સત્ય ઘટના પર આધારિત કે એનાથી પ્રેરિત ફિલ્મો હવે ખાસ્સી બને છે. દરેક ભાષામાં બને છે. એક રીતે સારું છે કારણ સારા વિષયોની સખત તંગી વચ્ચે આવી ઘટનાઓ પડદા પર નવું લાવી શકવાની શક્યતા જગાવે છે. એવી જ એક ફિલ્મ પહેલી મેએ, એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત દિને મોટા પડદે આવી હતી. ફિલ્મનું નામ ‘આતા થાંબાયચં નાહી’ એટલે હવે અટકવાનો વારો નહીં આવે. મુંબઈ મહાનગરપાલિકાના ચોથી શ્રેણીના કર્મચારીઓની એમાં વાત છે. આ કર્મચારીઓ શહેરની ગટરોનું સફાઈકામ કરે, પાણીની લાઇનો બરાબર ચાલે એની કાળજી રાખે, ઘેરઘેરથી કચરો ઉઠાવે… ઓછું ભણેલા આ કર્મચારીઓના જીવનમાં એકવાર એક મહાપાલિકા અધિકારીને કારણે એક નવો પવન ફૂંકાય છે અને… વિગતે જાણીએ.ઉદય શિરુરકર (આશુતોષ ગોવારિકર) મહાપાલિકાનો અધિકારી છે. એક દિવસ એ મહાપાલિકાના અમુક કર્મચારીઓને આદેશ મોકલાવે છે કે આવો અને મળો. કર્મચારીઓના હોશકોશ ઊડી જાય છે. એમને ધાસ્તી બેસી ગઈ છે કે આપણી નોકરી ગઈ. જોકે જેવા તેઓ ઉદય પાસે પહોંચે છે કે સાવ અનપેક્ષિત વાત થાય છે. ઉદય કહે છે, “તમારે સૌએ દસમાની પરીક્ષા પાસ કરવાની છે. નોકરી પછી નાઇટ સ્કૂલમાં જવાનું છે. ભણવાનું છે. એમ કર્યે તમારું પદ ઊંચુ જશે અને પગાર પણ.” મુશ્કેલી એ કે મોટી ઉંમરે ભણવા માટે સ્કૂલે જવાનો વિચાર જ આ કર્મચારીઓને માનસિક ખલેલ પહોંચાડવા પૂરતો થઈ રહે છે. જેમના બચ્ચાંવ અને પૌત્ર-પૌત્રી સ્કૂલમાં ભણતાં હોય, જેમણે જીવનમાં મહત્વાકાંક્ષાઓ રાખવાનું પડતું મૂકી દીધું હોય એમના માટે શું અભ્યાસ અને શું સપનાં? પણ સાહેબના આદેશ સામે શું થાય? વળી સાહેબ કહે છે કે તમે ભણશો તો દર મહિને રૂપિયા ત્રણ હજાર વધારાના અને એસએસસીમાં પાસ થયા તો પગારમાં રૂપિયા પાંચ હજારનો વધારો, બેઉ થશે. એમ, આ કર્મચારીઓ શરૂ કરે છે અભ્યાસ.
એમા સામેલ છે નિવૃત્તિ આરે પહોંચી રહેલો સખારામ મંચેકર (ભરત જાધવ), હોશિયાર અને ઢીંગલી જેવી દીકરીનો બાપ મારુતિ કદમ (સિદ્ધાર્થ જાધવ), ચંચળ સ્વભાવની જયશ્રી (પ્રાજક્તા હનમઘર), પતિપીડિત અપ્સરા (કિરણ ખોજે) સહિતનાં કર્મચારીઓ. એમને ભણાવવાનું કામ કરવાનું છે નીલેશ માળી (ઓમ ભુતકર) નામના શિક્ષકે. નીલેશ મહાપાલિકાની સ્કૂલનો શિક્ષક છે. એની સ્કૂલ બંધ થવાને આરે છે છતાં, પોતાના વ્યવસાયને બેહદ ચાહતો આ શિક્ષક નવા વિદ્યાર્થીઓ મેળવીને રાજે છે.