Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Editor's choice, Entertainment

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

July 27, 2026 by Sanjay Shah No Comments

આપણી આસપાસ દક્ષિણ કોરિયામાં પણ સેટેલાઇટ ટીવી, પછી ઇન્ટરનેટ વગેરે ક્રાંતિ થઈ. ઓટીટીએ પણ એ રીતે પા પા પગલી ભરી પણ આજે કોરિયન ડ્રામા સામે આપણી સિરીઝ કોઈ વિસાતમાં હોય એવું લાગતું નથી. ભારતે એ મામલે ઘણું શીખવાનું અને આત્મસાત્ કરવાનું છે. બે ભાગમાં ચર્ચા કરીએ

સંજય વિ. શાહ 

ભાગ એક

ટીટીએ લાઇમલાઇટમાં લાવીને મૂકી દીધા છે. આવક રળતા પણ કરી દીધા છે. છતાં, ગુણવત્તાની, વૈવિધ્યની વાત આવે ત્યાં ઓટીટી શોઝે અને સ્ટ્રેઇટ ટુ ઓટીટી ફિલ્મોએ પણ ઘણું સુધરવાનું બાકી છે. કારણ? ઓટીટીએ પણ બોલિવુડની ઘણી બેઢંગી રીતોને અપનાવી છે. જોકે થાય પણ શું? બેઉ જગ્યાએ કામ કરતાં માથાં મોટાંભાગે એક ખરાંને.
આપણી ઓટીટી ઇન્ડસ્ટ્રીએ થોડું કોરિયન ઇન્ડસ્ટ્રી પાસેથી શીખવાની જરૂર છે. વચમાં એક વિડિયો વાઇરલ થયો. એમાં એક કોરિયન શોના શૂટિંગની ઝલક હતી. શૂટિંગમાં સ્ટાર્સ હતા, ટોચના ટેક્નિશિયન્સ હતા પણ દેખાડો નહોતો. આઉટડોર શૂટિંગ છતાં કલાકારો માટે વેનિટી વેન્સ (શૂટિંગ વચ્ચેના ફાજલ સમયમાં કલાકારો જેમાં ટેસથી આરામ ફરમાવે એ માટેની પોશ, મોંઘીદાટ વૅન) નહોતી કે નહોતી કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ.
સાથે, કોરિયન ડ્રામાઝ સ્ક્રિપ્ટથી માંડીને પ્રોડક્શન વેલ્યુઝ અને પોસ્ટ પ્રોડક્શન, એટલે શૂટિંગમાં ભેગાં થયેલાં દ્રશ્યોના કાચા માલને એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરેથી ફાંકડું બનાવવાની બાબતે બહુ ચોકસાઈ ધરાવે છે. એવું શું કરે છે આ કોરિયન્સ જે આપણા સર્જકો નથી કરી શકતા?
ફોર્મ્યુલા. કોરિયન ફોર્મ્યુલા ચુસ્ત બજેટની આસપાસ ફરે છે. એક એક રૂપરડી (સાઉથ કોરિયન વોન) વાપરતી વખતે ઓટીટી માંધાતાઓ, નિર્માતાઓ બહુ કાળજી રાખે છે. દાખલો જોઈએ છે? ‘સ્ક્વિડ ગેમ’ લઈ લો. રૂપિયાના સંદર્ભમાં એ શો બન્યો રૂ. ૧૭૫ કરોડમાં. એણે નેટફ્લિક્સને વળતર આપ્યું… કેટલું? આશરે રૂ. ૭,૫૦૦ કરોડ! દુનિયાના ૧૪.૨ કરોડ દર્શકોનાં દિલ પણ એ શો જીત્યો. એની તુલા સંજય લીલા ભણસાલીના ફર્સ્ટ ઓટીટી શો ‘હીરામંડી’ સાથે કરીએ તો એની પાછળ વપરાયા રૂ. ૨૦૦ કરોડ. કોઈ તોલ છે બેઉનો?
સવાલ એ કે કોરિયન નિર્માતાઓ ઓછા ખર્ચમાં આપણા શોઝ કરતાં ક્યાંય વધારે પ્રભાવશાળી, ખર્ચાળ અને દમદાર લાગતા શોઝ બનાવે છે કઈ રીતે?

