઓલને સૌએ માણ્યો છે. એની સાથે સિરીઝમાં ચંદન રોય સન્યાલ, અદિતી પોહણકર, તુષા પાંડે, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, ત્રિધા ચૌધરી જેવાં કંઈક કલાકારોને ઝળકતાં આપણે જોયાં છે. એની ઓલરેડી ત્રણ સીઝન થઈ ચૂકી છે. પહેલી સુર હતી, બીજી પણ સારી અને ત્રીજી ઠીકઠીક હતી. ચોથી સિરીઝમાં સર્જક પ્રકાશ ઝા કયો જાદુ પાથરશે એની હવે ઇંતેજારી છે. એનું ટ્રેલર આવી ચૂક્યું છે. 19 જાન્યુઆરીએ એમએક્સ પ્લેયર પર ચોથી સીઝન શરૂ થાય એટલે ખબર કે એમાં કેટલો દમ છે. એટલું જરૂર ધારી શકાય કે ઝા જેવા સિદ્ધ સર્જકની સિરીઝ અપેક્ષા કરતાં સાવ ઊણી ઊતરવાની નથી.
પંચાયતઃ દેશી ભારતને દમદાર રીતે દર્શકો સુધી પહોંચાડવામાં ઊંચે ઝંડા ફરકાવનારી નોંધનીય સિરીઝ એટલે ‘પંચાયત.’ સિરીઝ બનાવવાની શરૂઆત કરતી વખતે કદાચ મેકર્સે પણ નહીં વિચાર્યું હોય એવી સફળતા સિરીઝને મળી છે. જિતેન્દ્ર કુમારને અભિષેક ત્રિપાઠી તરીકે દર્શકોએ વધાવ્યો તો ખરો, સાથે સ્ટાર પણ બનાવ્યો. સાથે છે નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય જેવાં કલાકારો. દરેકે પાત્રને સરસ જીવ્યું છે. સાન્વિકાએ એમાં પ્રધાનની દીકરી રિન્કી તરીકે પાછલી એટલે બીજી સીઝનમાં એન્ટ્રી લીધી હતી. ત્રીજી સીઝન આવી રહી છે 15 જાન્યુઆરીથી, પ્રાઇમ વિડિયો પર. ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફુલેરામાં ત્રિપાઠી એન્ડ ટીમ હવે કયા નવા રંગો પાથરશે એ જોવાની ઉત્સુકતા શમાવવા તૈયાર રહેજો.
હીરામંડીઃ સંજય લીલા ભણસાલીનું કોઈ પણ સર્જન હોય, દર્શકો જબ્બર આતુરતા સાથે એની પ્રતીક્ષા કરે એમાં નવાઈ શી? ‘હીરામંડી’ જોકે ક્યારની આવુંઆવું કરી રહી છે. લાહોરમાં આવેલો રેડ લાઇટ એરિયા, જે શાહી મોહલ્લા તરીકે પણ ઓળખાય છે (પાકિસ્તાની ફિલ્મ બોલમાં એને સરસ રીતે પેશ કરાયો હતો) એની આસપાસ ઘુમરાતી ભણસાલીની સિરીઝ નેટફ્લિક્સ પર આ વરસે તો આવી જ જશે એવી આશા અસ્થાને નથી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, હુમા કુરેશી, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ, શરમીન સેહગલ… એકએકથી જાણીતી માનુનીઓ સિરીઝમાં ઝળકવાની છે. આઝાદી પહેલાં હીરામંડી શું ચીજ હતી એ જોવા અને ભણસાલીની ભવ્યતા માણવામાં ખરેખર મજા પડવાની છે.
ફર્ઝીઃ રાજ અને ડી.કેની શાહિદ કપૂરને ચમકાવતી, પ્રાઇમ વિડિયોની સિરીઝ ‘ફર્ઝી’ની પહેલી સીઝન સારી જરૂર હતી, પણ અસાધારણ નહોતી. છતાં, સ્ટારડમ સાથેની આ સિરીઝની નવી સિરીઝ આવે એ સહજ ગણી શકાય. નકલી ચલણી નોટોની વાત કરતી આ સિરીઝની પહેલી સીઝન ગયા વરસની શરૂઆતમાં આવી હતી. નવી સીઝન બરાબર એક વરસે આવવાના આસાર છે. શાહિદ ઉપરાંત એમાં વિજય સેતુપતિ, કે કે મેનન, ઝાકીર હુસેન, અમોલ પાલેકર, રાશિ ખન્ના, ભુવન અરોરા વગેરે પણ છે. એની નવી સીઝન આવવાની છે એ શાહિદે જાતે જાહેર કર્યું હતું. જોવાનું એ રહે છે કે ક્યારે અને કેટલા એપિસોડ્સ સાથે.