ગોવા સાથે મારો નાતો ઘણો જૂનો. ત્યાંના મારા આરંભિક પ્રવાસો 2008ના ઉત્તરાર્ધના છે. એ પ્રવાસોમાં ગોવાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તે દિવસોમાં ગોવા સરળ, મળતાવડું, મીઠડું અને માણવા જેવું હતું. મારો પ્રવાસ દરિયાકિનારા પૂરતો મર્યાદિત નહોતો. મેં ઓછી જાણીતી જગ્યાઓ પણ માણી હતી. પછી ગોવાની ઘણી વિઝિટ્સ થઈ. કામકામ અને નિજાનંદ માટે પણ. ધીમેધીમે બદલાતા ગોવાને મેં નિહાળ્યું છે. લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાં, પરિવાર અને મિત્રો સાથે ત્યાંની મુલાકાત પછી નક્કી કર્યું કે હવે ગોવા જવું તો કામ માટે જ, હરવાફરવા નહીં. એવું વિચારવાનાં કારણો મનમાં બિલાડીના ટોપની જેમ ફૂટ્યાં નહોતાં. મારી પાછલી થોડી મુલાકાતોના નિરીક્ષણ પછી એ નિર્ણય આકાર પામ્યો હતો. અમુક કારણો આ રહ્યાં.
ભારતીયો, આઘા રહોઃ થોડાં વરસો પહેલાં ગોવાની એક રેસ્ટોરાંમાં હું ડિનર માટે ગયો હતો. ઓફ્ફ સીઝન હોવાથી રેસ્ટોરાં ખાલીખમ હતી. છતાં, માલિક કહે, “ઇન્ડિયન છોને? બાજુમાં રેસ્ટોરાં છે. ત્યાં જાવ. અમને ભારતીયો કસ્ટમર્સ નથી ખપતા.” મેં શાંત પણ મક્કમ વિરોધ નોંધાવતાં કારણ પૂછ્યું. માલિક કહે, “ભારતીયો કરકસરિયા છે. માથાનો દુઃખાવો છે. વિદેશીઓ બિનધાસ્ત ખર્ચ કરે. તમારા જેવા પાંચને સર્વિસ આપીએ એના કરતાં એક ફોરેનરને આપીએ એ વધુ પોસાય.” વિદેશીઓ, ખાસ કરીને રશિયનોનાં, ખરેખર ત્યાં ધાડાં ઊતરવાનો એ સમય હતો. એમાંથી તો આ તોર સર્જાયો હતો. એમાંથી તો પેલો ત્યાં સુધી બોલી ગયો કે જોજો તમે, એક દિવસ ભારતીયોને અમારા સ્ટેટમાં પ્રવેશ ફી ચૂકવવાનો વારો આવશે. ખરેખર હદ હતી એ.