આપણી ભાષામાં કોઈ દમદાર ઓટીટી પ્લેટફોર્મ રહ્યું નથી. જ્યાં મફતમાં ગુણવત્તાસભર શોઝ માણી શકાય એવાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઓછાં થઈ રહ્યાં છે. આગળ હજી ઓછાં થશે. એક નજર ઓટીટીની બદલાતી દુનિયા પર
થોડા મહિના જવા દો. ઓટીટી પર હાલમાં જે વેરીએશન્સ છે, સસ્તાઈ છે, વગર જાહેરાતે મનોરંજન માણવાની મોજ છે એ બધાંમાં કપાત મુકાવાની છે. આમ તો એની શરૂઆત ક્યારની થઈ ગઈ છે. બસ, સમય સાથે એનું પ્રમાણ વધતું જવાનું છે. શાને એની વાત કરીએ.
અત્યાર સુધી જિયો સિનેમા અને હોટસ્ટાર અલગ અલગ જણસ હતાં, પ્લેટફોર્મ્સ હતાં. પ્રાઇમ વિડિયો એને એમએક્સ પ્લેયર પણ અલગ હતાં. હવે આ બબ્બે પ્લેટફોર્મ્સના એકીકરણથી બજારમાં બે પ્લેટફોર્મ્સની બાદબાકી થઈ ગઈ છે. એમાનું એક તો સાવ મફત હતું અને હજી, સદનસીબે છે. પણ એમએક્સ પ્લેયર કાયમ માટે મફત રહેશે ખરું? કશુંક હેવાય નહીં.
આ મહિનાથી પ્રાઇમ વિડિયો વળી નવો નિયમ લાવી રહ્યું છે. એ છે લવાજમ ધારકોએ પણ વગર જાહેરાતે મનોરંજન માણવા વધારાનાં ફદિયાં ચૂકવવાનાં રહેશે. કાં તો મહિને રૂ. 129 અથા વરસના રૂ. 699. આ રૂપિયા સબસ્ક્રાઇબરે પહેલેથી લવાજમપેટે રૂ. 1,499 ભર્યા હોય એનાથી વેગળા છે. હવે વિચાર કરો. એક તરફ શેમારૂ મી જેવું પ્લેટફોર્મ છે જ્યાં બે હજારમાં એક રૂપિયો ઓછો ભરીને બબ્બે વરસ મનોરંજન માણી શકાય છે અને બીજી તરફ પ્રાઇમ વિડિયો છે જેને વરસના રૂ. 2000થી વધુની રકમ ખપે છે.
જાહેરાતોના ટેકે ચાલનારાં, એમએક્સ પ્લેયર જેવાં પ્લેટફોર્મ્સથી પહેલાં સબસ્ક્રિપ્શન બેઝ્ડ પ્લેટફોર્મ્સ અલગ હતાં. હવે આ હંધાયને સબસ્ક્રિપ્શ ફી પણ ખપે છે અને જાહેરાતમાંથી પણ આવક રળવી છે. ખરેખર તો એ અંચઈ ના કહેવાય? ઝીફાઇવ જેવું પ્લેટફોર્મ પણ લવાજમ લીધા પછી પણ ફિલ્મો અને શોઝ વચ્ચે પહેલેથી જાહેરાતો બતાવતું રહ્યું છે. હવે આ કામ લગભગ બધાં પ્લેટફોર્મ્સ કરવાનાં છે. કદાચ એકમાત્ર નેટફ્લિક્સને છોડીને?
વાત એ પણ નોંધવી રહી કે હવે તાકાતવાળાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઓછાં રહ્યાં છે. ગણીને પાંચ. એમાં પણ સૌથી ટાઢું સોની લિવ છે. એની પાસે આમ પણ પીરસવા માટે નવી સામગ્રી હવે ઓછી છે કારણ અન્ય પ્લેટફોર્મ્સની જેમ એ જીવ પર આવીને શોઝ વગેરેનું નિર્માણ નથી કરી રહ્યું. નજીકના ભૂતકાળમાં ઝી અને સોનીનું એકીકરણ થવાનું હતું એ પણ યાદ રાખો. કહેવાનું તાત્પર્ય કે સોની લિવ મેદાનમાં લાંબું ટકે એ ઇચ્છનીય છે પણ આ ઉદ્યોગમાં કશું કહેવાય નહીં.