આપણી આસપાસ ફિલ્મો જ ફિલ્મો હોય. એક કરતાં વધારે સ્ક્રીન્સ પર એમનું સ્ક્રીનિંગ સતત થતું હોય. ફિલ્મો માણવા દેશ-દેશાવરથી મહેરામણ ઉમટ્યો હોય. માહોલને ભપકાદાર બનાવવા અનેક પ્રયોજનો થયાં હોય. એવું હોય ત્યારે, ફિલ્મ કે સિનેમા, માત્ર મનોરંજનનું માધ્યમ નહીં રહેતા, અનુભવની અવિસ્મરણીય ગઠરિયા બની જતી હોય છે. 1952થી યોજાતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કે આઈએફએફઆઈ એટલે આ સંમોહક કલ્પનાને વાસ્તવિકતા બનાવતી ઇવેન્ટ.
આખા એશિયાની એ એકમાત્ર ઇવેન્ટ છે જેને ફિલ્મ નિર્માતાઓના આંતરાષ્ટ્રીય સંગઠન નામે એફઆઈએપીએફની માન્યતા પ્રાપ્ત છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એનએફડીસીના નેજા હેઠળ એનું આયોજન થાય છે. 1952થી એ નિરંતર યોજાય છે. ઇવેન્ટ 2004થી લગાતાર ગોવામાં યોજાય છે. આ વરસે ઇવેન્ટના છેલ્લા દિવસે રજનીકાંતને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ ઇવેન્ટમાં રણવીર સિંઘ સહિત અન્ય સેલિબ્રિટીઝની હાજરી પણ રહી હતી. ગોવાના પાટનગર પણજીમાં આયોજિત આ ઇવેન્ટમાં આ વરસે 81 દેશોની 240 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટ સાથે, પાંચેક દિવસ માટે સમાંતર ધોરણે એક બીજી ઇવેન્ટ પણ યોજાય છે. એ છે ફિલ્મ બાઝાર. એની શરૂઆત 2007માં થઈ. આ વરસથી નામકરણ થયું વેવ્ઝ ફિલ્મ બાઝાર. એ હોય છે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો અથવા એમાં પ્રવેશવા થનગનતા નવોદિતો માટે નેટવર્કિંગની ઇવેન્ટ. એમાં જોડાવા માટે ફી ભરવાની રહે છે. જેઓ ફિલ્મજગતમાં છે અથવા પોતાનું સ્થાન બનાવવા ઝંખે છે એમના માટે વેવ્ઝ ફિલ્મ બાઝાર કામની ઇવેન્ટ છે.






Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!