પહેલો જવાબ છે ભપકો નહીં, નિર્માણને ઉત્કૃષ્ટ કરતા નિયમોનું ત્યાં સખતાઈથી પાલન થાય છે. બીજો જવાબ છે ત્યાં શું અને કેવું બનશે એ સ્ટાર (દિગ્દર્શકો અને કલાકારો) નહીં પણ વિષય માટે શું અનિવાર્ય છે એના આધારે નક્કી થાય છે. તમામ ગણતરીઓના શ્રીગણેશ થાય છે સ્ક્રિપ્ટથી.
આગળ વાત કરતાં પહેલાં એ સમજી લઈએ કે હજી પંદર-વીસ વરસ પહેલાં કોરિયન મનોરંજન ઉદ્યોગ અત્યારે ગાજે છે એમ ગાજતો નહોતો. ઇન ફેક્ટ, એનું નામ સુધ્ધાં આપણે સાંભળ્યું નહોતું. તો એની પછી ગજબનું શું થયું? એને હલ્યુ વૅવ કહે છે. એ વૅવમાં કોરિયન ડ્રામા ચીનમાં અતિશય લોકપ્રિય થયા. દાયકો ૧૯૯૦નો હતો. એ વૅવમાં ત્યાંનાં પૉપ સોન્ગ્સ, ત્યાંની ફિલ્મો અને શોઝે ચીનમાં સપાટો બોલાવ્યો. એ જોઈને ચીનના પત્રકારોએ ૧૯૯૯ની સાલમાં આ ટર્મ પ્રથમવાર વાપરી – હલ્યુ વૅવ. નોંધનીય છે કે ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધી કોરિયન પ્રજા પર વિદેશપ્રવાસને લગતા કડક નિયંત્રણો હતાં. એ દૂર થયાં અને કોરિયન નવી પેઢી એકાએક ખુલી, વિસ્તરી અને વિશ્વના બહેતર સંપર્કમાં આવી. વિદેશ જનારા કોરિયન યુવાનો પશ્ચિમથી, ચીન જેવા દેશોથી પોતાના દેશ માટે નવો દ્રષ્ટિકોણ અને મિજાજ લાવ્યા. એનો ઉપયોગ બિઝનેસથી લઈને એન્ટરટેઇનમેન્ટ એમ દરેક મોરચે થવા માંડ્યો. ૧૯૯૭માં ચીનમાં કોરિયન શો, ‘વ્હોટ ઇઝ લવ’ ટેલિકાસ્ટ થયો. ચીનમાં ત્યાર સુધીમાં ઇમ્પોર્ટ થયેલા તમામ વિદેશી શોઝને પછાડીને એ શો ત્યાં નંબર ટુ વિડિયો કન્ટેન્ટ બની ગયો. એ સફળતાએ ચીનને, ચીની પત્રકારોને આભા કરી દીધા. એમાંથી જન્મી અને ઉપયોગમાં આવી ટર્મ, હલ્યુ વૅવ. ૧૯૯૯માં કોરિયન ફિલ્મ ‘સ્વિરી’એ જબ્બર સફળતા મેળવી. દરમિયાન, દક્ષિણ કોરિયા આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું હતું. તેથી દેશના તત્કાલીન પ્રમુખ કિમ દાએ જંગે ઠરાવ્યું કે હાલો, આપણા કલ્ચરનું નિકાસ શરૂ કરીએ. કલ્ચરનો એક હિસ્સો ફિલ્મો, શોઝ (બીજો કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ અને એ સિવાય બીજું ઘણું) વગેરે. એ આઇડિયા ધાર્યા કરતાં વધુ સફળ રહ્યો. દરમિયાન, ત્યાં સૈન્યસત્તા હતી એનો અંત આવ્યો. એ સાથે અંત આવ્યો મનોરંજન ઉદ્યોગ પરની સેન્સરશિપ અને તવાઈ પર.
હલ્યુના હમણાં સુધી ત્રણ તબક્કા થયા છે. એકની વાત કરી. બીજો ૨૦૦૦-૨૦૧૦ વચ્ચેનો હતો. હમણાં ત્રીજો ચાલી રહ્યો છે. ત્રીજામાં દક્ષિણ કોરિયાએ ‘પેરાસાઇટ,’ ‘સ્ક્વિડ ગેમ’ સહિત અનેક સર્જનોથી વૈશ્વિક સ્તરે મનોરંજન ઉદ્યોગમાં પોતાની જગ્યા બનાવી છે. ત્રીજા તબક્કામાં કોરિયન સર્જનોની લોકપ્રિયતા સ્વદેશ કે ચીન પૂરતી મર્યાદિત નહીં રહેતા જાપાન અને પછી સર્વત્ર પ્રસરી ગઈ છે.
ફરી ફોર્મ્યુલા પર આવીએ. દક્ષિણ કોરિયાના એક અગ્રણી નિર્માતા-દિગ્દર્શક, ના યેઓન્ગ-સોક છે. ‘ટુ નાઇટ્સ એન્ડ વન ડે,’ ‘ન્યુ જર્ની ટુ ધ વેસ્ટ,’ ‘ગ્રાન્ડપાઝ ઓવર ફ્લાવર્સ,’ ‘થ્રી મીલ્સ એ ડે’ સહિતનાં એમનાં સર્જન ગાજેલાં છે. એમના મતે કોરિયન નિર્માણમાં પાયાનું કામ સ્ક્રિપ્ટ પર થતું સખત, ચિક્કાર અને બારીકીભર્યું કામ છે. એમાં મહિનાઓ જાય એ ત્યાં સામાન્ય અને વરસો વીતે એ સ્વીકાર્ય બાબત ગણાય છે. ત્યાં માત્ર સ્ટાર્સના નામે નહીં, લેખકોના નામે પણ દર્શકો ખેંચાઈ આવે છે. કોરિયન ડ્રામામાં ‘રાઇટર-ડ્રિવન મોડેલ’ પ્રસ્થાપિત છે. કિમ યુન-સૂક, પાર્ક જી-ઉન, કિમ ઇઉન-હી જેવા લેખકો ત્યાં સ્ટાર્સ છે. પ્રેક્ષકોમાં એમનાં નામ એટલા જ વિશ્વસનીય છે જેટલા જાણીતા અભિનેતાઓના.

