Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Privacy Policy
Terms & Conditions
Sanjay V Shah સંજય વિ. શાહ - Senior Journalist • Gujarati Language Expert • Editor-in-Chief, Deshwale
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
  • Privacy Policy
  • Terms & Conditions
Uncategorized

મર્સી અને ધ તાજ સ્ટોરીઃ બેમાંથી શું જોવું?

August 10, 2026 by Sanjay Shah No Comments

એક ફિલ્મ ભવિષ્ય તો બીજી ઇતિહાસ તરફ લઈ જાય છે. એક ટેક્નોલોજીથી તરબતર તો બીજી પ્રશ્નોસભર છે. બેમાંથી કોણ દર્શકના સમયના રોકાણ માટે બહેતર છે એની છણાવટ કરીએ

સંજય વિ. શાહ 

image courtesy: Zeemusic company

આપણે ત્યાં એક ફિલ્મ સફળ થયા પછી એવી ફિલ્મોનાં ધાડાં ઊતરે એવું અન્યત્ર થાય છે. હોલિવુડમાં પણ થાય છે. જાન્યુઆરીમાં એક અમેરિકન ફિલ્મ ‘મર્સી’ આવી હતી. એ પ્રાઇમ વિડિયો પર આવી છે. હિન્દીમાં જોઈ શકાય છે. ફ્યુચરિસ્ટિક સેટઅપ ધરાવતી ફિલ્મ સોએક મિનિટની છે. વાર્તા રસપ્રદ ખરી પણ ફિલ્મનું ઘડતર સાધારણ છે.
ક્રિસ ( ક્રિસ પૅટ) લોસ એન્જલેસનો પોલીસ અધિકારી છે. એના પર એની પત્ની નિકોલ (એનાબેલ વાલીસ)ની હત્યાનો આરોપ છે. વર્ષ ૨૦૨૯નું છે. જગત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ અનહદ વધ્યો છે. ક્રિસ વિરુદ્ધ ચાલતો ખટલો સામાન્ય અદાલતને બદલે એઆઈ અદાલત, મર્સીમાં, ચાલે છે. એની પાસે નિર્દોષતા સિદ્ધ કરવા નેવુ મિનિટ છે. અદાલતમાં સુવાનણી જજ મેડોક્સ (રેબેકા ફર્ગ્યુસન) સામે ચાલે છે. રેબેકા માણસ નથી. એ એઆઈ ન્યાયાધીશ છે. લાગણી અને માનવીય સંવેદનાઓવિહીન મશીન છે. એ કામ કરે છે માત્ર પુરાવાઓને આધારે. એની પાસે આખા શહેરની પૂરી ડિજિટલ સિસ્ટમ, શહેરના દરેક નાગરિકનાં તમામ ડિજિટલ ઉપકરણોના ડેટાનો એક્સેસ છે. એની નજરથી કશું છૂપું નથી. ક્રિસે સિદ્ધ કરવાનું છે કે એ નિર્દોષ છે અન્યથા, જે ખુરશી પર એ બેઠો છે એના પર એના રામ રમી જશે. એ હશે રેબેકાનો આદેશ.
‘મર્સી’ કોન્સેપ્ટ સિનેમા છે. કોન્સેપ્ટ મસ્ત છે. માણસ વિરુદ્ધ મશીન. સંવેદના વિરુદ્ધ સત્ય. અદાલતમાં માણસ નિર્ણાયકપદે હોય ત્યારે ઘાલમેલ શક્ય હોય પણ માત્ર માહિતીના આધારે મથતા મશીન સામે પોકળ દલીલ ચાલે? બની શકે કે મશીનને થયેલું ફીડિંગ ખોટું હોય તો…
મર્સીનો કોન્સેપ્ટ સ્ક્રીનલાઇફ ફોરમેટ કહેવાય છે. એટલે એવી ફિલ્મ જેમાં કથાનકમાં જાતજાતની સ્ક્રીન્સનો ઇજારો હોય. આવી ફિલ્મ, પડદે સતત દેખાતી સ્ક્રીન્સની જેમ લાઇફલેસ થઈ શકે છે એનો પુરાવો આ ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મોનો આવિષ્કાર ક્યારનો થઈ ગયો હતો. ૨૦૧૪ની ‘અનફ્રેન્ડેડ’ લગભગ આખ્ખેઆખી સ્કાયપે ફિલ્મ હતી. ખૂબ સફળ હતી. ચાર વરસે એની નેક્સ્ટ ફિલ્મ ‘અનફ્રેન્ડેડઃ ડાર્ક વેબ’ આવી હતી. એ પણ સરસ હતી. ૨૦૧૮ની ‘સર્ચિંગ’ પણ આ ટાઇપની હતી. આ પ્રકારમાં એ અત્યાર સુધીની એક સર્વોત્કૃષ્ટ ફિલ્મ ગણી શકાય. એમાં વાત હતી એક પિતાની જે એની ખોવાયેલી દીકરીની ભાળ મેળવવા મથે છે. ૨૦૨૩ની ‘મિસિંગ’ (‘સર્ચિંગ’ની સ્પિરિચ્યુલ સિક્વલ) પણ સારી હતી. કોવિડ વખતે ૫૭ મિનિટની ‘હોસ્ટ’ ફિલ્મ આવેલી. એકદમ અસરકારક હતી એ. આપણે ત્યાં મલયાલમ ફિલ્મ ‘સી યુ સૂન’ પણ એ વરસે આવી હતી. એ માણવા જેવી હતી…

