કોન્સેપ્ટથી લેખન સુધી આ સિરીઝને પોતાને અસરકારક ઇલાજની જરૂર હતી. એ પછી જ એને બનાવવાની દરકાર સર્જકોએ કરવાની હતી. એ સિવાયનું જે પરિણામ પડદે આવ્યું છે એ દર્શકને અસુખ કરાવનારું છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફોર્મ્યુલાનું ગ્રહણ દાયકાઓથી લાગેલું છે. એક ફિલ્મ ચાલે એટલે એના જેવી ફિલ્મો બનાવવા સૌ નીકળી પડે. “ટ્રેન્ડ છે, લોકોને આવું જ કંઈક જોવું છે,” એ હોય છે દલીલ. આવી દલીલ કરતી વખતે કોઈ જોકે એ નથી કહેતું કે જે ફિલ્મથી ટ્રેન્ડ શરૂ થયો એના સર્જકે બસ, આત્મસ્ફુરણા કે પોતાના વિષય પર ભરોસો રાખીને એવું કંઈક બનાવ્યું જેનો ટ્રેન્ડ જ નહોતો. ટ્રેન્ડના પાપે જ્યાં એક-બે ફિલ્મો ચાલી જતી હોય છે ત્યાં અનેક ફિલ્મો પાણીમાં બેસી જતી હોય છે. એની જોકે કોઈ વાત કરતું નથી.
ઓટીટીની દુનિયામાં પણ આ ટ્રેન્ડિયા તકલીફ ઘર કરી ચૂકી છે. ક્રાઇમ થ્રિલર્સનો ટ્રેન્ડ તો ઓટીટીનો દોર જામ્યો ત્યારથી એટલે રહ્યો છે કે શરૂઆતી અમુક સિરીઝ એ પ્રકારની હતી. ‘પંચાયત’ જેવી સિરીઝે દેશી માહોલવાળી, સાવ સરળ વાર્તા અને પાત્રોનો એક ટ્રેન્ડ શરૂ કર્યો. નસીબજોગે હજી આ પ્રકારની સિરીઝનો મોટો ફાલ આવ્યો નથી પણ એની કહો કે શરૂઆત થઈ ગઈ છે. પ્રાઇમ વિડિયોએ જાણે એનું સુકાન લીધું છે. થોડા સમય પહેલાં આ પ્લેટફોર્મ પર ‘દુપહિયા’ પણ આવી. હવે ‘ગ્રામ ચિકિત્સાલય’ આવી છે. બિલકુલ યોગાનુયોગ વિના કહીએ તો એના સર્જક ‘પંચાયત’ વાળા ટીવીએફ અને અરુનભ કુમાર છે. પાંચ એપિસોડની સિરીઝનું નામ પણ એની તાસીર કહી જાય છે. કરીએ વાત.