બે ફિલ્મોની આજે વાત કરીએ. એક છે ‘જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગિન્સ’ અને બીજી, ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ.’ એક સીધી ઓટીટી, નેટફ્લિક્સ પર આવી છે. બીજી, રિલીઝ તો થઈ હતી સિનેમાઘરોમાં પણ એની તરફ દર્શકોનું ધ્યાન હવે ખેંચાયું છે, જ્યારે એ પ્રાઇમ વિડિયો પર આવી છે, ત્યારે.
1978માં ધર્મેન્દ્ર અને ઝીનત અમાનને મુખ્ય પાત્રોમાં ચમકાવતી ફિલ્મ નામે ‘શાલીમાર’ આવી હતી. કૃષ્ણા શાહ એના દિગ્દર્શક હતા. ફિલ્મ ફ્લોપ હતી ખરી પણ સમય જતા એ એક કલ્ટ ફિલ્મ જેવી ગણાવા માંડી. એની કથા એક ચોર એસ. એસ. કુમારની હતી જે અણમોલ હીરો શાલીમાર ચોરવા મેદાને પડે છે. ‘જ્વેલ થીફ’માં માહોલ એવો જ કંઈક છે. દિગ્દર્શક કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલની આ ફિલ્મમાં એક તરફ એક ગેન્ગસ્ટર રાજન ઔલખ (જયદીપ અહલાવત) છે જે સારા માણસનો અંચળો ઓઢીને સૌની આંખમાં ધૂળ નાખીને જીવી રહ્યો છે. મુંબઈમાં એકવાર આફ્રિકન હીરો, ધ રેડ સન, પ્રદર્શન માટે આવે છે. એને ચોરવા રાજન દાવ રમે છે. એમાં એ અઠંગ ચોર રેહાન રોયને આંતરે છે. રેહાને ધ રેડ સન ચોરીને રાજનને આપવાનો છે બાકી…
મુંબઈ અને ટર્કીના ઇસ્તાનબુલ શહેર વચ્ચે ઝોલાં ખાતી આ ફિલ્મ સ્ટાઇલિશ છે. અહલાવત એમાં ઘટાડેલા શરીરે વધુ દમદાર રીતે વિલનના પાત્રને સાકાર કરે છે. એની સાથે સૈફની સરસ જુલગબંધી છે. એમાં ઉમેરી દો રાજનની પત્ની ફરાહ તરીકે ગ્લેમરસ નિકિતા દત્તા. આ સિવાય ઇનવેસ્ટિગેટિવ ઓફિસર વિક્રમ પટેલ તરીકે છે દેખાવડો કુનાલ કપૂર. સહકલાકારોમાં છે રેહાનના પિતા તરીકે કુલભૂષણ ખરબંદા અને અન્ય.
ફિલ્મની શરૂઆત પ્રમાણમાં ધીમી પણ સીધી વિષયસોતી છે. પહેલા જ દ્રશ્યમાં રાજન એના વિશ્વાસુ અકાઉન્ટન્ટનું મર્ડર કરે છે. ત્યાંથી માહોલ બનવા માંડે છે. ફટાફટ એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે રાજન કઈ બલા છે અને રેહાને શું કરવાનું છે. પછી આવે છે મૂળ મુદ્દોઃ ધ રેડ સનની ચોરી કેવી રીતે શક્ય થશે અને પછી, એ ચોરી કરવાની ઘટના.