‘મર્સી’ જામતી નથી એનું કારણ ફોરમેટ નથી. કારણ છે એકદમ નબળું લેખન અને એવું જ મેકિંગ. ક્રિસે ખરેખર નિકોલની હત્યા કરી છે કે વાત કંઈક અલગ છે એવડી વાતને દોઢ કલાક ચગળવા માટે સ્ક્રીનપ્લેમાં જે મીઠાશ, મોણ જોઈએ એ નથી. ફિલ્મ એકદમ યંત્રવત્ છે. એટલી હદે કે એક વિવેચકે એને સિક્યોરિટી કેમેરા ફૂટેજ કહી દીધી અને એ લગભગ સાચું છે. ટિમ્યુર બેકમેમ્બેટોવના દિગ્દર્શનમાં ખબર પડતી નથી કે વાર્તા અને કલાકારોનું લશ્કર લડે છે તો કઈ દિશામાં અને લડે છે તો કઈ બાજી જીતવા માટે.
આવો મુદ્દો છેડનારી ફિલ્મે એઆઈની ભાવિ અસર અને શક્યતાઓને તપાસવાની અને પેશ કરવાની જરૂર હોય. એની બદલે એ છીછરી રજૂઆત બનીને રહી જાય છે. સૌથી મોટો રંજ એ વાતનો કે ક્રિસ પૅટ અને રેબેકા જેવાં કલાકારોની હાજરી કશું સિદ્ધ કરી શકતી નથી. ક્રિસ જેવો અભિનેતા આખી ફિલ્મમાં ખુરશી પર બેઠો રહે એ વાર્તાની મજબૂરી હશે, પણ એની ક્ષમતાનો કસ નીકળે એવી પટકથા તો બની જ શકત. એ માટે લખાણમાં ક્યાંય શક્યતા સર્જાઈ નથી. રેબેકા પોતાની રીતે કૃત્રિમ પાત્રને કસાયેલું બનાવવા મથે છે પણ…
ટેક્નિકલી ‘મર્સી’ હોલિવુડ સ્ટાન્ડર્ડ નથી. ઘણી જગ્યાએ ઇફેક્ટ્સ વગેરે આપણી ફિલ્મોને સારી લેખાવે એવી છે. ‘મર્સી’ જોવાની શરૂઆત કરીએ ત્યારે, જજ સાહિબા કહે કે “નેવુ મિનિટમાં નિર્દોષતા સાબિત કર કાં મર,” એ જોઈને થાય કે જલસો પડી જવાનો. પછી બધું પોકળ અને કંટાળાજનક. તો, પોતાના પર મર્સી રાખતાં આ ફિલ્મ નહીં જુઓ તો સારું.