બીજું કે ત્યાં ટેલિવિઝને પણ આડકતરી રીતે શિસ્ત, સંયમ અને ગુણવત્તાનું માળખું ઓટીટી માટે ઊભું કર્યું હતું. ત્યાંની બ્રોડકાસ્ટિંગ સિસ્ટમમાં એવું રહ્યું છે કે મોટાભાગની સિરીઝ ૧૨થી ૧૬ એપિસોડમાં પૂરી થઈ જ જાય. એને લીધે સર્જનાત્મક શિસ્ત, વિષયને નહીં તાણવાની સહજ માનસિકતા ત્યાં વિકસિત થઈ. ઓટીટી આવ્યું કે એ માનસિકતાનો સીધો લાભ નવાં પ્લેટફોર્મ્સ સુધી પહોંચ્યો.
આપણે ત્યાં એના કરતાં તાલ સાવ વગેળો છે. આપણે ત્યાં સ્ક્રિટ લખાઈ ઉતાવળે જાય. સંશોધન (ઝાઝું કરીને) ખાડામાં જાય (કારણ ક્રિએટિવ લિબર્ટીઝ આપણે ત્યાં સૌને ભાવતી વાનગી છે) અને શૂટિંગ વખતે પણ સ્ક્રિપ્ટમાં સતત, લગાતાર ફેરફાર (દિગ્દર્શકની, કલાકારોની, ક્યારેક ટેક્નિશિયન્સની મુનસફી પ્રમાણે પણ થાય તો એ બિલકુલ માફ અને, “ઉસસે ક્યા ફર્ક પડતા હૈ?” એવી ક્ષુલ્લક વાત ગણાય છે. ટૂંકમાં, સ્ક્રિપ્ટ માટે કહી શકાય, “હૂ કેર્સ?” એનું વરવું પરિણામ પહેલાં શોનું બજેટ, એના મેકિંગનું શિડ્યુલ ભોગવે છે. પછી દર્શકો પણ સહન કરે છે. કારણ દર્શકોના માથે ઝીંકી દેવાય છે અધકચરો શો. વધુ વાત આવતા અઠવાડિયે.

