છેલ્લે 2016માં નાગેશ કુકુનૂરની ફિલ્મ, ‘ધનક’ આવી હતી. જોકે 2010થી એમની ફિલ્મ બનાવવાની રફ્તાર પહેલાં કરતાં ધીમી પડી જ હતી. બાકી, ‘હૈદરાબાદ બ્લ્યુઝ’ જેવી ટ્રેન્ડસેટિંગ અને અનેકને સાનંદાશ્ચર્ય કરાવનારી ફિલ્મ સાથે મનોરંજન ઉદ્યોગમાં પદાર્પણ કરનારા અને ટોચના સર્જકોમાં સ્થાન પામનારા કુકુનૂરે, ‘8X10 તસ્વીર’ સુધી લાગલગાટ ફિલ્મો આપી હતી. એમાંની મોટાભાગની વખણાઈ પણ હતી. નાગેશે ઓટીટીની દુનિયામાં 2019માં ‘સિટી ઓફ ડ્રીમ્સ’ સાથે આગમન કર્યું હતું. પછી ‘મોડર્ન લવ હૈદરાબાદ’ પણ બનાવી. દરમિયાન, ‘પાતાલ લોક’ની બીજી સીઝનમાં સરસ મજાના પાત્રથી એમણે અભિનેતા તરીકે પણ સૌને ખુશ કર્યા હતા. હવે તેઓ ‘ધ હન્ટ – ધ રાજીવ ગાંધી’ અસાસિન્સ’ કેસ સિરીઝ લાવ્યા છે. સાત એપિસોડની, સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝ કેવી છે એ જાણીએ.
બીજી ડિસેમ્બર 1989ના દિવસે, ચૂંટણીપ્રચાર માટે ચેન્નાઈ (ત્યારના મદ્રાસ)થી આશરે ચાલીસેક કિલોમીટર દૂર સ્થિત, શ્રીપેરુમ્બુદુર જનારા આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ત્યાં આત્મઘાતી હુમલામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. સિરીઝની શરૂઆત એ ઘટનાથી થાય છે. તરત વાત હત્યાની તપાસ તરફ વળે છે. તપાસની બાગડોર બાહોશ અધિકારી કાર્તિકેયન (અમિત સિયાલ)ને સોંપવામાં આવી છે. કાર્તિકેયન પોતાની ટીમ બનાવે છે. દેશના તત્કાલીન વડા પ્રઘાન ચંદ્રશેખર સહિત તંત્રનો એમને સબળ સાથ છે. જોવાનું એ છે કે કાર્તિકેયનના વડપણવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજીવના હત્યારાને ઝબ્બે કરી શકે છે કે એમાં નિષ્ફળ જાય છે.