ધ તાજ સ્ટોરીઃ ધ ‘પરેશ’ પાવર
આજકાલ ઘણી ફિલ્મો, રાજકીય દ્રષ્ટિકોણથી, પ્રોપગંડા ફિલ્મ તરીકેનું કલંક મેળવી લે છે. એવી એક ફિલ્મ ઓક્ટોબરમાં આવી, ‘ધ તાજ સ્ટોરી.’ પરેશ રાવલને મુખ્ય પાત્રમાં રજૂ કરતી ફિલ્મના દિગ્દર્શક તુષાર અમરીષ ગોયેલ છે. દર્શકો એમના કામથી ઝાઝા પરિચિત નથી. આ એમની પહેલી મેઇનસ્ટ્રીમ ફિલ્મ છે. અમુક શોર્ટ ફિલ્મો ઉપરાંત, ૨૦૧૭માં તુષારે ‘મોદી કાકા કા ગાંવ’ નામની એક ફિલ્મ બનાવી હતી એ સ્હેજ.
‘ધ તાજ સ્ટોરી’, નામમાં દેખાતા ગુણ અને પોસ્ટર પ્રમાણે, તાજ મહેલના નિર્માણ અને એની સાથે સંકળાયેલી વાસ્તવિકતાની તહકીકાત કરે છે. તાજ ખરેખર મુમતાઝનો મકબરો છે કે પછી, જાતજાતના દાવા થાય છે એમ, કોઈક મહેલ કે શિવમંદિર કે… સત્યશોધનનું કામ કરતી હોય એમ ફિલ્મ તાજ સાથે સંકળાયેલી જાણી-અજાણી અને ક્યાંક ક્યાંક નવાઈ પમાડતી વાતો દર્શકો સામે મૂકતી રહે છે. ખાસ કરીને શરૂઆતી, કથાને આકાર આપવાનું માળખાકીય કામકાજ પતી જાય એ પછી.
તાજના ખાનદાની ગાઇડ વિષ્ણુ દાસ (પરેશ રાવલ) એકવાર દારુ ઢીંચીને, અનાયાસે તાજ વિશે એવું કંઈક બોલી નાખે છે જેનો વિડિયો વાઇરલ થઈ જાય છે. એથી, એમના ગાઇડ તરીકે કામ કરવા પર અસોસિયેશન તવાઈ મૂકી દે છે. વિષ્ણુના દીકરા અવિનાશ (નમિત દાસ) પર પણ તવાઈ મૂકી દેવામાં આવે છે. વિષ્ણુ અદાલતનાં દ્વાર ખટખટાવે છે. પોતાનો વ્યવસાય પાછો મેળવવા માટે નહીં. પાઠ્યપુસ્તકોમાં તાજ વિશે જે કાંઈ લખાયું છે એને સત્ય પ્રમાણે સુધારવું, એવી યાચિકા સાથે. ‘ઓહ માય ગોડ’ની જેમ અહીં પરેશ રાવલ પોતે પોતાના વકીલ તરીકે લડત આપે છે. સામે છે એડ્વોકેટ અનવર રશીદ (ઝાકીર હુસેન). ઉમેશ શુક્લની ‘ઓહ માય ગોડ’માં ભગવાન સામેની જંગ હતી. અહીં જંગ ઇતિહાસ સામે છે.
તાજ વિશે વિવાદો નવા નથી. અદાલતમાં અનેક લોકોએ તાજના ભંડકિયાના ઓરડા ખોલીને એમાં શું છે એ જાહેર કરવા, તાજને ફલાણું અને ઢીંકણું જાહેર કરવા ફરિયાદો કરી છે. ફિલ્મ એ બાબતોને કાલ્પનિક કથામાં બાંધીને વિશ્લેષણ કરે છે. શરૂઆત ધીમી અને નીરસ છતાં, ધીમેધીમે દર્શકનું ધ્યાન ખેંચાવા માંડે છે. ખાસ કરીને એ તબક્કેથી જ્યારે મામલો ઓલમોસ્ટ કોર્ટરૂમ ડ્રામા બની જાય છે. પરેશભાઈના અભિનય ઉપરાંત ફિલ્મની તાકાત ‘સંશોધન’ છે, જેના આધારે સિચ્યુએશન્સ અને સિક્વન્સીસ બની છે. તાજ ક્યારે બન્યો? તાજ ખરેખર મુમતાઝ મહલની કબર છે કે બીજું કશુંક? તાજ બનાવવાનો જશ શાહજહાંને જાય છે કે એણે તો બસ પહેલેથી હાજર મહેલને મકબરામાં ફેરવીને જશ ખાટી લીધો? ભારતમાં મોગલ સ્થાપત્યશૈલીએ ઝંડા ફરકાવ્યા હતા કે પછી કહેવાતી આ શૈલીના મૂળમાં ભારતીય સ્થાપત્યકળા છે? તાજ વિશે વિદેશી ઇતિહાસકારો અને પ્રવાસીઓએ લખેલી વાતો ખરી છે કે ગપગોળાં છે? શાહજહાંના ઇતિહાસકાર, અબ્દુલ હમીદ લાહોરીના પર્શિયન પુસ્તક પાદશાહનામામાં તાજ વિશે શી નોંધ છે? અને, જો તાજ કબર હોય તો મુમતાઝની બબ્બે કબર શાને છે? અને તાજના ભંડકિયામાં જે ઓરડા છે એ શાને બંધ છે? એમાં ખરેખર શું ધરબાયેલું પડ્યું છે?

‘ધ તાજ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ઠીકઠીક રહી હતી. ઓટીટી પર એણે ધ્યાન ખેંચ્યું છે. ‘પરેશ’ પાવર ઉપરાંત તાજમાં લોકોની અખૂટ રુચિ એનાં બે પ્રમુખ કારણ છે. પરેશભાઈની સ્ક્રીન પ્રેઝન્સ અને એમનો અભિનય, બે કારણોસર ફિલ્મ સતત વહેતી લાગવા સાથે, તાજની હકીકતો વિશે મનમાં તરંગો સર્જતી રહે છે. છતાં, હકીકત જાણવા માટે નહીં, તાજ સાથે સંકળાયેલી નવાઈ પમાડે એવી વાતો જાણવા માટે ફિલ્મ જોઈ શકાય. એ સાચી છે કે ખોટી એના પર ફિલ્મ પત્યા પછી વિચારી શકાય. અને પછી રસ પડે તો બેશક, તાજની હકીકતો વિશે ખાંખાખોળા કરી શકાય છે. પોતાના જ્ઞાન અને સંતોષ માટે. ફિલ્મ બહારના સોર્સીસથી. ફિલ્મ છે લાયન્સગેટપ્લે પર અને એ પ્રાઇમ વિડિયો સાથે કનેક્ટેડ છે.

Share:
Reading time: 1 min

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026

દુબઈ સફરઃ ભાગ બેઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન

03.11.2022
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

એઆઈ અને કન્ટેન્ટઃ વિજય, વિરોધાભાસ, વિચિત્રતા

18.08.2026
‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

‘સિસ્ટમ’ના માળખામાં જ મોટી ખોટ છે

13.08.2026
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.