વાત એ ન હોવી જોઈએ કે સાઉથની ફિલ્મોનો ડંકો વાગી રહ્યો છે. વાત એ હોવી જોઈએ કે બોલિવુડનો ઢોલ આગળ જતાં કેટલો બોદો થઈ શકે. ભવિષ્ય ચોખ્ખું છે. દેશમાં ફિલ્મોની મુખ્ય ભાષા હિન્દી રહેશે પણ, હાલના મુઠ્ઠીભર અને જળોની જેમ ઇન્ડસ્ટ્રીને વળગી રહેલા સર્જકોના હાથમાં એની કમાન રહેવાની નથી
કન્નડ ફિલ્મોનો સ્ટાર છે સુદીપ. થોડા દિવસ પહેલાં ભાઈએ બિનજરૂરી ટિપ્પણી કરી કે હિન્દી હવે આપણી રાષ્ટ્રીય ભાષા નથી રહી. અજય દેવગણે એના જવાબમાં સણસણતો સવાલ કર્યો, “અચ્છા?! તો તું તારી ફિલ્મોને હિન્દીમાં ડબ શાને કરે છે?”
આટલી અમથી બેઉની શાબ્દિક (કે ટ્વીટિક) આપલેમાં હિન્દી ભાષા નહીં, હિન્દી ફિલ્મો વર્સીસ દક્ષિણી ફિલ્મો વિશે ઘણું બધું કહેવાઈ ગયું. કારણ ગઈકાલ સુધી બોલિવુડની ફિલ્મોનો જે દબદબો દેશભરમાં હતો એના પર હવે રીતસર હાવી થઈ રહી છે દક્ષિણી ફિલ્મો. આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળની ફિલ્મો વર્સીસ બોલિવુડની ફિલ્મોનો આવો મોરચો આ પહેલાં કદાચ ક્યારેય મંડાયો નહોતો. ઓવર ધ ટોપ એટલે ઓટીટી પ્લેટફોર્મ્સ, મલ્ટીપ્લેક્સિસ, ઇન્ટરનેટ વેબસાઇટ્સ વગેરેએ હિન્દી ફિલ્મોની જાણીતી અને બોલિવુડ સ્ટાર્સની માનીતી મોનોપોલી પર કચકચાવીને હથોડો માર્યો છે. અને, ફિલ્મી ભાષામાં કહીએ તો, આ તો માત્ર શરૂઆત છે, પિક્ચર તો અભી બાકી હૈ…
વિગતે કરીએ વાત.
ભારતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત આ કળાના જન્મ પછી તરત અને ઝડપભેર થઈ. બહુભાષી હિંદુસ્તાનમાં ત્યારથી ફિલ્મોએ પાછા વળીને જોયું નથી. પરિણામે, સંખ્યાનો સવાલ છે ત્યાં સુધી વરસોથી આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ છે. 2019માં (પછીનાં બે વરસ કોવિડે પાણી ફેરવ્યું એટલે એની વાત કરવી નથી) ભારતમાં બની 2,446 ફિલ્મો. પછીના ક્રમે આવે નાઇજિરિયા (1,599ફિલ્મો), પછી ચીન (874 ફિલ્મો), પછી જાપાન (689 ફિલ્મો), પછી છેક આવે અમેરિકા (660 ફિલ્મો).
સંખ્યા કરતાં નાણાં વધુ અગત્યના હોવાથી અમેરિકન ફિલ્મો વિશ્વ પર રાજ કરે છે. હોલિવુડે જ તો દુનિયાને શીખવ્યું છે કે ફિલ્મ ભલે ગમે તે ભાષામાં બને પણ એને ડબ કરીને ઘણી બધી ભાષામાં વેચી જાણો તો બોક્સ ઑફિસ ટંકશાળ બની શકે છે. ડબિંગને આપણે જે રીતે જાણીએ છીએ એનાથી જરા જુદો અને વિપરીત એનો ઇતિહાસ છે. એનો પ્રારંભિક વિકાસ પણ અમેરિકામાં નહોતો થયો. 1922થી 1943 સુધી ઇટાલી પર રાજ કરનારા બેનિતો મુસોલિનીના સમયમાં એ દેશમાં અને સમાંતરે સ્પેનમાં ડબિંગે કાઠું કાઢવાની શરૂઆત કરી હતી. મુસોલિની ફાસિસ્ટ શાસક હતો. એના રાજમાં ઇટાલીમાં રિલીઝ થનારી અમેરિકન ફિલ્મોનું ડબિંગ સિફત અને ગણતરી સાથે થતું. જ્યાં જ્યાં ઇટાલી અથવા મુસોલિનીનો નકારાત્મક ઉલ્લેખ આવે એને ડબિંગમાં બદલી નાખવામાં આવતો. વિદેશી શબ્દો ઇટાલિયન ભાષામાં ઘૂસણખોરી ના કરે એ માટે અસ્સલ દેશી શબ્દોનો ડબિંગમાં પ્રયોગ થતો.
નજીકના દેશ સ્પેનમાં, 1939થી સત્તા સંભાળનાર ફ્રાન્સિસ્કો ફ્રાન્કોએ પણ ડબિંગનો આવો જ કંઈક ઉપયોગ કર્યો. ડબિંગમાં ત્યાં મુખ્ય પ્રવાહની ભાષાને પ્રાધાન્ય અપાયું અને કેટલન, બાસ્ક, ગિલશન જેવી લઘુમતીની ભાષાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવતી. દેશના નાઝી ભૂતકાળનો ઉલ્લેખ પણ ફિલ્મોમાંથી ઉડાડી દેવામાં આવતો.
બીજા વિશ્વયુદ્ધ પછી ફિલ્મોના ડબિંગ પાછળનો એક આશય વિવિધ સરકારો પાસેથી ફિલ્મો માટે મળતી આર્થિક સહાય અંકે કરવાનો અને વિવિધ દેશના કલાકાર-કસબીઓને એકતાંતણે બાંધવાનો હતો.