બુદ્ધિ બહેર મારી જાય એ હદે ડિજિટલ દુનિયામાં સેક્સનું આક્રમણ જામ્યું છે. સપરિવાર શિષ્ટ, સામાજિક જોવા બેસો ત્યારે પણ અચાનક કંઈક અભદ્ર માથે ઝીંકાઈ જઈ શકે છે. તમે જોતા હોવ એ શો સાફશુથરો હોય પણ બ્રેકમાં એડ કે કોઈક ટ્રેલરમાં સેક્સનો ઓવરડોઝ હોય એવું બની શકે છે. આ સિચ્યુએશનમાં સૌએ પોતપોતાની રીતે પોતાના સંસ્કારનું રક્ષણ કરવું એ એકમાત્ર ઉપાય છે.
વરસો પહેલાં, મીન્સ 2010માં એક ફિલ્મ આવી હતી, ‘લવ સેક્સ ઔર ધોખા.’ નિર્માણ કર્યું હતું એકતા કપૂર આણિ મંડળીએ. એકતાની કંપની ઑલ્ટ એન્ટરટેઇનમેન્ટ અને બાલાજી મોશન પિક્ચર્સની એ ફિલ્મમાં ત્યારનાં નવોદિત અને આજનાં સ્ટાર્સ રાજકુમાર રાવ અને નુસરત ભરુચા સહિતનાં કલાકારો હતાં. આશરે બે કરોડની એ ફિલ્મે બોક્સ ઓફિસ પર એના કરતાં પાંચગણો વેપાર કર્યો હતો. એનાથી અગત્યની બાબત એ હતી કે આ સેક્સપ્રચુર, નવી પેઢી જે સમજે એ તૌર-તરીકાથી છલોછલ ફિલ્મોની આખી એક દુનિયા સર્જવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
2023માં આવો. ઓટીટી અત્રતત્રસર્વત્ર છે. અનેક એપ્સ છે. જોઈ જોઈને થાકી જવાય એટલી ફિલ્મો, વેબ સિરીઝ વત્તા ડોક્યુમેન્ટરીઝ, શોર્ટ ફિલ્મ્સ, ટૂંકા ને ટચ વિડિયો છે. સેક્સ એમાં એટલી પ્રબળતાથી પીરસવામાં આવી રહ્યું છે કે ના પુછો વાત. થોડા દિવસ પહેલાંની વાત. ઉલ્લુ નામની એપ પર એકએકથી ચડિયાતા, કહો કે સભ્ય દર્શકનું માથું શરમથી ઝુકાવી દે એવા, શોઝ વગેરેની ભરમાર છે. ડિજિટલ પબ્લિશર કોન્ટેન્ટ ગ્રિવન્સીસ કાઉન્સિલ નામની ઓટીટીની એક સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થા છે. એના પ્રમુખ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયના એક જસ્ટિસ છે. એમણે ઉલ્લુને આદેશ આપ્યો કે એ તમામ શોઝ ઉતારો જેમાં સેક્સની માત્રા અનહદ છે. કોઈક ઓટીટી પ્લેટફોર્મને આ પ્રકારનો આદેશ અપાયાનો આ દેશનો પ્રથમ કિસ્સો છે.
એકતા કપૂરની પણ આ બદી ફેલાવવામાં તગડી ભૂમિકા છે. 2010માં લવ સેક્સ… બનાવ્યા પછી એમણે 2011માં દર્શકોને રાગિણી એમએમએસ ફિલ્મથી ગલગલિયાં કરાવ્યાં. સાચું કહો તો એકતા એવી દીર્ઘદર્ષ્ટાં છે જેમણે ઓટીટીના ઉજળા ભવિષ્યને ઇન્ડસ્ટ્રીના અન્ય માંધાતાઓ કરતાં ક્યાંય પહેલાં જાણી લીધું હતું. એમની કંપની ઑલ્ટ બાલાજી એ સમયે અસ્તિત્વમાં આવી ચૂકી હતી જ્યારે આજના ઓટીટીમય યુગની કોઈએ કલ્પના સુધ્ધાં કરી નહોતી. ટેલિવિઝન પર સાસ-બહુ કલ્ચરને સોળે કળાએ ખીલવનારાં આ નિર્માત્રીએ ડિજિટલ દુનિયામાં પારિવારિક પાવરને એક કોરાણે મૂકીને યુવાલક્ષી અને સેક્સ છલોછલ સર્જનો કરવામાં ઘણાંને પાછળ મૂકી દીધા એમ કહેવામાં અતિશયોક્તિ નથી.