“પણ તારે તારાં માબાપ સામે કેસ શા માટે માંડવો છે?” બાર વરસના ટેણિયા ઝૈન એલ હાજને અદાલતમાં ન્યાયાધીશ પ્રશ્ન કરે છે. શૂન્ય આંખે એ સણસણતો જવાબ આપે છે, “કારણ કે (એમના પાપે) હું જન્મ્યો…” બાળકને સાચવવાની ત્રેવડ નહીં છતાં એક પછી એક બાળક જણ્યે જતાં માબાપ વિરુદ્ધ એક બાળકનું એ સણસણતું તીર છે.
લેબનીઝ ફિલ્મ ‘કાપરનોમ’ (કે ‘કાપરનાહુમ’) બાર વરસના ટેણિયા ઝૈનની કથા છે. એના વિષાદ અને એના નિર્ણયોની કથા છે. સંજોગવશાત્ જેલમાં ગોંધાયા પછી ત્યાં એ એક જણને ચાકૂ ભોંકી દે છે. એમાં કેસ થાય છે. એ સમયે અદાલતમાં એનાં માબાપ હાજર છે. ત્યાં ઝૈન માબાપ વિરુદ્ધ કેસ કરવાની વાત મૂકે છે.
એનાં માબાપ, સૌઆદ અને સેલીમે, દીકરાના જન્મ પછી એનું બર્થ સર્ટિફિકેટ લેવાની દરકાર કરી નહોતી. એમણે આવી દરકાર એમનાં અન્ય સાત-આઠ સંતાનો માટે પણ કરી નથી. એમને મન બાળક જણવું એ શારીરિક ભૂખ સંતોષવાનું નૈસર્ગિક કૃત્ય છે. જણ્યા પછી બાળકના ઉછેરની ઔકાત કે તમન્ના તેલ પીવા જાય. લેબનીઝ શહેર બૈરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ પરિવારની ભીંતો અને છત પર જાણે શબ્દ કોતરાયેલો છેઃ સંઘર્ષ.
આવા પરિવારનું ફરજંદ ઝૈન ઘરથી ભાગીને પોતાની રીતે જીવનની લડાઈ લડે છે. એનું ઘર છોડવાનું કારણ છે. માબાપ એની વહાલસોયી, અગિયાર વરસની બહેન સેહરને, ત્રીસીમાં આવેલા પુરુષ અસાદને વેચી નાખે છે, માત્ર બે મરઘીઓ માટે. અસાદ આવડી નાની છોકરીને ગર્ભવતી કરે છે જે બને છે સેહરના મૃત્યુનું કારણ.