દેશની અઢારમી લોકસભાની ચૂંટણીનાં બ્યુગલ વાગી ગયાં છે. સાત તબક્કા, 44 દિવસ ચાલનારી ચૂંટણીને લીધે સર્વત્ર રાજકીય માહોલનું પ્રભુત્વ રહેવાનું છે. કોનો ગજ વાગશે, કોણ સત્તારૂઢ થશે, કોણ વિપક્ષમાં બેસશે, એની જાણ ચોથી જૂને થવાની, બશર્તે એક પક્ષ કે યુતિને બહુમતી મળે. રાજકારણ સમાજના કેન્દ્રમાં રહેવાનું છે ત્યારે યાદ કરીએ એવી થોડી ફિલ્મો, જેમાં રાજકારણની વાત રસાળ રીતે રજૂ થઈ
આંધીઃ રાજકીય મુદ્દાને આવરી લેવાનો જૂનો પણ જાણીતો સિનેમેટિક પ્રયાસ એટલે સંજીવ કુમાર અને સુચિત્રા સેનની ‘આંધી’. ગુલઝાર દિગ્દર્શક હતા. ઇન્દિરા ગાંધીના જીવનથી પ્રેરિત હોવાના મુદ્દાએ ફિલ્મ વિશે હોબાળો ઊભો કર્યો હતો. એવો કે એને સરખી રિલીઝ થવા દેવાઈ નહોતી. 14 ફેબ્રુઆરી 1975 રિલીઝની તારીખ હતી. પછી દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે તો ફિલ્મ પર સીધો પ્રતિબંધ ઠોકી દેવાયો હતો. છેક 1977માં જનતા પાર્ટીનું રાજ આવ્યું ત્યારે ફિલ્મ રાજકારણના ચુંગાલમાંથી મુક્ત થઈ. પછી તો એને ઇન્દિરાવિરોધી કેન્દ્ર સરકારે વટથી દૂરદર્શન પર પ્રસારિત કરી હતી. વાર્તા હતી હોટેલ મેનેજર જે. કે. (સંજીવ કુમાર) અને આરતી દેવી (સુચિત્રા સેન)ના પ્રણયની, છૂટાછેડાની અને પુનઃ મિલનની. વિવાદોને ભૂલીને કહીએ તો આ ફિલ્મ જોવી પડે એનાં મુખ્ય કલાકારોના દાદુ અભિનય માટે, ચિરસ્મરણીય ગીતો માટે અને મેકિંગની પ્રામાણિકતા માટે. જુઓ યુટ્યુબ પર.
રાજનીતિઃ સાંપ્રત રાજકારણને કેન્દ્રમાં રાખીને બનેલી આ એક ઉમદા ફિલ્મ છે. પ્રકાશ ઝા એના સર્જક. 2010માં રિલીઝ થઈ. અજય દેવગન, નાના પાટેકર, રણબીર કપૂર, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપાયી, નસીરુદ્દીન શાહ જેવાં સિતારાઓ એમાં છે. શક્તિશાળી રાજકીય પરિવારો અને એના પ્રતિનિધિઓ, નબીરાઓ વચ્ચેના વૈમનસ્ય, ઘર્ષણની વાત છે. સ્વાર્થ અનુસાર ક્યારેક એકમેકને ટેકો આપતા અને ક્યારેક પગ તળેથી જાજમ ખેંચી લેતા રાજકારણીઓના દાવપેચ, એમની ગુંડાગીરી, ખૂનામરકી વગેરે ફિલ્મમાં ઠાંસીઠાંસીને ભર્યું છે. ઉપરાંત ફિલ્મની કથા અને પાત્રો મહાભારતનાં પાત્રોથી પણ પ્રેરિત છે. અર્જુનથી પ્રેરિત પાત્ર રણબીરનું, કર્ણથી દેવગનનું, કૃષ્ણથી પાટેકરનું, ભીમથી રામપાલનું, દ્રોણાચાર્યથી બાજપાયીનું તો દ્રૌપદીથી કેટનું પાત્ર પ્રેરિત છે. અમુક દ્રશ્યો ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગૉડફાધર’ની બેઠ્ઠી નકલ જેવાં પણ છે. સંજય દત્ત, વિવેક ઓબેરોય જેવા સ્ટાર્સે આ ફિલ્મ સાઇન કરી હતી પણ છેવટે તેઓ કરી શક્યા નહોતા. રિલીઝના વરસની એ ચોથી સૌથી તગડી કમાણી કરનારી ફિલ્મ હતી. એ જોઈ શકાય છે નેટફ્લિક્સ, યુટ્યુબ, એપલ ટીવી પર અથવા, રૂ. 100 ચૂકવીને ગૂગલ પ્લે મૂવીઝ પર.
સરકારઃ રાજનીતિથી પાંચેક વરસ પહેલાં, રામગોપાલ વર્માનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે, તેમની આ ફિલ્મ આવી હતી. બિગ બી અને અભિષેક બચ્ચન ઉપરાંત એમાં કે. કે. મેનન, કેટરિના કૈફ, તાનિશા મુખર્જી, અનુપમ ખેર વગેરે હતાં. ફિલ્મનું મુખ્ય પાત્ર અમુક અંશે શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેથી પ્રેરિત હતું. અમિતાભે ભજવેલુ એ પાત્ર સુભાષ નાગરેનું હતું. મજાની વાત એ પણ કે આ ફિલ્મ પર પણ ‘ગોડફાધર’નો બેહદ પ્રભાવ હતો. એ પણ એક અમીટ સત્ય છે કે બોલિવુડમાં બનેલી બીજી ઘણી રાજકારણ અને અંડરવર્લ્ડ ફિલ્મો પર ‘ગોડફાધર’નો પ્રભાવ રહ્યો છે. ‘સરકાર’ની વાત પર કરીએ તો, રામુએ અમિતાભને મૂળે ‘એક’ નામની ફિલ્મ માટે સાઇન કર્યા હતા. એ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યા પછી એણે પિતા સાથે પુત્રને સાઇન કર્યો અને બની ‘સરકાર’. એવી પણ વાત છે કે રામુ ’સરકાર’ મૂળે 1993માં સંજય દત્ત સાથે બનાવી નાખત, પણ ત્યારે સંજુબાબાની અટક થતાં મામલો અભેરાઈ પર ચડી ગયો હતો. ‘સરકાર પછી એની સિક્વલ ‘સરકાર રાજ’ 2008માં અને ‘સરકાર 3’ 2017માં આવી હતી. ’ખેર, ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર,યુટ્યુબ, એપલ ટીવી, એમેઝોન પ્રાઇમ વિડિયો વગેરે પર ઉપલબ્ધ છે.



Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!