 

                                                                                  ભાગ બે
કોરિયન સર્જનોએ અમુક અક્લપનીય સિદ્ધિઓ પણ, એની શિસ્તબદ્ધતા અને નિર્માણને લગતી સખતાઈને લીધે મેળવી છે. દાખલો લઈએ એના એક હિટ શો, ‘ક્રેશ લેન્ડિંગ ઓન યુ’નો. ૨૦૧૯ના આ શોમાં ૧૬ એપિસોડ્સ હતા. કમાલ શી હતી? એક તરફ સિરીઝના એપિસોડ્સ ટેલિકાસ્ટ (અને ઓટીટી પર સ્ટ્રીમ પણ) થઈ રહ્યા હતા અને બીજી તરફ એના આગામી એપિસોડ્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આપણે ત્યાં આવી (કુ)હરકતો માટે ટેલિવિઝન બદનામ છે. બદનામ એટલે કે આપણા ટીવી માટે છેલ્લી ઘડીએ જેમતેમ ચાલતું શૂટિંગ મજબૂરી બની ગયું છે. આ કોરિયન શોમાં ટેલિકાસ્ટ અને શૂટનું કોમ્બિનેશન એક મજબૂત સિસ્ટમ પ્રમાણે થયું હતું. એમાં શૂટ માટે સત્તર સ્ટેપ્સની એક માર્ગદર્શિકા સચોટપણે અપનાવાઈ હતી. શૂટિંગ કરતાં કરતાં શોમાં, સોશિયલ મીડિયા પર મળતા દર્શકોના પ્રતિભાવ પ્રમાણે, ફેરફાર પણ કરવામાં આવી રહ્યા હતા. એ બધું થઈ રહ્યું હતું કોઈપણ ઉત્પાત વિના, ગરબડ, ધાંધલ અને ગુણવત્તાનો લેશમાત્ર ભોગ આપ્યા વિના.
હવે જોકે ત્યાં સિસ્ટમેટિક કામ વધુ થાય છે. કોરિયન સર્જકોના કામથી નેટફ્લિક્સ ભારે પ્રભાવિત છે. એવું સખત પ્રભાવિત કે અમેરિકા બહાર શોઝના નિર્માણમાં એણે સૌથી વધુ ડોલરિયું પૂર દક્ષિણ કોરિયામાં વહાવ્યું છે. આવતા વરસના અંત સુધીમાં અને ચાર વરસના ગાળામાં, નેટફ્લિક્સ એ દેશમાં અઢી અબજ ડોલર શોઝના નિર્માણમાં ખર્ચશે. એના પછી મેક્સિકો (દક્ષિણ કોરિયા કરતાં અડધાથી ઓછી રકમ નેટફ્લિક્સ ત્યાં વાપરશે), યુનાઇટેડ કિંગડમ અને પછી ભારત છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મ એક દેશ પર આ રીતે સમરકંદ બુખારા અમસ્તું ઓવારી ના જાય. નેટફ્લિક્સને દક્ષિણ કોરિયા માટે એટલે પ્રેમ છે કે ૨૦૨૨ સુધીમાં અનેક કોરિયન શોઝે ૯૦થી વધુ દેશોમાં ટોપ-૧૦ યાદીમાં સ્થાન પટકાવ્યું હતું. ‘સ્ક્વિડ ગેમ’ જેવી સિરીઝે તો સફળતાની નવી ઊંચાઈઓ આંબી લીધી.
શોની સંખ્યાની વાત છે ત્યાં સુધી ભારત તેજ છે. ફિલ્મોમાં પણ આપણે સંખ્યાની બાબતે શૂરા છીએ. પણ વૈશ્વિક સફળતાના મામલે ઘણા દેશો આપણા મનોરંજન ઉદ્યોગને પછાડી રહ્યા છે. સમસ્યા એમાં જ છે. આપણે ત્યાં સંખ્યા સર્વસ્વ છે, સ્પીડ તરફ ધ્યાન છે અને ગુણવત્તા બેકસીટ પર છે.
