પાત્રો, વાતાવરણ, સમસ્યાઓ અને સમાધાનોની વાત કરીએ તો આ સિરીઝને એની પ્રસ્થાપિત યુક્તિઓ સાથે આગળ વધવાની ફાવટ આવી ગઈ છે. નાવીન્ય હોય કે ના હોય, મૂળ મિજાજને વફાદારી હોય ત્યાં સુધી આ સિરીઝ ઘણાને ગમતી રહે એવી શક્યતા છે
કોવિડકાળમાં જ્યારે ‘પંચાયત’ વેબ સિરીઝ આવી હતી ત્યારે માહોલ અલગ હતો. સિરીઝનો મિજાજ, એનું કન્ટેન્ટ પણ સાવ અલગ હતા. દેશ ઘરમાં બંધ હતો. લોકો ભયના ઓથારમાં હતા. મનોરંજન માટે ચાર દીવાલો વચ્ચે રહીને ટેલિવિઝ સામે બેસવા સિવાય વિકલ્પ નહોતા. ‘પંચાયત’ એ સ્થિતિમાં જે વાત લાવી એ હૃદયસ્પર્શી રહી. જીતેન્દ્ર કુમાર જેવા સાવ નવા ચહેરાએ શહેરી યુવાનને ફુલેરા ગામ જઈને (ટેમ્પરરી) થાળે પડવાને છટપટિયાં કર્યાં એ મીઠડાં હતાં. એમાં પ્રધાનજી બ્રિજ ભૂષણ (રઘુબીર યાદવ) એમનાં પત્ની મંજુદેવી (નીના ગુપ્તા) સહિત, પ્રહ્લાદ (ફૈસલ મલિક), વિકાસ (ચંદન રોય) જેવાં પાત્રો ઉમેર્યે સિરીઝ ફેન્ટાસ્ટિક બની.
એ પ્રારંભિક સફળતાએ નવાં સીમાચિહ્નો સ્થાપ્યાં. ‘પંચાયત’ ઓટીટીની એક સૌથી લાડકી સિરીઝ બની રહી. પાંચ વરસના એના પ્રવાસમાં એ પછી ચાર સીઝન થઈ છે. ચોથી ગયા મહિને આવી પહેલી ત્રણ સીઝન લગભગ એવી રહી જે સિરીઝના મૂળ હેતુ આસપાસ, મૂળ ટેમ્પરામેન્ટ આસપાસ જ ફરતી રહી. ભલે એમાં ધીમેધીમે ભપકો, શહેરીપણું અને સિરીઝના મૂળ રંગથી વિપરીત એવા થોડા રંગ પણ ઉમેરાયા. ચોથી સીઝનની વાત કરીએ તો, એમાં આ ધીમા પરિવર્તને ગતિ પકડી છે. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન આપણી સમક્ષ શું લાવી છે એ જાણીએ.
ચોથી સીઝનમાં કેન્દ્રવર્તી મુદ્દો બની રહે છે મંજુદેવી અને એમની પ્રતિસ્પર્ધી ક્રાંતિદેવી (સુનિતા રાજબર) અને તેમનાં પતિ ભૂષણ ઉર્ફે બનરાકસ (દુર્ગેશ કુમાર) વચ્ચેનું ઘર્ષણ. ત્રીજી સીઝનના ક્લાઇમેક્સમાં પ્રધાનજી પર થયેલા ગોળીબાર પછી સવાલ છે કે કોણે એમનો જીવ લેવા પ્રયાસ કર્યો. શંકાની સોય, સચિવ અભિષેક ત્રિપાઠી એન્ડ પાર્ટીની સમજણ અનુસાર, ભૂષણ વગેરે પર તકાઈ છે. સાથે સીઝનમાં છાંટણાં છે અભિષેકની કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ (કૅટ)ની પરીક્ષાનાં પરિણામોનાં, વિધાનસભ્ય ચંદ્રકિશાર સિંઘ (પંકજ ઝા)ના કાવાદાવાના તથા અન્ય બાબતોના. અભિષેક અને રિન્કી (સાન્વિકા) વચ્ચેનો પ્રણયફાગ પણ ખરો પણ એને આ સીઝનમાં ખાસ મહત્ત્વ નથી.
‘પંચાયત’ હવે એ મોડ પર છે જ્યાં કથાનકની મૌલિકતા, પાત્રોની સરળતા અને બેકડ્રોપની સુંદરતા સિરીઝને ચુંબકીય બનાવી રાખવા માટે પર્યાપ્ત નથી. હવે આ સિરીઝની નવી સીઝન (ચોથી અને આગળ આવવાની હોય તો એ પણ) ત્યારે જ લોકભોગ્ય થશે જ્યારે એમાં પહેલી સીઝન જેવી ચમત્કૃતિ હશે. બેશક, જૂની તાકાત પર સિરીઝ દર્શકોને આકર્ષી શકે છે પણ વફાદાર રાખી શકે એ જરા અઘરું છે.