બોલિવુડ અને ઓટીટી વચ્ચેની નિત્ય ખેંચતાણમાં હાલમાં એક એવું પ્રકરણ ઉમેરાયું છે જેની કોઈએ કલ્પના કરી નહોતી. એનું કારણ છે હાલના સૌથી સફળ અને, સફળતાને કારણે કંઈક અંશે ગુમાનમાં રાચી રહેલા, નિર્માતા દિનેશ વિજનની લેટેસ્ટ ફિલ્મ, ‘ભૂલ ચૂક માફ.’ કરણ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ ઓરિજિનલી મોટા પડદે જ આવવાની હતી. તડામાર તૈયારીઓ થઈ ગઈ હતી. એના મુખ્ય એક્ઝિબિટરને નાતે પીવીઆર આઇનોક્સે ભારે પ્રમોશન્સ પણ શરૂ કરી દીધાં હતાં. એવામાં, બાવીસમી એપ્રિલે પહલગામ હુમલો થયો, ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરવા સુધી પહોંચી ગયા અને પત્યું. ફિલ્મના મેકરને નાતે, દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સે સહનિર્માતા એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ સાથે સંતલસ કરીને જાહેર કરી દીધું, “જાવા દ્યો ભાઈસા’બ, આપણે આ ફિલ્મ મોટા પડદે મૂકવી નથી. દેશનો સવાલ છે. આવા તંગ વાતાવરણમાં લોકોને સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવવું પડે એ ના ચાલે. એટલે, આપણે ફિલ્મ સીધી મૂકી દો નાના પડદે, ઓટીટી પર.” તો આમ, નવમી મેએ મોટા પડદે આવનારી ફિલ્મ વાજતેગાજતે (કે દબાતા પગલે!) ઓટીટી પર મફતમાં જોઈ શકાશે એવી જાહેરાત થઈ ગઈ.
બસ, આ નિર્ણયથી પીવીઆર ગિન્નાઈ અને લગભગ વાજબી, તાર્કિક કારણોસર જ. એણે ‘ભૂચૂમા’ના સર્જકો સામે અદાલતમાં ધા નાખી. ત્યાં જણાવ્યું કે અમે આ ફિલ્મના પ્રમોશનમાં લોહી રેડ્યું, રૂપિયા સાઠ કરોડ વેર્યા છે. આ તો અંચઈ થઈ અમારી સાથે. ના ના, આ ફિલ્મ તો પહેલાં મોટા પડદે જ આવવી જોઈએ, બસ. બોમ્બે હાઈ કોર્ટે મામલામાં પીવીઆરનો પક્ષ લીધો અને સ્પષ્ટ કર્યું કે નિર્માતાઓ આ ફિલ્મ કોઈ ઓટીટી પર, એની મોટા પડદે રજૂઆત થયાનાં આઠ અડવાડિયાં લગી, રજૂઆત કરી શકે નહીં. એ પછી બેઉ પક્ષ વચ્ચે અદાલત બહાર માંડવાળ થઈ. એમાં નક્કી થયું કે ‘ભૂચૂમા’ને પહેલાં સિનેમાઘરોમાં મૂકવી પણ, બે અઠવાડિયામાં રમતી કરી દેવાની ઓટીટી પર, પ્રાઇમ વિડિયો પર.