કોરિયન સિરીઝનાં શૂટિંગ કરવાની પદ્ધતિ આપણા કરતાં જુદી અને ન્યારી છે. પૈસા કેમ વાપરવા એ વિશે ત્યાં સર્જકો કડક હાથે કામ લેનારા છે. પરિણામ એવું આવે છે કે પ્રત્યેક એપિસોડ પાછળ આપણા શો કરતાં ઓછા ખર્ચમાં ત્યાં આપણા કરતાં ઘણું વધારે સારું પરિણામ પડદે દેખાય છે. આપણે ત્યાં છ-સાત એપિસોડની સિરીઝ સરેરાશ રૂ. પચીસ કરોડ પ્રતિ એપિસોડમાં બને તો ત્યાં એ બની જાય રૂ. નવથી અઢાર કરોડ પ્રતિ એપિસોડમાં.
સ્ટાર સિસ્ટમ, નબળી સ્ક્રિપ્ટ્સ, શૂટિંગનું અધકચરું અને પછી પણ સતત અહીંથી તહીં ફંગાળાતું માળખું, ઓટીટી પ્લેટફોર્મ્સના પોતાના ભ્રષ્ટ ઓફિસર્સ અને એમની સાથે કૂલડીમાં ગોળ ભાંગતા બેનર્સ, નિર્માતાઓ, દિગ્દર્શકો, સ્ટાર્સનાં તળિયાં ચાટવાની કુટેવ અને સૌથી મહત્ત્વનું એટલે, ભૂતકાળની ભૂલોમાંથી ધરાર નહીં શીખવાની જીદ… આ પાસાં ભેગાં મળીને આપણા ધબકતા ઓટીટી વિશ્વને સતત ખોટકાતું કરી રહ્યું છે. આપણે ત્યાં, અંદરખાને કહે છે કે, અન્ડર ટેબલ દક્ષિણા આપ્યા વિના કોઈ કરતાં કોઈ શો કે ફિલ્મ ઓટીટી માટે બની શકે એ વાતમાં માલ નથી. આપણે ત્યાં શોના બજેટના ૩૦-૪૦% ટકા એક એકલો સ્ટાર ઘરભેગો કરી જાય ત્યારે કોઈને પ્રશ્ન પણ થતો નથી કે એના કરતાં તો કોઈક સારા કલાકારને તક આપીને બજેટ વશમાં રાખી શકાયું હોત અને દર્શકોને પણ સરપ્રાઇઝ લાગે એવું કશુંક પીરસી શકાયું હોત. આવી તક ઓછા જાણીતા કલાકારોને મળી ત્યારે જ તો એ સ્ટાર્સ બન્યા એ ભૂલી જવું અહીં સગવડિયો ધર્મ છે.
કોરિયન નિર્માતાઓ એમની જવાબદારી નિર્માણ કરવા સાથે પૂરી થઈ એવું નથી માનતા. તેઓ રિલીઝ સમયે અને પછી પણ શોના પ્રમોશનમાં ઊંડો રસ લે છે. સોશિયલ મીડિયાના યુગમાં તેઓ પ્લેટફોર્મના માથે બધું ઓળઘોળ કરી દેવાને બદલે પોતાના સર્જનને ચર્ચામાં રાખવા, લોકપ્રિય બનાવવા, ખાસ્સી મહેનત કરે છે. આપણે ત્યાં આવો ધારો નથી. આપણે ત્યાં રિલીઝ સાથે કલાકારો અને પડદા પાછળના કસબીઓ પણ ઉડન છૂ કરી જાય છે. પછી જે કરવાનું (અને હસવાનું કે રડવાનું) એ ઓટીટી પ્લેટફોર્મે. અપવાદરૂપે એવું થાય ખરું કે સિરીઝની વધુ સીઝન બનાવવાનો નિર્ણય આગોતરો લેવાયો હોય તો…
કોરિયન શોના દક્ષિણ કોરિયામાં દર્શકો છે એના કરતાં દુનિયામાં વધારે છે. બહુ ઓછા ભારતીય શો આ સ્તરે કોરિયન શો સાથે સ્પર્ધા કરી શક્યા છે. બેશક, આપણી વસ્તી દક્ષિણ કોરિયા કરતાં ઘણી વધારે તેથી દેશમાં શોઝનું ગાડું ગબડી જાય છે. પણ જો આપણા શોઝ વિદેશીઓનાં મન મોહી શકે તો શું થાય એની ત્રિરાશિ માંડવી અઘરી નથી.

