ધનુષની આ ફિલ્મ મોટા પડદે ના જોઈ હોય તો નાના પડદે જોવા જેવી છે. સાથે, નાગાર્જુન, રશ્મિકા મંદાના અને જિમ સર્ભ જેવાં કલાકારો પણ એમાં એકદમ બંધબેસતાં પાત્રમાં છે
એકની એક ફિલ્મ મોટા પડદે જોવામાં અને નાના પડદે, ઓટીટી પર જોવામાં શો ફરક પડે? ધનુષ, રશ્મિકા મંદાના અને નાગર્જુનની ફિલ્મ ‘કુબેર’ મહિના પહેલાં મોટા પડદે આવી હતી. બોક્સ ઓફિસના આંકડા કહે છે કે ફિલ્મને અપેક્ષિત સફળતા નથી મળી અને નિર્માણખર્ચ પણ (બોક્સ ઓફિસનો સવાલ છે ત્યાં સુધી) પાછો આવ્યો નથી. હવે ફિલ્મ ઓટીટી (પ્રાઇમ) પર આવી છે. જેઓએ એને સિનેમાઘરમાં જઈને નથી જોઈ એમાંના ઘણા એને ઘેરબેઠા જોઈ રહ્યા છે. અનેક દર્શકોને એ ગમી પણ રહી છે. એવું કેમ થાય કે ટિકિટ લઈને ફિલ્મ જોવાની આવે ત્યારે ઘણા આનાકાની કરે પણ પછી, આ રીતે, ટેસથી જુએ?
1999માં અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘સૂર્યવંશમ’ આવી હતી. એના દિગ્દર્શક ઈ. વી. વી. સત્યનારાયણ હતા. બોલિવુડમાં એમનું ત્યારે નામ નહીં અને આજે પણ દર્શકો એમનાથી ખાસ પરિચિત નથી પણ, ‘સૂર્યવંશમ’ પહેલાં સત્યનારાયણ બે ડઝનથી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા. ચોપન વરસની નાની વયે અવસાન પામેલા આ દિગ્દર્શકે કારકિર્દીમાં એકાવન ફિલ્મો બનાવી હતી. એમાંની એક જ હિન્દી હતી. થયું એમ કે ‘સૂર્યવંશમ’ની રિલીઝ સમયે અમિતાભ બચ્ચનનો સિતારો ગર્દિશમાં હતો. દર્શકો એમને જોવા સિનેમાઘરોમાં જતા નહોતા. પરિણામે, ફિલ્મને જોઈએ એવો પ્રેમ ના મળ્યો. જોકે બોક્સ ઓફિસ પર એણે રોકાણથી લગભગ બમણા પૈસા બનાવ્યા હતા. પછી ફિલ્મ નાના પડદે આવી. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ નહોતાં એટલે સેટેલાઇટ ચેનલ, સોની મેક્સ પર ફિલ્મ આવી. એણે રીતસર તડાકો બોલાવી દીધો. એક અંદાજ મુજબ આ ફિલ્મને નાના પડદે ત્રીસેક કરોડ લોકોએ જોઈ હશે. ચેનલને એનાથી ગજબ નફો થયો છે. એટલે સોની મેક્સ પર વરસો સુધી છાશવારે ‘સૂર્યવંશમ’ ટેલિકાસ્ટ થતી જ રહી, થતી જ રહી…
‘કુબેર’ (એનો સ્પેલિંગ આપણને ફિલ્મનું નામ કુબેરા હોય એવું પ્રતીત કરાવે છે) ભલે ‘સૂર્યવંશમ’ નથી પણ એ જોવા જેવી છે જ.