જિગોલો એટલે કોણ? દેહવિક્રય કરતી સ્ત્રીથી વિપરીત જ્યારે પુરુષ એ કામ કરે, એનાથી આજીવિકા રળે, ત્યારે એ પુરુષ જિગોલો કહેવાય. આપણા મનોરંજન વિશ્વમાં જિગોલોને વિષય તરીકે સાંકળતી ફિલ્મો સહિતની કૃતિઓ આ પહેલાં પણ બની છે. ‘રંગીન’ નામની એક તાજી સિરીઝમાં આ પ્રવૃત્તિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. શું છે સિરીઝમાં?
નવ એપિસોડ્સવાળી સિરીઝમાં વાત છે નીતિવાન પત્રકાર આદર્શ જોહરી (વિનીત કુમાર સિંઘ)ની. લગ્નનાં થોડાં વરસો પછી, પત્ની નયના (રાજશ્રી દેશપાંડે) અને આદર્શના સંબંધો હવે મીઠાશભર્યા પણ નથી અને હેપનિંગ પણ નથી. એકમેકથી કંટાળેલાં પતિ-પત્ની વચ્ચે તણાવ ત્યારે વધે છે જ્યારે અનાયાસે આદર્શ નયનાને પરયુવક સની (તારુક રૈના) સાથે મોજ કરતી પકડી પાડે છે. એ પછી સંબંધો વધુ તંગ બને છે. નયના ઘર છોડીને પિયર જતી રહે છે. એના ધનાઢ્ય પિતા લાલજી (રાજેશ શર્મા) દીકરીની તરફદારી કરનારા અને જમાઈને નકામો ગણનારા માણસ છે. સંબંધોમાં પડેલી તિરાડનાં કારણો જાણવાને બદલે વિનીત સનીની જેમ જિગોલો બનીને પોતાના પુરુષત્વને સાબિત કરવા મેદાને પડે છે. પછી શું થાય છે એ જણાવે છે ‘રંગીન’.
ખાસ્સી લંબાઈ ધરાવતી રંગીન એક જ મુદ્દાને વારંવાર, જુદી જુદી રીતે ચગળતી વાર્તા છે. કથાના કેન્દ્રસ્થાને ઉપર જણાવેલાં પાત્રો રહે છે. એમની જીવન સાથેની મથામણો, એમના નિર્ણયો અને એની ફળશ્રુતિ વિશેની વાત વિવિધ ટ્રેક્સમાં આવતી રહે છે. આશાસ્પદ શરૂઆત સાથે શરૂ થતી સિરીઝમાં પ્રારંભિત કિસ્સા અને સિનેમેટિક પેશકશ ઉત્કંઠા જગાડે છે. સુદ્રઢ પાત્રો અને સરસ ડિરેક્શન (પ્રાંજલ દુઆ, કોપલ નૈથાણી)ને એની ક્રેડિટ આપવી પડે. સિરીઝની પટકથા (અમીર રીઝવી, અમરદીપ ગસલાન અને મનુ રિશી ચઢ્ઢા) નાટ્યાત્મકતાને સામાન્ય માણસની જીવનની ઘટનાઓ જેવી બનાવી શક્યાં છે. પાત્રોનું વર્તન, એમના સંવાદ (અમરદીપ અને રીઝવી) પણ પરિસ્થિતિને અસરકારક બનાવવામાં સહાયરૂપ બને છે. સમસ્યા જોકે બહુ જલદી આકાર લેવા માંડે છે જ્યારે, આદર્શ, સની અને નયનાનાં પાત્રો એકની એક બાબતમાં ફસાતાં અને જુદા જુદા નિર્ણયો લઈને છટપટિયાં મારતાં દેખાય છે.
આદર્શની સમસ્યા પોતાના પુરુષત્વને સાબિત કરવાની છે. એ માટે એ સિતારા (શીબા ચઢ્ઢા)નું તરણું ઝાલે છે. બુટિક ચલાવતી ફેશનેબલ અને શ્રીમંત સિતારાનો એક બિઝનેસ અમીરજાદી સ્ત્રીઓને પુરુષો સપ્લાય કરવાનો છે. સની પણ એના જ હાથ નીચે કામ કરતો યુવાન છે. સનીને લીધે જ આદર્શ પણ સિતારા સુધી પહોંચે છે. શરૂઆતી આનાકાની અને નાપસંદ છતાં, છેવટે સિતારા આદર્શને પોતાના હાથ નીચે લઈને જિગોલો તરીકે તૈયાર કરે છે. એમાં એની મદદ એની ગ્રાહક કમ દોસ્ત રેણુ (મેઘના મલિક) કરે છે.