કોરિયન શોઝમાં પ્રોડક્શન વેલ્યુ ઊંચી લાગે છે એનાં તાર્કિક કારણો છે. ત્યાં સારું નિર્માણ કરવા માટે ખર્ચ સાથે સમાધાન નહીં, એનું વ્યવસ્થિત કેન્દ્રિકરણ કરવામાં આવે છે. લોકેશન, સેટ અને કોસ્ચ્યુમ્સ પર ત્યાં છૂટથી ખર્ચ થાય છે. અનાવશ્યક ભપકા પર ખર્ચ કરવામાં આવતો નથી. આપણે ત્યાં આવો કોઈ ધારો નથી. ખરેખર તો, આપણે ત્યાં નિર્માતા બિનજરૂરી ખર્ચ ટાળવા પર ભાર મૂકે એ સાથે ટોપ રેટેડ કલાકાર-કસબીઓ એને સિફતપૂર્વક એમ આંટીમાં લઈ લે કે પેલો આટે-દાલ કા ભાવ પૂછવાને લાયક ના રહે. છેવટે એવું થાય કે નિર્માણ સહિત કુલ ખર્ચનો જે અંદાજ બાંધ્યો હોય એ રૉકેટની જેમ ઊંચે ને ઊંચે ઊડે. એક કિસ્સામાં, દાખલા તરીકે, એક નગણ્ય સિતારાએ ફિલ્મના શૂટિંગ વખતે નિર્માતાના રૂ. ૩૫ લાખ કૉફી શોપ્સમાં કરેલી મીટિંગમાં ચુસ્કીએ ચુસ્કીએ ચાવી (પી) નાખ્યા હતા. અને આખી ફિલ્મનું બજેટ શું હતું? બે કરોડ રૂપિયા!
કોરિયન ડ્રામાની સફળતા ચમત્કાર નથી. એ તો શિસ્ત, લેખન, નિયંત્રિત ખર્ચ અને સંકલિત માર્કેટિંગનું પરિણામ છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ, આપણા સર્જકો એમાંથી પ્રેરણા લેશે ખરા?


Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

કોરિયન ડ્રામાઃડ્રામાઃ સ્ક્રિપ્ટની કસોટીથી વૈશ્વિક વિજય સુધી ઇન્ટ્રો

27.07.2026
અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

અમર વિશ્વાસઃ દસ એપિસોડ માફક આવશે?

25.07.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.